AnandToday
AnandToday
Sunday, 08 Oct 2023 18:30 pm
AnandToday

AnandToday

નડિયાદ ખાતે નવરાત્રિ મેળાનો શુભારંભ 

 રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સખી મંડળો દ્વારા બનાવેલ વિવધ વસ્તુઓનાં વેચાણ માટે નવરાત્રિ મેળો શરૂ

જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે સંતરામ મંદિર ખાતે નવરાત્રી મેળાનાં સ્ટોલનું ઉદ્ધધાટન કરવામાં આવ્યુ

નવરાત્રિ મેળાના તમામ સ્ટોલની મુલાકાત લઇ સખી મંડળની બહેનો સાથે વાતચીત કરી બહેનોને પ્રોત્સાહન પુરુ પાડતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલ અગ્રવાલ

નવરાત્રિ મેળા અંતર્ગત લગાવેલ કુલ 05 સ્ટોલમાં સખીમંડળની બહેનો દ્વારા નવરાત્રિ માટે દાંડિયા, દિવા, ડ્રેસ અને વિવિધ આભૂષણોનું વેચાણ કરવામાં આવશે

આણંદ ટુડે I નડિયાદ
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ જિલ્લા ગ્રામ વકાસ એજન્સી, ખેડા જિલ્લા પંચાયત દ્વારા સખીમંડળની બહેનો દ્વારા જાતે બનાવેલ વસ્તુઓનાં વેચાણ માટે બજાર મળી રહે અને બહેનોને ઉચિત આજિવિકા મળી રહે તે હેતુ થી તા. 08 થી 14 ઓક્ટોબર, 2023 સુધી, કુલ 07 દિવસ, સવારે 11 થી સાંજે 07 કલાક સુધી સંતરામ મંદિર, નાની શાક માર્કેટની પાસે નવરાત્રિ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલ અગ્રવાલ દ્વારા નવરાત્રી મેળાના સ્ટોલનુ ઉદ્વધાટન કરવામાં આવ્યુ હતુ. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તમામ સ્ટોલની મુલાકાત લઇ સખીમંડળની બહેનો સાથે ચીજ વસ્તુઓ સંદર્ભે બનાવટ, વેચાણ અને તેના વેચાણથી થતી આવક જેવી મહત્વની બાબતો પર વાત કરી હતી અને આ રીતે સખી મંડળની બહેનોને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડયું હતુ.
ઉલ્લેખનીય છે નવરાત્રિ મેળાનો હેતુ છે કે સખી મંડળની બહેનો દ્વારા જાતે બનાવેલ વસ્તુઓનાં વેચાણ માટે બજાર મળી રહે અને બહેનોને ઉચિત આજિવિકા મળી રહે. નવરાત્રિ મેળા અંતર્ગત લગાવેલ કુલ 05 સ્ટોલમાં સખીમંડળની બહેનો દ્વારા તહેવારને લઈ ખાસ કરીને દાંડિયા, દિવા, રાસ ગરબા રમતી બહેનો માટે ડ્રેસ, વિવિધ આભૂષણો, પર્સ, હેન્ડીક્રાફ્ટ આઈટમ, મુખવાસ, કીચન મસાલા સહિત વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. 
આ પ્રસંગે જયમહારાજ સખી મંડળનાં બહેન શ્રી સરોજબેન મેકવાને જણાવ્યુ હતુ કે તેઓ દર વખતે તહેવાર પર આ પ્રકારે સ્ટોલ લગાવે છે અને તેમાંથી તેમને સારી આવક મળતી હોય છે. આ વખતે નવરાત્રિ મેળામાં તેમણે ઓક્સોડાઈટ જ્વેલરીની વિવિધ બનાવટોના વેચાણ માટે સ્ટોલ ઉભો કર્યો છે.  
આ પ્રસંગે નાયબ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં ઈનચાર્જ નિયામકશ્રી વી.સી.બોડાણા, ડીસ્ટ્રીક્ટ લાઈવલીહુડ મેનેજરશ્રી મધુબેન સહિત સંબધિત વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.