AnandToday
AnandToday
Saturday, 07 Oct 2023 18:30 pm
AnandToday

AnandToday

વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે જાણીએ સાપ વિશે કૈક અવનવુ

આણંદ, રવિવાર 
સામાજિક વનીકરણ વિભાગ, આણંદ દ્વારા આણંદ જિલ્લામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સાપ વિશે કંઈક નવું જાણવા જેવું છે. 

આપણા સમાજના પાયામાં ધર્મ રહેલો છે. અને આપણા ધર્મ અને ધાર્મિક સંસ્કારોમાં વન્યપ્રાણીઓ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. દેવી દેવતાઓના વાહન તરીકે વન્યપ્રાણીઓ ને સ્થાન આપવામાં આવ્યું છે. તો આપણા સાહિત્યમાં કહેવતો અને કથાનકોમાં પણ વન્યપ્રાણીઓ કેન્દ્ર સ્થાને રહ્યા છે. પંચતંત્રની બોધકથાઓ પણ વન્યપ્રાણીઓ સાંકેતિક દર્શાવીને જ બનાવવામાં આવેલી છે. 
                    આપણી આજુબાજુ અને આપણા રોજબરોજ ના જીવનમાં કેટલાક વન્યપ્રાણીઓ હમેશા જોવા મળતા હોય છે. એમાં સાપ એ મુખ્યત્વે જોવા મળે છે. સાપ એ આપણા ઘર આંગણે, વાડી - ખેતર માં , જૂના ઘરોમાં અને જંગલોમાં જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં સાપ ને દેવ ગણી ને એની પૂજા કરવામાં આવે છે. આ ધાર્મિક સંસ્કાર ને લીધે સાપ વિશે કેટલીક ગેરમાન્યતાઓ સમાજમાં ઘર કરી ગયેલી છે. જેની અહી સ્પષ્ટતા થવી જરૂરી છે. 

૧. સાપ ક્યારેય ઉડી શકતો નથી. કેટલીક જાતિના સાપ ઝાડ ની એક ડાળ પર થી બીજી ડાળ સુધી કૂદકો મારીને જાય છે. જેને સાપ ઉડવાની ગેરમાન્યતા સાથે જોડી દેવામાં આવેલ છે. 

૨. સાપનો આહાર દૂધ નથી. સાપ મુખ્યત્વે માંસાહારી પ્રાણી છે. લાંબા સમય સુધી ખોરાક કે અન્ય પ્રવાહી ના મળે તેવા કિસ્સામાં માં થોડું દૂધમાં મોં પલાળે છે. 

૩. સાપ મોરલી ની ધૂન ઉપર નાચતો નથી. સાપ મોરલીને પોતાના પર હુમલો કરનારા હથિયાર તરીકે જુએ છે. જેના લીધે મોરલીના પ્રહાર થી બચવા જે બાજુ મદારી મોરલીને લઈ જાય એ બાજુ સાપ ફેણ લઈ જાય છે. અન્ય કોઈ પદાર્થને સાપ ને સામે હલાવવામાં આવે તો પણ સાપ ડોલે છે. 

૪. સાપ ને બે મોઢા હોતા નથી. સાપ આગળની બાજુ અને પાછળ ની બાજુ સરકે છે. 

૫. સાપ ઝાડ પર ચડી શકે છે અને પાણી માં તરી શકે છે. 

૬. સાપ રૂપ કે રંગ બદલી શકતા નથી. અને સાપના માથા પર ક્યારેય મણી હોતો નથી. 

૭. સાપ ક્યારેય પોતાનું ઝેર ચૂસવાની ક્ષમતા રાખતો નથી. 

આપણી આસપાસ જોવા મળતા બધા જ સાપ ઝેરી હોતા નથી. ગુજરાતમાં ૫૨ ( બાવન ) જેટલા સાપોની પ્રજાતિઓ જોવા મળે છે. જે પૈકી ફક્ત ૪ ( ચાર ) જ જાતના સાપ ઝેરી હોય છે. 
૧. કાળોતરો
૨. નાગ 
૩. ખડચીતરો
૪. ફૂરસો 

ભારત દેશમાં દર વર્ષે હજારો લોકોના મૃત્યુ સર્પદંશ ને લીધે થાય છે. સર્પદંશ ના કિસ્સામાં આપણી અંધશ્રધ્ધા ઘણી વાર માનવ મૃત્યું તરફ દોરી જાય છે. સર્પદંશ ની ઘટનામાં હમેશા નજીકના દવાખાના પર પહોંચવું જોઈએ.
******