આણંદ, રવિવાર
દેશની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત કરવા તથા દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ 'મારી માટી, મારો દેશ' અભિયાન અંતર્ગત સમગ્ર દેશની સાથે આણંદ જિલ્લામાં પણ 'અમૃત કળશ' યાત્રા યોજાઈ રહી છે. જે અન્વયે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને આજે બોરસદ તાલુકાના રાસ, સૈજપુર, વાસણા-રાસ, બનેજડા, કાંધરોટી, કણભા, અમીયાદ અને દિવેલ સહિતના ગામોમાં 'અમૃત કળશ' યાત્રા યોજાઈ હતી. આ યાત્રા દરમિયાન મહાનુભાવોએ અમૃત કળશ માટે ગ્રામજનો પાસેથી માટી-ચોખા એકત્રિત કર્યા હતા. વિવિધ ગામોમાં યોજાયેલ 'અમૃત કળશ' યાત્રાને ગામના સરપંચ, અગ્રણીઓ, પદાધિકારીઓ તેમજ ગ્રામજનોએ ઢોલ નગારાના સ્વાગત સાથે આવકારીને તેમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. *****