આણંદ ટુડે I આણંદ,
ઇન્ટરનેશનલ ડે ફોર ઓલ્ડર પર્સન (આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ) ની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી પ્રવિણ ચૌધરીની ઉપસ્થિતિમાં લાંભવેલ સ્થિત આનંદધામ વૃધ્ધાશ્રમ ખાતે વડીલ મતદારોને સન્માનવાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે આનંદધામ સ્થિત વયોવૃધ્ધ વડીલોને સન્માનિત કરી મતદાન થકી લોકશાહીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વયોવૃધ્ધ વડીલો પ્રત્યે આદરની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતુ કે, ભારત દેશ એ યુવાનોનો દેશ છે. આ દેશના યુવાનોને મતદાન માટે પ્રેરણા મળે અને તેઓ અવશ્ય મતદાન કરી તંદુરસ્ત લોકશાહી માટે યોગદાન આપે તે જરૂરી છે.
કલેકટરશ્રીએ આ તકે વયોવૃધ્ધ વડીલોએ અત્યાર સુધીની પ્રત્યેક ચૂંટણીમાં મતદાન કરીને તંદુરસ્ત લોકશાહીમાં આપેલ યોગદાનને બિરદાવી પ્રત્યેક વ્યક્તિને અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ, આણંદ ગ્રામ્ય મામલતદાર શ્રી સી.વી. ચૌધરી સહિત ચૂંટણી શાખાના અધિકારી-કર્મચારિઓ, વૃધ્ધાશ્રમના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****