આણંદ ટુડે I નડિયાદ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ જે એન્ડ જે સાયન્સ કૉલેજમાં તા.૨૫/૦૯/૨૦૨૩ ના રોજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ- ભારત સરકારના ઉપક્રમે આયોજિત ૩૧ મી જિલ્લા સ્તરિય 'બાળ વિજ્ઞાન પરિષદ' યોજાઇ હતી. આ કાર્યક્રમમાં સમગ્ર ખેડા જિલ્લાની ૬૦ શાળાઓમાંથી કુલ ૧૫૦ બાળકો સહભાગી થયા હતા.
ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયના ધો.૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દિવ્યેશ ગોસાઇએ તૈયાર કરેલ પ્રોજેક્ટને સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 'સ્વતંત્ર નવોદય વેસ્ટ સિસ્ટમ અને આસપાસના વિસ્તારો' શીર્ષક હેઠળ પ્રોજેક્ટ તૈયાર કરવામાં શાળાના જીવવિજ્ઞાનના શિક્ષિકા શ્રીમતી જ્યોતિ ચતુર્વેદી (પી.જી.ટી.જીવવિજ્ઞાન) દ્વારા સચોટ માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. દિવ્યેશ ગોસાઇએ ગત વર્ષે ૨૦૨૨માં આ જ કાર્યક્રમમાં 'ઈકો સિસ્ટમ રીસ્ટોરેશન ' અંતર્ગત પ્રોજેક્ટ બનાવી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડા જિલ્લાના ગણમાન્ય અધિકારીઓ તથા પ્રતિષ્ઠિત મહાનુભાવોએ વિજેતાઓને શીલ્ડ અને પ્રમાણપત્ર આપી બિરદાવ્યા હતા.