AnandToday
AnandToday
Tuesday, 26 Sep 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 27 સપ્ટેમ્બર : 27 SEPTEMBER 
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર

આજે વિશ્વ પ્રવાસન દિવસ 

વિશ્વ પર્યટન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સમુદાય અને પ્રવાસન કેન્દ્ર વચ્ચે એક સેતુ બનાવવાનો છે. આજે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રવાસનનું સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષેત્રે મહત્વ બાબતે લોકજાગૃતિ કેળવવા પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે.યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા વિશ્વ પ્રવાસન દિવસની શરૂઆત સૌપ્રથમ 1980માં કરવામાં આવી હતી. તેની તારીખ 27 સપ્ટેમ્બર તરીકે પસંદ કરવામાં આવી હતી કારણ કે 1970માં આ દિવસે UNWTOને માન્યતા આપવામાં આવી હતી. UNWTOને આપવામાં આવેલી માન્યતા ખરેખર વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ ગણાય છે.

* મહાન દેશભક્ત અગ્રણી રાષ્ટ્રીય નેતા અને વડી ધારાસભાનાં સર્વપ્રથમ ચૂંટાયેલા પ્રમુખ તથા સરદાર પટેલનાં મોટાભાઈ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલનો માતા લાડબાઈને ત્યાં ખેડૂત પરિવારમાં નડિયાદ ખાતે જન્મ (1873)
કરમસદની ધૂળી નિશાળ અને નડિયાદની હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો, વકીલ (પ્લીડર) તરીકે ગોધરા અને બોરસદનાં ન્યાયાલયોમાં કાર્ય કર્યું
વિઠ્ઠલભાઈએ લંડન જઈ મિડલ ટેમ્પલમાં પ્રવેશ મેળવ્યો અને વર્ગમાં પ્રથમ ક્રમાંકે પૂર્ણ કર્યો અને 1908માં ભારત પાછા ફર્યા બાદ તેઓ મુંબઈ અને અમદાવાદનાં ન્યાયાલયમાં જાણીતા બેરિસ્ટર બન્યાં
અંગ્રેજ શાસકો પણ તેમનાથી ડરતા અને તેમણે રોલેટ એક્ટ વિરુદ્ધ ભારતમાં મજબૂત જન આંદોલન શરૂ કર્યું હતું 
તેઓ સેન્ટ્રલ એસેમ્બલીના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા પરંતુ કોંગ્રેસની અસહકારની નીતિ મુજબ સભ્યપદેથી રાજીનામું આપ્યું, બાદમાં તેઓ સ્વરાજ્ય પાર્ટીમાં જોડાયા અને સેન્ટ્રલ એસેમ્બલીના પ્રથમ બિન-સત્તાવાર પ્રમુખ તરીકે ચૂંટાયા, તેમણે પોતાનો મત આપીને સરકારી પબ્લિક સેફ્ટી બિલને ફગાવી દીધું અને સત્ર દરમિયાન પોલીસને સેન્ટ્રલ એસેમ્બલી હોલમાં પ્રવેશતા અટકાવી દીધા હતા, 1930 માં, તેમણે કોંગ્રેસના નેતાઓની ધરપકડના વિરોધમાં સેન્ટ્રલ એસેમ્બલીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું
ગુજરાતનાં વિધાનસભાનાં મકાનને વિઠ્ઠલભાઈ પટેલનું નામ જોડીને તેનું ‘વિઠ્ઠલભાઈ પટેલ ભવન’ નામ આપવામાં આવ્યું છે

* "આધુનિક ભારતીય સમાજના પિતા" તરીકે ઓળખાતા, બ્રહ્મોસમાજના સ્થાપક, ભારતીય ભાષાકીય પ્રેસના પ્રણેતા, જન જાગૃતિ અને સામાજિક સુધારણા ચળવળના નેતા અને બંગાળમાં પુનરુજ્જીવન યુગના પિતામહ રાજા રામમોહન રોયનું અવસાન (1833)
ધાર્મિક અને સામાજિક વિકાસના ક્ષેત્રે મોખરે રહેલ રાજા રામ મોહન રોયે ધર્માંધતા, રૂઢિચુસ્તતા અને અંધશ્રદ્ધાને દૂર કરીને તત્કાલિન ભારતીય સમાજને આધુનિક બનાવવાનો પ્રયાસ કર્યો અને અખબારોની સ્વતંત્રતા માટે સખત લડત ચલાવી હતી
ભારતીય સમાજની ધર્માંધતા, રૂઢિચુસ્તતા અને અંધશ્રદ્ધા દૂર કરીને સતી પ્રથાને આધુનિક બનાવવાનો પ્રયાસ કર્યો. એકેશ્વરવાદી રામમોહન રોયે જૈન ધર્મ, ઇસ્લામ વગેરે ધર્મોનો અભ્યાસ કર્યો હતો 

* સ્વાતંત્ર્ય સેનાની અને મહાન ગાંધીવાદી કર્મશીલ બબલભાઈનું અવસાન (1981)
કૉલેજનું શિક્ષણ કરાંચીમાં પ્રાપ્ત કરી ગુજરાત વિધાપીઠમાં કાકાસાહેબ પાસે આવી સેવાકાર્ય આરંભ્યું અને ગાંધીજીનાં ઘનિષ્ઠ સંપર્કથી તેમનાં રાષ્ટ્રીય વિચારો પરિપકવ થયાં
બબલભાઈ રચનાત્મક કાર્યકરની સાથે સારા લેખક પણ હતાં. ‘મારું ગામડું’, ‘મહારાજ થયા પહેલા’, ‘ભીંતચિત્રો દ્રારા લોકશિક્ષણ’, ‘રવિશંકર મહારાજ’, ‘ભૂદાન અને સર્વોદય’, ‘જીવન સૌરભ’, ‘સફાઈમાં ખુદાઈ’, ‘સર્વોદયની વાતો’-5 ભાગમાં અને આત્મકથા ‘મારી જીવનકથા’ જેવાં પુસ્તકો તેઓએ લખ્યા છે
સર્વોદય યોજના સાથે સંકળાયેલા બબલભાઈ દરરોજ 2 કલાક સફાઈ પ્રવુતિ માટે આપતા હતાં. તેમનાં જેવો સફાઈને સમર્પિત સેવક મળવાં મુશ્કેલ છે
પોતાની પ્રવુતિનાં કેન્દ્ર તરીકે આણંદ જીલ્લાના થામણા ગામને પસંદ કર્યું હતું ત્યાં સફાઈ અને ગાંધીવાદી રચનાત્મક પ્રવુતિઓમાં પોતાનું જીવન સમર્પિત કર્યું
પૂ.રવિશંકર મહારાજ સાથે પગપાળા ફર્યા અને હજારો એકર જમીન ભૂદાન યજ્ઞ સ્વરૂપે પ્રાપ્ત કરી અને જરૂરિયાતવાળા પરિવારોને વહેંચી

* ભારતીય ક્રિકેટર અને જમણા હાથનો ઝડપી મધ્યમ બોલર લક્ષ્મીપતિ બાલાજીનો તમિલનાડુમાં જન્મ (1981)
તેમણે આઈપીએલ કારકિર્દીમાં 73 મેચમાં 76 વિકેટ ઝડપી હતી અને 2003માં અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે તેની પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ રમી હતી

* દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને પદ્મ ભૂષણથી સન્માનિત હિન્દી ફિલ્મ નિર્માતા - નિર્દેશક યશ રાજ ચોપરાનો પાકિસ્તાનના લાહોરમાં જન્મ (1932)
તેઓ ફિલ્મ નિર્માણ અને વિતરણ કંપની યશરાજ ફિલ્મ્સનાં સ્થાપક અધ્યક્ષ હતાં
શ્રેષ્ઠ બૉલીવૂડ ફિલ્મ નિર્માતા યશ ચોપરાનું છ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને 11 ફિલ્મફેર એવોર્ડ સહીત અનેક એવોર્ડથી સન્માન થયું છે, બ્રિટિશ એકેડમી ઑફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સે તેમને આજીવન સદસ્યતા આપી જે સન્માન મેળવનારા તે પ્રથમ ભારતીય બન્યાં હતાં 
યશ ચોપરાને 1959માં તેમના મોટા ભાઈ બી.આર. દ્વારા નિર્મિત સામાજિક નાટક ધૂલ કા ફૂલ સાથે દિગ્દર્શનની પ્રથમ તક મળી હતી

* ભારતમાં લાઇબ્રેરી યુગનું નિર્માણ કરનાર અને પદ્મશ્રીથી સન્માનિત ડૉ. શિયાલી રામામૃત રંગનાથનનું અવસાન (1972)
એમ.એ. થઈ મદ્રાસ યુનિવર્સિટીમાં લાઇબ્રેરિયન તરીકે નિયુક્ત થયાં અને પોતાની આગવી ‘કોલન પદ્ધતિ’ પ્રમાણે પુસ્તકોનું નવેસરથી વર્ગીકરણ કર્યું અને તેમનું સૂત્ર હતું ‘પ્રત્યેક પુસ્તકને તેનો વાચક મળી રહે અને પ્રત્યેક વાચકને તેનું પુસ્તક મળી રહે’
ડૉ.રાધાકૃષ્ણનનાં નિમંત્રણથી બનારસ યુનિવર્સિટીમાં જોડાઈને એક લાખ જેટલાં પુસ્તકોનું વર્ગીકરણ કર્યું અને સરકારે તેમની ‘નેશનલ પ્રોફેસર ઑફ લાઇબ્રેરી’ તરીકે પસંદગી કરી હતી,. તેઓ (1944-53) ભારતીય લાઇબ્રેરી એસોસિએશનના અધ્યક્ષ હતાં

* હિન્દુ આધ્યાત્મિક નેતા, ગુરુ અને માનવતાવાદી માતા અમૃતાનંદમયીનો જન્મ (1953)

* પદ્મ ભૂષણ અને સંગીત નાટક અકાદમી એવોર્ડથી અને હિન્દુસ્તાની સંગીતને ઠુમરી અને ગઝલથી અનોખો અંદાજ આપનાર ગાયિકા શોભા ગુર્ટૂ (ભાનુમતી શિરોડકર)નું અવસાન (2004)
તેમની ગઝલો સાંભળવી તે પણ એક લહાવો કહેવાય, ગઝલની અર્થપૂર્ણ પસંદગી, મધુર સૂરાવલિ તથા તાલ અને લય સાથે રજુ થતી એમની ગઝલો શ્રોતાઓને ભાવવિભોર બનાવતી હતી. બેગમ અખ્તરનાં નિધન પછી શોભા ગુર્ટૂ ઠુમરી ક્વિન બની ગયાં 
તેમણે મરાઠી અને હિન્દી સિનેમામાં સંગીત રજૂ કર્યું અને પ્લેબેક સિંગર તરીકે તેમણે કમલ અમરોહીની ફિલ્મ પકીઝા (1972)માં પહેલી વાર કામ કર્યું હતું

* પદ્મશ્રી અને મહારાષ્ટ્ર સરકારના લતા મંગેશકર પુરસ્કારથી સન્માનિત હિન્દી ફિલ્મોના પ્લેબેક સિંગર મહેન્દ્ર કપૂરનું અવસાન (2008)
તેમણે બીઆર ચોપરાની ફિલ્મો હમરાઝ, ગુમરાહ, ધૂલ કા ફૂલ, વક્ત, ધૂંડમાં ખાસ કરીને યાદગાર ગીતો ગાયા અને સંગીતકાર રવિએ આમાંની મોટાભાગની ફિલ્મો માટે સંગીત આપ્યું
તેમને 'ઉપકાર'ના ગીત મેરે દેશ કી ધરતી સોના ઉગલે... માટે શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ - સન્માન ઉપરાંત, તેમને 'ગુમરાહ'ના ચલો એક બાર ફિર અજનબી બન જાયે... ગીત માટે, હમરાજની નીલ ગગન કે તલે... માટે અને ત્રીજો ફિલ્મફેર પુરસ્કાર રોટી કપડા અને મકાન માટે મળ્યો હતો

* બ્રિટિશ ભારતમાં બંગાળી કવિ, સામાજિક કાર્યકર અને નારીવાદી કામિની રોયનું અવસાન (1933)

* પીઢ તેલુગુ અને તમિલ અભિનેત્રી, ગાયિકા અને દિગ્દર્શક ગારિકપતિ વરલક્ષ્મીનો જન્મ (1926) 

* હિન્દી ફિલ્મ અભિનેતા અને ભૂતપૂર્વ મોડલ રાહુલ દેવનો જન્મ (1968)

* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી - એન્કર અને મોડલ રક્ષંદા ખાનનો જન્મ (1974)

* ભારતીય સંગીતકાર પરવૂર ગોવિંદન દેવરાજનનો જન્મ (1924)