આણંદ ટુડે I આણંદ
આણંદ-ખેડા જિલ્લામાં હાલ ગણેશ મહોત્સવની રંગેચંગે શ્રદ્ધા અને ઉત્સાહ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આણંદ પાસેના સુવિખ્યાત શિક્ષણ ધામ વલ્લભ વિદ્યાનગરમાં ગણેશ મહોત્સવના સાતમા દિવસે વિઘ્નહર્તાની વિરાટ થી વામન કદ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વલ્લભવિદ્યાનગર પંથકમાં વિવિધ યુવક મંડળો દ્વારા અંદાજે ૪૦થી વધુ સ્થળોએ ગણેશ મહોત્સવનું શ્રધ્ધાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સાત દિવસ સુધી સવાર-સાંજ ગણેશની પૂજા-અર્ચના કરવા સાથે ભજન કીર્તન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.ગણેશ મહોત્સવના આયોજનથી ઠેર ઠેર રોડ,રસ્તાઓ પણ રોશની થી ઝળહળી ઉઠ્યા હતા. સાત-સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ ''ગણપતિ બાપા મોરીયા..., અલગે બરસ તુ જલ્દી આના...''ના નાદ સાથે આજે બપોરના સુમારે શહેરના શહીદ ચોક થી અબીલ ગુલાલની છોડો ઉડાડતા ડી.જે ઢોલ, નગારા નાસિક બેન્ડવાજા સાથે શ્રીજીની ભવ્ય વિસર્જનયાત્રા નીકળી હતી.શ્રીજીની શોભાયાત્રામાં નીકળેલા ભાવિકોએ ગણપતિ બાપા મોરિયા નો નાદ ગુજ્વ્યો હતો .
વિદ્યાનગરના શહીદ ચોક ખાતેથી વિસર્જન યાત્રાનો પ્રારંભ થયો હતો. આ વિસર્જનયાત્રા ત્રિકોણીયા બાગ થઈ બાકરોલ ગેટથી બાકરોલ તળાવ ખાતે પહોંચી હતી. જ્યાં ગણેશજીની નાની મોટી મૂર્તિઓનું ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું હતું. બાકરોલ તળાવ ખાતે આણંદ-વિદ્યાનગર નગરપાલિકા દ્વારા ફ્લડ લાઈટ, ફાયર ફાઈટરના જવાનો, લાઈફ જેકેટ તથા દોરડા તથા અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં ફાયર બ્રિગેડના જવાનોની મદદથી
વિદ્યાનગર, બાકરોલ અને મોગરીના યુવક મંડળો દ્વારા સ્થાપિત કરાયેલ ભગવાન ગણેશને ભક્તિભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી.
જ્યારે કેટલાક યુવક મંડળો દ્વારા જોળ કેનાલ, વડતાલ ખાતેના તળાવ, વલાસણ નહેર તેમજ વાસદ પાસે મહીસાગર નદીમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું અહેવાલ સાપડ્યા છે.
શિક્ષણ ધામમાં શ્રીજીની શોભાયાત્રા દરમ્યાન કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે આણંદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો.અને સાતમા દિવસે વિદ્યાનગર પંથકમાં વિઘ્નહર્તાનું નિર્વિઘ્ને વિસર્જન કરાયું હતું.