AnandToday
AnandToday
Wednesday, 20 Sep 2023 18:30 pm
AnandToday

AnandToday

આમરોલ ગ્રામજનો ગટરના દૂષિત પાણીના મુદ્દે આંદોલનનું શસ્ત્ર ઉગામશે. -

આંકલાવ નગરપાલિકા દ્વારા ગટરનું દૂષિત પાણી છોડાતા આમરોલ વાસીઓનું આરોગ્ય જોખમાય તેવી ભીતિ

આમરોલના લોકો અનેક વખત રજૂઆતો કરી કરીને થાકી ગયા છતાં પાલિકાની ઊંઘ ઊડતી નથી

ગ્રામજનો દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું,ઉકેલ નહીં આવે તો ગાંધીજી ચિંધ્યાં માર્ગે આંદોલનની ચીમકી

આણંદ ટુડે Iઆંકલાવ
આણંદ જિલ્લાના આમરોલ-આંકલાવના મુખ્યમાર્ગ પર આવેલ આંકલાવ નગરપાલિકા હસ્તકનું વાઘરિયા તળાવમાં આંકલાવ નગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી ગટરનું દૂષિત પાણી છોડવામાં આવે છે.જેનો ભોગ આમરોલ ગામના લોકો બની રહ્યા છે.આ બાબતે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે આખરે ગ્રામજનોએ ગટરના દૂષિત પાણીના મુદ્દે આંકલાવ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે.
આમરોલ-આંકલાવના મુખ્યમાર્ગ પર આવેલ આંકલાવ નગરપાલિકા હસ્તકનું વાઘરિયા તળાવમાં આક્લાવ નગસ્પાલિકા દ્વારા ઘણા વર્ષોથી ગટરનું દૂષિત પાણી છોડવામાં આવે છે જેને લઈ આમરોલ - આંકલાવ મુખ્ય માર્ગનું ધોવાણ થઇ ને નીચેનું નાણું બ્લોક થઈ ગયેલ હોવાથી નાળાની ઉપરથી ગટરનુ દૂષિત પાણી રોડ ઉપર થી પસાર થાય છે. આ  દૂષિત પાણીની સપાટી રોડથી 1.5 થી 2 ફૂટ ઉપર આવી ગઈ છે જેના કારણે આમરોલ ગ્રામજનો અને અભ્યાસઅર્થે જતા વિદ્યાર્થીઓ અને નાગરિકો અસહ્ય મુશ્કેલી અનુભવે છે. આ સમસ્યાના મામલે આંકલાવ નગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત છતાં પણ તેમની ઊંઘ ઊડતી નથી વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આમરોલ ગામના લોકોને ન છૂટકે ગાંધી જીત્યો માર્ગ અપનાવો પડશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે. 

અકસ્માત ન થાય તે માટે ટેન્કર મૂકીને રસ્તો બંધ કરાયો

કોઈ મોટો અકસ્માત ન સર્જાય અને જાનહાનિ ના થાય તે માટે આંકલાવ આમરોલ ના મુખ્ય માર્ગ છેલ્લા બાર દિવસ થી રોડની બંને બાજુ ટેન્કર મૂકીને રસ્તો બંધ કરેલ છે, છતાંપણ નગરપાલિકા દ્વારા કોઈપણ જાત ની કાર્યવાહી હાથ ધરાઇ નથી અને ગટરનું દૂષિત પાણી કાઢવાનું ચાલુ જ રાખેલ છે - દેવેન્દ્રભાઈ પઢીયાર ગ્રામ પંચાયત સભ્ય આમરોલ

આંકલાવ પાલિકાના પેટનું પાણી હાલતું નથી

ગટરના દૂષિત પાણીની સમસ્યાને લઈને આમરોલ ગ્રામજનો તથા આમરોલ ગ્રામપંચાયત દ્વારા વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં પણ આંકલાવ નગરપાલિકાનું તંત્ર ધોર નિદ્રામાં પોઢી ગઈ છે અને આજ દિન સુધી આ સમસ્યાનો ઉકેલ લાવેલ નથી -પ્રિયંકાબેન અનિલભાઈ પરમાર- સરપંચ આમરોલ

ભૂખ હડતાલની ચીમકી

ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમો ગ્રામજનો દ્વારા જન આંદોલન કરીશું અને  જરૂર પડશે તો ભૂખ હડતાલ પણ કરવામાં આવશેં-મનુભાઈ પુંજાભાઈ પરમાર (સમાજીક, રાજકીય આગેવાન)