આણંદ ટુડે I નડિયાદ
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ખેડા-નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૨-૦૯-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ડી.એ.ડિગ્રી એન્જીનિયરીંગ એન્ડ ટેક્નોલોજી, ડી.એ.શુક્લ એજ્યુકેશન કેમ્પસ, ખાત્રજ ચોકડી, મહેમદાવાદ, જિ.ખેડા ખાતે જિલ્લા કક્ષાના “મેગા જોબફેર” તથા પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ રોજગાર ભરતીમેળામાં ખેડા જિલ્લાના તેમજ જિલ્લા બહારના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. ઉમેદવારો ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરના જેમાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ-ફિટર, ટર્નર, મશિનીષ્ટ, વાયરમેન, ઇલેક્ટ્રીશીયન, MV, ડીઝલ મિકેનીક, કોપા, AOCP, વેલ્ડર, ડ્રાફ્ટમેન મિકેનીક, રેફ્રીજરેશન ફ્રીજ મિકેનીક (RFM), CNC પ્રોગ્રામિંગ, આર્મેચર મોટર રીવાઇન્ડિંગ, કારપેઈન્ટર, મેશન, ડિપ્લોમા મિકેનિકલ, ઈલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન, ઓટોમોબાઇલ, કેમિકલ, ટેલીકમ્યુનિકેશન, ઇલેક્ટ્રીકલ, કમ્પ્યુટર સાયન્સ, તેમજ અન્ય કોઇ પણ વિદ્યાશાખાના સ્નાતક જેવી લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે.
ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF765976609 છે. રોજગાર ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે.
આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે એમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા વાસદ, જિલ્લા રોજગાર કચેરી, આણંદ અને કવેસ્ટ એલાઇન્સ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક તાલીમ સંસ્થા વાસદ ખાતે આગામી તારીખ ૨૨ મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦-૦૦ કલાકે રોજગાર ભરતી મેળો યોજવામાં આવનાર છે.
આ રોજગાર ભરતી મેળામાં ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. આણંદ અને અન્ય જિલ્લાના ખાનગી એકમના નોકરી દાતાઓ હાજર રહીને ઉમેદવારોની પસંદગી કરશે. આ ભરતી મેળામાં ધોરણ ૧૦, ધોરણ ૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, ડિગ્રી તથા અન્ય સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમ કરેલા હોય તેવા ઉમેદવારો ભાગ લઈ શકશે.
વધુમાં જણાવ્યા મુજબ અનુબંધન પોર્ટલના માધ્યમથી પણ રોજગારીની તકો ઉમેદવારો મેળવી શકશે માટે રોજગાર કચેરીની વેબસાઈટ www.anubandham.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવું પણ હિતાવહ છે. આ રોજગાર ભરતી મેળાનો આણંદ જિલ્લાના ઉમેદવારો એ લાભ લેવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા,વાસદના આચાર્યની એક યાદીમાં જણાવાયું છે.
*******