આણંદ ટુડે I આણંદ,
પેટલાદ તાલુકા સેવા સદનના કેમ્પસમાં અંદાજીત રૂપિયા ૧૦ લાખના લોકફાળાથી નિર્માણ પામેલ અત્યાધુનિક સબરજીસ્ટ્રાર કચેરી તથા ઈ-ધરા કેન્દ્રનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં સંતશ્રી સ્વામી સચ્ચિદાનંદજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ નવીન સબરજીસ્ટ્રાર કચેરી અને ઈ-ધરા કેન્દ્રનો લાભ તાલુકાના રોજના સરેરાશ ૧૦૦ થી વધુ નાગરિકોને મળી રહેશે. જેમાં ઈ-ધરા શાખાના ઓપરેટર-૧, ક્લાર્ક, નાયબ મામલતદાર અને સબરજીસ્ટ્રાર પેટલાદ, ક્લાર્ક અને ઓપરેટર સહિત કુલ ૧૨ અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે. આ ઈ-ધરા કેન્દ્ર અને સબરજીસ્ટ્રાર કચેરી ખાતે નાગરીકોને ઝડપી સેવા આપવાના હેતુથી ૧૦ કોમ્પ્યુટર-વિન્ડોની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે. આ કચેરી કક્ષમાં નાગરીકોના બેસવા માટે ૨૫ બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ લોકાર્પણ પ્રસંગે પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઇ પટેલ, સોજિત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઇ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ.દેસાઈ, પેટલાદના પ્રાંત અધિકારીશ્રી પ્રજ્ઞેશ જાની, પેટલાદ ન.પા. પ્રમુખશ્રી જીજ્ઞેશ જોષી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત અગ્રણી સર્વશ્રી રાજેશ પટેલ, પ્રદિપભાઇ અને અધિકારી-કર્મચારીગણ ઉપસ્થિત રહ્યાં હતાં.
**********