આણંદ, મંગળવાર-
ભારે વરસાદના કારણે આણંદ જિલ્લામાં અને ખાસ કરીને બોરસદ અને આંકલાવ તાલુકાના જે ગામો ખાતે ઉપરવાસમાંથી છોડવામાં આવેલ પાણીના કારણે પ્રાથમિક શાળાઓ ખાતે ઉભા કરવામાં આવેલા શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા તે તમામ ગ્રામજનો હવે પાણી ઓસરી ગયા હોવાથી શેલ્ટર હોમ ખાતેથી પાછા પોતાના ઘરે પરત ગયા છે.
જિલ્લા કલેકટર શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ બોરસદના પ્રાંત અધિકારીશ્રી જયકુમાર બારોટના જણાવ્યા પ્રમાણે બોરસદ અને આંકલાવ તાલુકાના પ્રભાવિત ગામો ખાતે પ્રાથમિક નુકસાનીનો અંદાજ મેળવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તથા ઉમેટા અને ગંભીરા બંને બ્રિજ ખાતે વાહન વ્યવહાર પુન શરૂ કરવામાં આવ્યો છે. બોરસદ અને આંકલાવ તાલુકાના પ્રભાવિત થયેલ ગામો ખાતે કોઈ મોટી જાનહાની થઈ નથી. આ ઉપરાંત મહેસૂલી વિભાગની ટીમ, પંચાયત વિભાગની ટીમ અને પોલીસ વિભાગની ટીમ સાથે રહીને ગ્રામજનોને કોઇ પણ જાતની તકલીફ ન પડે તે માટે કામગીરી કરી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
******