આણંદ, શનિવાર
જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા જિલ્લાના રોજગારી મેળવવા માંગતા ઉમેદવારોના લાભાર્થે આજે ડી. ઝેડ.પટેલ હાઇસ્કુલ કેમ્પસમાં આવેલ જે.એમ.ટી.સી. ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો.
જિલ્લા રોજગાર અધિકારી શ્રી સી.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે નોકરી મેળવવા ઈચ્છતા તમામ ઉમેદવારો અનુબંધન પોર્ટલનો ઉપયોગ કરશે તો તેના માધ્યમથી કઈ કંપની ખાતે કઈ જગ્યાઓની જરૂરિયાત છે તે જાણી શકશે. આ ઉપરાંત સમયાંતરે રોજગાર કચેરીની મુલાકાત લેવા તથા ઓનલાઇન વેબસાઈટ પર થી પણ જાણકારી મેળવવા તેમણે અનુરોધ કર્યો હતો.
રોજગાર કચેરી આણંદ દ્વારા આ રોજગાર ભરતી મેળામાં હાજર રહેવા માટે ઈ-મેઈલ દ્વારા, એસ.એમ.એસ દ્વારા અને કોલ લેટર દ્વારા ૨૨૧૧ ઉમેદવારોને જાણ કરવામાં આવી હતી. તે પૈકી ૧૯૮ ઉમેદવારો હાજર રહ્યા હતા. હાજર રહેલ ઉમેદવારો માંથી ૧૨૦ ઉમેદવારોની સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
આ રોજગાર ભરતી મેળામાં ૧૨ જેટલા નોકરી દાતાઓ હાજર રહ્યા હતા અને તેઓએ તેમની કંપની ખાતે કયા પ્રકારની લાયકાત ધરાવતા ઉમેદવારોની જરૂર છે અને કયા પ્રકારનું કામ કરવાનું રહેશે તથા કેટલો પગાર ધોરણ આપવામાં આવશે તેની પ્રારંભમાં ઉપસ્થિત સૌ ઉમેદવારોને માહિતી આપવામાં આવી હતી.
જે.એમ.ટી.સી.ના કેમ્પસ ડાયરેક્ટરશ્રી નસીબ સિંહ ચહલે જે.એમ.ટી.સી. ખાતે આઈ.ટી.આઈ. કોર્સિસ, જી.પી.એસ.સી. અને ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપવા માટે ચલાવવામાં આવતા વર્ગની જાણકારી આપી હતી.
આ રોજગાર ભરતી મેળામાં બ્રેન્ટલી મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, આણંદ ખાતે ૧૦, એક્રોન યુનિવર્સલ કન્સલ્ટન્સી, આણંદ ખાતે ૧૭, એગ્રીટેક ઇન્ડિયા ઓર્ગેનિક, આણંદ ખાતે ૧૦ જય માડી જોબ પ્લેસમેન્ટ, અમદાવાદ ખાતે ૧૭, લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, આણંદ ખાતે ૧૧, મેઘા એન્જિનિયરિંગ વર્કસ, આણંદ ખાતે ૦૩, આર વી એકાન લિમિટેડ, વડોદરા ખાતે૦૬, ટટૅલીન ઇન્સ્યોરન્સ બેકિંગ સેમી પ્રાઇવેટ લિમિટેડ,વડોદરા ખાતે ૧૫, વિનાયકા પર્સનલ સર્વિસ, આણંદ ખાતે ૧૧, કેસવ એક્વા પ્રાઇવેટ લિમિટેડ ખાતે ૧૦ અને મેરીગોલ્ડ પેઈન્ટ પ્રાઇવેટ લિમિટેડ, આણંદ ખાતે ૧૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી મળીને કુલ - ૧૨૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું રોજગાર અધિકારી શ્રી સી.બી. ચૌધરીએ ઉમેર્યું હતું.
*****