આણંદ ટુડે
આંકલાવ તાલુકા પંચાયતમાં બાકી રહેતી અઢી વર્ષની મુદ્દત માટે આજે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. આંકલાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ૧૩ અને ભાજપ ૭ બેઠકો ધરાવે છે.તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવાથી વિજય નિશ્ચિત મનાતો હતો.કોંગ્રેસમાંથી પ્રમુખપદે કહાનવાડી ગામના ઉષાબેન મનુભાઇ પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે આસોદરનાના સંજયભાઈ બાબુભાઈ પઢિયારે ઉમેદવારી પત્રો ભર્યા હતા. તેઓની સામે ભાજપના પ્રમુખપદના ઉમેદવાર તરીકે પુનમભાઈ મંગળભાઈ પરમાર અને ઉપપ્રમુખપદના ઉમેદવાર તરીકે રંજનબેન રમેશભાઈ ઠાકોરે ઉમેદવારીપત્ર ભર્યું હતું.
આજે યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને ૧૩-૧૩ મત અને ભાજપના ઉમેદવારોને ૭-૭ મતો મળ્યા હતા. ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના બંને ઉમેદવારોને વિજેતા જાહેર કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ બંનેને ફૂલહાર કરી અભિનંદન પાઠવીને ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.
ઉમરેઠ તાલુકા પંચાયતમાં પ્રમુખ- ઉપપ્રમુખની બાકી રહેલી અઢી વર્ષની મુદ્દત માટે આજે બપોરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના પ્રતાપભાઈ ધનાભાઈ સોલંકીને ૧૩મત અને કોંગ્રેસના રાજેન્દ્રસિંહ સોલંકીને ૮ મતો મળ્યા હતા. જ્યારે ઉપપ્રમુખપદ માટે ભાજપના સુર્યાબેન ઝાલાને ૧૩ મત અને કોંગ્રેસના અશ્વીનભાઈ ભોઈને ૮ મતો મળતા ભાજપના બન્ને ઉમેદવારોને વિજેતા જાહેર કર્યા હતા. કોંગ્રેસના ૯ પૈકી એક સભ્ય બહારગામ હોય સભામાં હાજર રહ્યા ન હતા. ભાજપના ઉમેદવારોની જીત થતા ઉપસ્થિત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો હતો.