આણંદ, શનિવાર
આણંદ જિલ્લાના બોરસદ તાલુકા મથક ખાતે રૂ. ૮.૯૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક સુવિધાસભર ન્યાયમંદિરને ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુનીતા અગરવાલ અને વડી અદાલતના ન્યાયમૂર્તિશ્રીઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુનિતા અગરવાલે જણાવ્યું હતું કે, ઐતિહાસિક બોરસદ તાલુકા મથક ખાતે આજે નવીન કોર્ટ ભવનને ખુલ્લું મુકતા હું ગર્વની લાગણી અનુભવું છું. બોરસદ તાલુકાને નવીન કોર્ટ ભવન મળતા ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની સાથે લોકોને અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે. તેમણે લોકોને ઝડપી અને સરળ ન્યાય અપાવવામાં વકીલો અને ન્યાયાધિશશ્રીઓની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે વકીલો પાસે આવતા વ્યક્તિઓ આશા અને વિશ્વાસથી આવતા હોય છે તેથી તેમને વ્યવસ્થિત સાંભળીને વકીલો તેમની ફરજ નિભાવે તેમ ઉમેરી ન્યાયમૂર્તિઓએ કાનૂનના દાયરામાં આવતા જજમેન્ટ સમય મર્યાદામાં આપવા અને વકીલો અને જજશ્રીઓ એક પરિવારની જેમ રહે તે ઇચ્છનીય છે તેમ જણાવ્યું હતું.
લોક અદાલતના માધ્યમથી સુખદ સમાધાન થતા જ્યારે હસતે મોઢે ફેમિલી પરત ફરતું હોય ત્યારે વિશેષ આનંદ થાય છે તેમ જણાવી આણંદ જિલ્લાના સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે બોરસદ કોર્ટમાં વકીલાત કરી હતી તે જગ્યાએ નવીન કોર્ટના લોકાર્પણમાં હાજર રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું તે બદલ પણ હું ઋણી છું તેમ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુનિતા અગરવાલે કહ્યું હતું.
ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિશ્રી ઉમેશ ત્રિવેદી અને વડી અદાલતના ન્યાયમૂર્તિ શ્રી અને આણંદ જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જજ શ્રી જે.સી.દોશીએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુનિતા અગરવાલ, ન્યાયમૂર્તિ સવૅ શ્રી ઉમેશ ત્રિવેદી, શ્રી જે.સી.દોશી અને શ્રીમતી એમ. કે.ઠક્કર, વડી અદાલતના રજીસ્ટ્રાર જનરલ શ્રી મૂલચંદ ત્યાગી, કાયદા વિભાગના સચિવશ્રી પી.એમ.રાવલે ન્યાયમંદિરની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે તેમની સાથે આણંદ જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજશ્રી વી. બી. ગોહિલ, બોરસદ કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ જજશ્રી એમ.ડી.નંદાણી તથા જિલ્લાની તમામ કોર્ટના જજ શ્રીઓ, સરકારી વકીલશ્રીઓ તેમજ બાર એસોસિએશનના હોદ્દેદારો પણ જોડાયા હતા.
આ કોર્ટ બિલ્ડિંગમાં ન્યાયાધીશ, મહિલા વકીલો, પુરુષ વકીલોને બેસવા માટે સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત હાઇટેક ફેસેલીટી ધરાવતા આ બિલ્ડીંગમાં વીડીયો કોન્ફરન્સીંગની પણ સુવિધા ઉપલબ્ધ બનવવામાં આવી છે જેના કારણે આ ન્યાય મંદીરમાં ન્યાય મેળવવા માટે આવતા લોકોને અત્યાધુનિક સુવિધા પ્રાપ્ત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ત્રણ માળના આ આધુનિક કોર્ટ સંકુલમાં છ કોર્ટ રૂમ, જજશ્રીઓ માટે ચેમ્બર, મહિલા અને પુરુષ વકીલ બાર માટે અલાયદા રૂમ, પક્ષકારો માટે વેઇટિંગ રૂમ, રેકર્ડ રૂમ, મુદ્દા માલ રૂમ, કોન્ફરન્સ રૂમ, ફાઇલીંગ સેન્ટર, સ્ટ્રોંગ સેન્ટર રૂમ, રજીસ્ટાર રૂમ, પીવાના પાણી માટે આર.ઓ. સિસ્ટમ, સરકારી વકીલની રૂમ, વાહનોના પાર્કિંગ માટેની વ્યવસ્થા, જજીસ માટે ક્વાર્ટર્સની વ્યવસ્થા, મહિલા અને પુરુષ કેદીઓ માટે અલગ રૂમની વ્યવસ્થા, કેન્ટીન ફેસીલીટી, વિડિયો કોન્ફરન્સની સુવિધા, સ્ટેશનરી રૂમ, ઝેરોક્ષ રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, ઇન્કવાયરી રૂમ, બાર લાઇબ્રેરી રૂમ, નાઝીર રૂમ, કોમ્પ્યુટર રૂમ, સાઇબર રૂમ, બેન્ચ ક્લાર્ક રૂમની ફેસિલિટી સાથેનું ત્રણ માળનું અત્યાધુનિક મકાન તૈયાર કરવામાં આવ્યું છે.
પ્રારંભમાં બોરસદ કોર્ટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી એમ.ડી નંદાણીએ સૌનો આવકાર કર્યો હતો અને અંતમાં બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન શ્રી સી. કે. પટેલે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે આણંદ જિલ્લાની તમામ કોર્ટના જજશ્રીઓ, સરકારી વકીલો, વકીલો, બાર એસોસિએશનના હોદ્દેદારો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ ન્યાયપાલિકાના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
*****