AnandToday
AnandToday
Thursday, 31 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

કપડવંજ તાલુકાની નવા બોભા પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની અનોખી ઉજવણી 

બાળકો અને શિક્ષકો દ્વારા વૃક્ષોને રક્ષા બાંધી વૃક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી

પ્રકૃતિના  જતન માટે છેલ્લા બે વર્ષથી શાળામાં આ નવતર પહેલ શરૂ  કરવામાં આવી છે

આણંદ ટુડે
ભાઈ બહેનના પવિત્ર સ્નેહનું પર્વ એટલે રક્ષાબંધન. સમગ્ર દેશમાં રક્ષાબંધનના આ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવા આવી હતી. પરંતુ કપડવંજ તાલુકાની નવા બોભા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વે બાળકો અને શિક્ષકો દ્વારા વૃક્ષો અને છોડને પ્રકૃતિના જતન માટે રાખડી બાંધી તેમનું રક્ષણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
      પ્રકૃતિને બચાવશું તો આપણે બચશું, પ્રકૃતિએ જીવન છે જે અંતર્ગત બાળકોમાં પ્રકૃતિ જતન અને સંવર્ધનની પ્રેરણા મળે તે માટે બાળકો અત્યારથી જ વૃક્ષોનું જતન કરે અને પ્રકૃતિ જ જીવન છે અને તેનું સાચું મૂલ્ય સમજે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
      પ્રકૃતિમાં વૃક્ષો, છોડ, પાણી, પશુ, પક્ષીનું જતન કરીએ તો એ આપણું જતન કરશે. હાલના તબક્કે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે અને પ્રકૃતિ સાથે ચેડા થતાં ઋતુઓમાં ફેરફારથી પૃથ્વી પર અસંતુલન પેદા થતા વ્યાપક નુકસાન ઉપરાંત માનવજાત પર ઘણી આપદાઓ આવે છે.
             પ્રકૃતિ પર વાર્તાલાપ કરી શિક્ષકો દ્વારા પણ વૃક્ષોના ફાયદા, પ્રકૃતિમાં આવતા વૃક્ષો, પાણી, પશુ, પક્ષીઓ આપણા જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગી છે તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
    પ્રકૃતિ આપણા બહુમૂલ્ય જીવન જીવવા માટે દરરોજ હવા પાણી અને ખોરાક આપે છે એ વાત આપણે ભૂલી ગયા છીએ ત્યારે બાળકોમાં આ વાતની પ્રેરણા મળે તે અર્થે પ્રકૃતિનું જતન થાય અને આપણું જીવન તેના પર નિર્ભર છે એ વાતનો ખ્યાલ રહે તેવો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.
     પ્રકૃતિ આપણને જીવન જીવવા માટે તમામ સંસાધનો પૂરા પાડે છે,બાળકો અને શિક્ષકોમાં વૃક્ષની રક્ષા કરવાના સંકલ્પ સાથે રાખડી બાંધવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.પ્રકૃતિના જતન માટે છેલ્લા બે વર્ષથી શાળામાં એક આગવી પહેલ શરૂ કરવામાં આવી છે.