આણંદ ટુડે I આણંદ,
સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા મહિલા પોલીસ સ્ટેશનની '' સી '' ટીમ તૈયાર કરવામાં આવી છે અને આ મહિલા પોલીસ ની ટીમ ખાસ કરીને મહિલાઓએ પોતાની સલામતી અને સુરક્ષા કેવી રીતે કરવી તે અંગેનું માર્ગદર્શન આપી રહ્યા છે. આણંદ મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીમતી એન. આર. ભરવાડ અને તેમની ટીમ દ્વારા સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ, ચાવડાપુરા ખાતે અભ્યાસ કરતી દીકરીઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે જાણકારી આપી હતી. આ ઉપરાંત કોઈ વ્યક્તિ દ્વારા દીકરીઓને કિડનેપ કરવામાં આવે તો તેવા સમયે શું ધ્યાન રાખવું અને તાત્કાલિક કેવી રીતે કિડનેપિંગ માંથી છૂટી શકાય અથવા તો પોલીસને ૧૦૦ નંબર પર ડાયલ કરીને જાણકારી આપવી અથવા તો જ્યાં વધુ લોકો ઉપસ્થિત હોય તેમની વચ્ચે પહોંચી જવું અને પોતાની સલામતી અને સુરક્ષા કેવી રીતે કરવી તે અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
શ્રીમતી એન. આર. ભરવાડે જણાવ્યું હતું કે કોઈપણ પરિસ્થિતિમાં જિંદગી જીવી શકાય છે. માટે ક્યારેય સુસાઇડ કરવાનો વિચાર ન કરવો જોઈએ અને કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે તાત્કાલિક ૧૦૦ નંબર ઉપર ડાયલ કરીને માર્ગદર્શન મેળવી શકાય છે. આ ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ સમગ્ર આણંદ જિલ્લામાં અંદાજિત ૩૫ જેટલા મહિલા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ જ મુજબની કામગીરી કરી રહ્યા છે કે જેથી દીકરીઓને ગુડ ટચ અને બેડ ટચ નો ખ્યાલ અપાવી શકે અને પોતાની સલામતી અને સુરક્ષા કેવી રીતે દીકરીઓ જાતે કરી શકે અને તાત્કાલિક ૧૦૦ નંબર ઉપર ડાયલ કરીને પોલીસને જાણકારી આપી શકે, તો દીકરીઓ કોઈપણ ખરાબ પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળી શકે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. શ્રીમતી ભરવાડે દીકરીઓના મનમાં ઉપસ્થિત થયેલ પ્રશ્નોત્તરી અંગે પણ વિસ્તૃત સમજ આપી હતી.
ચાવડાપુરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન અને કોન્સ્ટેબલ મંદાકિની બેને પણ દીકરીઓને ગભરાયા વિના પોલીસ નો સંપર્ક કરી શકાય તેમ જણાવી જ્યારે દરેકની પાસે મોબાઇલ ઉપલબ્ધ હોય છે ત્યારે જો દીકરીઓ ગુડ ટચ અને બેડ ટચ અંગે વાકેફ થઈ જાય તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને જો કોઈ વ્યક્તિ દીકરીઓને હેરાન કરતા હોય તો તેમને પણ પોલીસને જાણકારી આપીને બચી શકાય છે.
મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીમતી એન.આર. ભરવાડે આણંદ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ ખાતે અભ્યાસ કરતી દીકરીઓ માટે અપીલ કરી છે કે જો કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં દીકરીઓને સલામતી અને સુરક્ષાના સેમિનાર સાથે ગુડ ટચ અને બેડ ટચ અંગેની જાણકારી માટે માર્ગદર્શન મેળવવું હોય તો આવી સંસ્થાઓ મહિલા પોલીસ સ્ટેશન, આણંદ ખાતે સંપર્ક કરીને પોતાની સંસ્થા ખાતે આવા સેમિનાર પણ રાખી શકે છે. જેમાં મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ ઉપસ્થિત રહીને વિગતવાર વિસ્તૃત સમજ આપીને દીકરીઓને માહિતગાર કરવામાં આવશે તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ફાધર વિજય અને સિસ્ટરો દ્વારા મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમનો આ તબક્કે હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.
ચાવડાપુરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અગ્રણી શ્રી દાઉદભાઈ મેકવાન, સુનીતાબેન સહિત વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
******