AnandToday
AnandToday
Monday, 21 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

ખંભાતના અતિપ્રાચીન વૈષ્ણવ સંપ્રદાયનાં

શ્રી નવનીતપ્રિયાજીનું મંદિર (મોટું મંદિર) ખાતે કુનવારા તથા છપ્પનભોગ સહિતના વિવિધ મનોરથો આનંદ-ઉલ્લાસથી સંપન્ન

ખંભાતના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે ૨૦ વૈષ્ણવોની માલા પહેરામણી થઇ

આણંદ ટુડે I ખંભાત

ખંભાતના પ્રાચીન વૈષ્ણવ સંપ્રદાયનાં શ્રી નવનીતપ્રિયાજીનું મંદિર (મોટું મંદિર) ખાતે વિવિધ મનોરથોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુનવારા તથા છપ્પનભોગ સહિતનાં વિવિધ મનોરથોનાં દર્શનાર્થે ખંભાત સહિત વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો ઊમટ્યા હતા અને વિવિધ મનોરથોનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. 

શહેરના ૨૦૦ વર્ષ જૂના વૈષ્ણવ સંપ્રદાયનાં શ્રી નવનીતપ્રિયાજીનું મંદિર (મોટું મંદિર) ખાતે ગાદીપતિ પ.પૂ.ગો. ૧૦૮ શ્રી હરિરાયજી મહારાજશ્રી (ખંભાત-પોરબંદર)ની આજ્ઞાથી તથા પ.પૂ.ગો. ૧૦૮ શ્રી  જયવલ્લભલાલજી મહોદયની ઉપસ્થિતિમાં ૧૮/૦૮/૨૩ ને શુક્રવારનાં રોજ કુનવારો, ૧૯/૦૮/૨૩ ને શનિવારનાં મચકી ઝૂલા ,૨૦/૦૮/૨૩ ને  રવિવારનાં રોજ છપ્પનભોગ અને ૨૧/૦૮/૨૩ ને સોમવાર લતાપતાનો હીંડોળો તથા માલા પહેરામણી જેવા વિવિધ મનોરથોનો સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનો તથા ભાવિક ભક્તો ઊમટ્યા હતા. 

જે વૈષ્ણવો ગોલોકધામ સિધાવ્યા છે તેવા ૨૦ વૈષ્ણવોની માલા પહેરામણી પણ મહારાજશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. એક સાથે૨૦ વૈષ્ણવોની માલા પહેરામણી ખંભાતના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર થઇ હોવાનું જાણવા મળેલ છે.  આ તમામ મનોરથો નવનીતપ્રિયાજી હવેલી ખાતે ખૂબ જ આનંદ-ઉલ્લાસથી સંપન્ન થયા હતા તથા મહરાજશ્રીએ પણ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી સૌ વૈષ્ણવોને આશીર્વાદ તેમજ આશીર્વચન આપ્યા હતા.