AnandToday
AnandToday
Saturday, 12 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ સ્થિત અમુલ ડેરીનું ટર્નઓવર રૂ.૧૩,૧૦૦ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય

અમુલ દ્વારા આગામી દિવસોમાં 5,000 જેટલા નવા બાયોગેસ સ્થાપવાનું આયોજન

અમૂલ ડેરીની ૭૭મી અને આરડાની ૫૮મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

આણંદ
આણંદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ અમૂલ ડેરી અને આરડાની વાર્ષિક સાધારણ સભા ૧૨મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સરદાર પટેલ સભાગૃહ, અમૂલ ડેરી,આણંદ ખાતે યોજવામાં આવી હતી. અમૂલ ડેરીના ચેરમેનશ્રી વિપુલભાઈ પટેલ જણાવ્યુ હતું કે ૭૭ વર્ષ પહેલા સરદાર સાહેબશ્રી,  ત્રિભુવનકાકા અને ડો.કુરિયન સાહેબ જેવા આપણા વડવાઓએ વાવેલું એક અમૂલ રૂપી બીજ આજે એક મોટું વટવૃક્ષ બની ગયેલ છે, જે આપણા વડવાઓના તેમજ આપ સૌના સાથ અને સહકારથી જ શક્ય બનેલ છે. આપનો અમૂલ ઉપરનો અતુટ વિશ્વાસ જ આપણા ડેરીના આ વ્યવસાયમાં હરણફાળ ભરવા માટે મદદરૂપ થાય છે. જે બદલ આપ સૌને હું અભિનંદન પાઠવું છું.
તેઓએ નિયામક મંડળના સાથી મિત્રો, દૂધ મંડળીઓ માંથી પધારેલ પ્રતિનિધિઓ તથા સંઘના અધિકારી અને કર્મચારી ભાઈઓ અને બહેનોનું, સંઘની વાર્ષિક સાધારણ સભામાં સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું. અમૂલ અને આરડાની આ વાર્ષિક સાધારણ સભામાં તમામ દૂધ મંડળીઓના દૂધ ઉત્પાદકો હાજર રહી બધાજ એજન્ડાનો સર્વાનુમત્તે નિકાલ કર્યો હતો.
શ્રી વિપુલભાઈ પટેલ  વાર્ષિક સાધારણ સભાના સંબોધનમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨-૨૦૨૩ આંતર રાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખુબજ કપરું રહેલ તેમ છતાં સંઘનો ઉથલો રૂપિયા ૧૧,૮૦૩ કરોડને પાર કરી ગયો છે, જે સંઘના ઈતિહાસમાં સર્વાધિક છે, જે ગત વર્ષના રૂપિયા ૧૦,૩૩૩ કરોડની તુલનામાં ધંધાની કુલ ૧૪.૨૩% વૃદ્ધિ દર્શાવે છે. વર્ષ દરમ્યાન ભારતભરમાં દૂધનું ઉત્પાદન ઘટેલું છે, દરેક રાજ્યો અને બીજા દૂધ સંઘમાં પણ તેની સીધી અસર જોવા મળેલી છે. તેમ છતાં પણ આપણા સંઘ ધ્વારા સરેરાશ ૫૦ લાખ કી.ગ્રા.પ્રતિદિન લેખે કુલ અંદાજીત ૧૫૦ કરોડ કી.ગ્રા. દૂધનું સંપાદન કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે સભાસદ મંડળીને રૂ. ૯૦૦ પ્રતિ કિલો ફેટ અંતિમ ભાવ આપવામાં આવેલ છે, જે અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા અંતિમ ભાવ અનુસાર રકમ સભાસદોને ચુકવવામાં આવેલ છે.

દૂધ ઉત્પાદન વધારવા તથા પશુઓમાં સ્વાસ્થ્ય સુધારવા નવી ટેકનોલોજી અપનાવી વેટેનરી સેવાઓમાં વધારો કરેલ છે. સંઘ ધ્વારા સેક્સ સોર્ટડ સીમેન થકી બમણા દૂધનો લક્ષ્યાંક રાખેલ છે અને જેના પ્રતિ ડોઝની કિંમત રૂા. ૭૫૦/- છે, જે સભાસદોને ફકત રૂા.૫૦/- જેવી નજીવી કિંમતે આપવામાં આવે છે. સંઘમાં હાલમાં જ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો ઉપયોગ પણ ચાલુ કરેલ છે. સરકારશ્રીની ગોબરધન બાયોગેસ યોજના હેઠળ ગામડાઓમાં ૬૦૦ જેટલા બાયોગેસ પણ સ્થાપવામાં આવેલ છે અને આવનારા સમયમાં બીજા ૫૦૦૦ જેટલા નવા બાયોગેસ સ્થાપવાનું પણ આયોજન હાથ ધરવામાં આવનાર છે,

ગ્રાહકોની વધતી જતી માંગને પહોચી વળવા સંઘ ધ્વારા આટા નુડલ્સ, પ્રોટીન વોટર, એનર્જી ડ્રીન્કસ, વિવિધ પ્રકારની ચિપ્સ, ટોમેટો કેચઅપ અને માયોનીસ પણ બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવેલ છે. હાલમાં ત્રીપક્ષીય કરાર મુજબ આનંદ કપાસ તેલનું પણ વેચાણ કરવામાં આવે છે. સાથે સાથે ઓર્ગેનિક પ્રોડક્ટ પણ બજારમાં વેચાણ અર્થે મુકેલ છે જેનો આપણને સારો પ્રતિસાદ મળેલ છે. આપની પાસે પણ જો ઓર્ગેનિક ખેત પેદાશ જેવી કે રાજમા, મગ, તુવેર દાળ, ચણા અને ચોખા હોય તો અમૂલ આપની પાસેથી ખરીદશે. વિવિધ પ્રકારના ઓર્ગેનિક ખાતર ખેડૂતો માટે બજારમાં વેચાણ અર્થે મુકેલ છે જેનાથી પેસ્ટીસાઈડ મુક્ત ઉત્પાદન થાય છે અને પાકનો ઉતારો પણ વધુ આવે છે.ઓર્ગેનિક ખાતરના છંટકાવ માટે ડ્રોનની સેવાનો ઉપયોગ પણ ચાલુ કરેલ છે, જેની માટે અમૂલ આઈ કિશાન એપ્લીકેશન પણ ચાલુ કરવામાં આવેલ છે.

સંઘના હાલના વિવિધ પ્લાન્ટમાં વિસ્તૃતીકરણનું કાર્ય ચાલુ કરવામાં આવેલ છે, જે મુજબ વિવિધ પ્લાન્ટ્સની ઉત્પાદન ક્ષમતા વધારવામાં આવશે, આ ઉપરાંત નવા પ્લાન્ટ્સ પણ સંઘના ગુજરાત તેમજ ગુજરાત બહારના કાર્યક્ષેત્રમાં સ્થાપવામાં આવશે. સંઘે ખાત્રજ, મોગર, કાપડીવાવ, વિરાર અને પંજાબ ખાતે પ્લાન્ટના વિસ્તૃતીકરણ થાય તે માટે જમીન ખરીદવાનું પણ નક્કી કરવામાં આવેલ છે.

અમુલ દ્વારા વિવિધ આયોજનો હાથ ધરાશે

આ ઉપરાંત ચેરમેન નીચે મુજબના વિવિધ આયોજન વિષે વિસ્તૃત માહિતી આપી હતી જેવી કે

આવનારા સમયમાં સોસાયટી કમીશન બમણું કરવામાં આવશે.

દૂધ મંડળીઓમાં સોલાર એનર્જી થકી વિદ્યુત ઉર્જા મળી રહે તે માટે આવનાર સમયમાં સોલાર માટેની સહાયી
યોજના પણ ટૂંક સમયમાં અમલમાં મુકવા જઈ રહ્યા છે.

દૂધના ભાવ ફેટ અને એસ.એન.એફ.ના પ્રમાણે ગણતરી કરીને આપવાનું આયોજન પણ કરવામાં આવશે. 

દૂધ મંડળીઓમાં ઇન્કમટેક્ષ રીટર્ન અને જી.એસ.ટી. ભરવા જેવી બાબતો માટે સંઘ ધ્વારા નક્કી કરેલ વિવિધ સ્થળોના સી.એ.ફર્મ પાસેથી એક ચોક્કસ મહેનતાણું નક્કી કરવા માટેનું પણ આયોજન છે.

દૂધ મંડળીઓ માટે દાણના ગોડાઉન બનાવવા માટે ની સહાય તેમજ બી.એમ.સી. સહાય પણ આપવા માટેનું આયોજન કરવામાં આવશે.

વિવિધ પ્લાન્ટમાં નવા ઉત્પાદનો શરૂ કરવાનું આયોજન 

કંજરી ખાતે ચોકલેટ, આઈસ્ક્રીમ, અને બટર માટે વપરાતા પ્લાસ્ટીકના ટબનું ઉત્પાદન

ખાત્રજ ખાતે યુ.એચ.ટી. પ્લાન્ટ મોગર પ્લાન્ટ ખાતે – મધ પ્લાન્ટ અને ચોકલેટનું વધુ ઉત્પાદન કરવામાં આવશે. પુના ખાતે આઈસ્ક્રીમ, પનીર, શ્રીખંડ અને મીઠાઈ માટેનો પ્લાન્ટ
પંજાબ ખાતે હાલમાં જ મીઠાઈનું ઉત્પાદન ચાલુ કરેલ છે અને પંજાબ ખાતે યુ.એચ.ટી. દૂધ,પનીર અને આઈસ્ક્રીમ પ્લાન્ટ આંધ્ર પ્રદેશના ચિત્તૂર ખાતે ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટ જેમાં દૂધ, દહીં,છાશ, પનીર અને મીઠાઈ માટેનો પ્લાન્ટ તમિલનાડુ રાજ્યમાં પણ દૈનિક ૧૫,૦૦૦ લીટર જેટલું દૂધનું સંપાદન હાલમાં ચાલુ કરેલ છે અને આવનારા દિવસોમાં ઝારખંડ અને ઓરિસ્સામાં પણ દૂધનું સંપાદન કરવામાં આવશે.

જેમ આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં પોતાની ફ્રેન્ચાઇઝીસ મારફતે વિવિધ ફૂડ પ્રોડક્ટ નું વેચાણ કરે છે તેવી જ રીતે ફ્રેન્ચાઇઝીસ મોડલ થકી અલગ અલગ જગ્યાએ ભારતમાં તેમજ વિશ્વમાં અમૂલ ફુડલેન્ડ અને અમૂલ ગ્રીન ચાલુ કરવામાં આવશે. એટલું જ નહી આપણે અમેરિકા સિવાય કેનેડા અને દક્ષીણ આફ્રિકામાં પણ અમૂલના કાર્યોનું વિસ્તૃતીકરણ કરવા જઈ રહ્યા છે.
આવનારા વર્ષમાં માત્ર દૂધ અને દૂધની બનાવતો જ નહીં પરંતુ બેકરી ઉત્પાદનો, પ્રોટીનના વિવિધ ઉત્પાદનો, પ્રોટીન ડ્રીન્કસ, રેડી ટુ કુક ફૂડસ, ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટ્સના પણ ઉત્પાદન કરવા જઈ રહ્યા છે, જેથી દૂધ સિવાયના અન્ય ધંધા થકી પણ સંઘની આવકમાં વધારો થાય અને પશુપાલકોને દૂધના વધુ ભાવ આપી શકીએ.

નવી નવી ટેકનોલોજી, મશીનરીઓ અને ડીઝીટલાઈઝેશનના ત્રિવેણી સંઘમથી આપણો સંઘ “અમૂલટેક" બનવા તરફ જઈ રહ્યો છે. સંઘનું આવતા વર્ષના ટર્ન ઓવરનું લક્ષ્ય રૂ.૧૩,૧૦૦ કરોડ રાખવામાં આવેલ છે, શક્ય હોય તેટલા વધુ દૂધના ભાવ પણ સભાસદોને આપવાનું નક્કી કરેલ છે.

અંતે ચેરમેન જણાવ્યુ કે સંઘની પ્રગતિ પાછળ આપ સૌનો સાથ અને સહકાર રહેલો છે, ખાસ કરીને એમ.ડી.શ્રી અને મારા કર્મચારી મિત્રોને પણ કહીશ કે આપનો કરકસર પૂર્વક વહીવટ અને સંઘ સાથે જોડાયેલી લાગણીનું જ આ પરિણામ છે,મારા બોર્ડના સભ્યોનું પણ વિશેષ આભાર માનું છું, કે જેમણે દરેક બોર્ડ મીટીંગમાં સંઘના પડતરરૂપ રહેલા દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેના મને સાથ અને સહકાર આપ્યો છે. મને કહેતા ઘણો આનંદ થાય છે કે હર હંમેશ મને દૂધ મંડળીઓના ચેરમેનશ્રીઓ, કમિટી સભ્યો, સેક્રેટરીશ્રીઓ અને તમામ સભાસદોનો પૂરતો સાથ અને સહકાર મળેલ છે, તે બદલ તેમનો હું અંતઃ કરણ પૂર્વક આભાર માનું છું અને આવનારા ભવિષ્યમાં પણ મને અને મારા નિયામક મંડળના તમામ સભ્યોને આવો જ પ્રતિસાદ મળી રહે તેવી અપેક્ષા રાખું છું.

અમૂલ ડેરીના વાઈસ ચેરમેન શ્રી કાંતિભાઈ સોઢાપરમાર સભાના અંતે ચેરમેનશ્રી, નિયામક મંડળના સભ્યશ્રીઓ તેમજ આણંદ-ખેડા-મહિસાગર જિલ્લાની મંડળીઓમાંથી પધારેલ પ્રતિનિધિઓનો, સંઘના અધિકારી અને કર્મચારી ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કરી સભાને પૂર્ણ કરી હતી.