આણંદ, મંગળવાર
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે “માટીને નમન, વીરોને વંદન” ની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા. ૯ મી ઓગસ્ટથી “મેરી માટી, મેરા દેશ” અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત આગામી તા. ૦૯ થી ૧૧ ઓગસ્ટ દરમિયાન ગ્રામ પંચાયતો અને તા. ૧૬ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન તાલુકા કક્ષા તથા નગરપાલિકાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં વધુમાં વધુ લોકોની સહભાગિતા સુનિશ્ચિત થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ.ગઢવીએ જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાનાં પ્રતિનિધિઓ સાથે પત્રકાર પરિષદ યોજી હતી.
આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આણંદ જિલ્લામાં “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં દેશની આઝાદી માટે શહીદી વહોરનાર શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા પોલીસ-લશ્કરી દળના વીરોને વંદન કરવા તેમના નામવાળી તકતી (શીલાફલકમ) સ્થાપિત કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ઝુંબેશ સ્વરૂપે વૃક્ષારોપણ કરાશે જે અંતર્ગત તમામ ગામોમાં ૭૫ રોપાનું વાવેતર કરીને અમૃત વાટિકાનું નિર્માણ કરાશે. આ ઉપરાંત સરકારની ફ્લેગશિપ યોજનાઓ જેવી કે આયુષ્માન ભારત, ઈ-શ્રમ વગેરે માટે ઝુંબેશ ચલાવાશે તેમજ જિલ્લામાં સઘન સફાઇ કામગીરી હાથ ધરાશે.
આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓની રેલી, ચિત્રસ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, પ્રભાત ફેરી વગેરેનુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં હર ઘર તીરંગાની ઉજવણી કરાશે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપનાએ જણાવ્યું હતું કે, “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત આગામી તા. ૦૯ થી ૧૧ ઓગસ્ટ દરમિયાન ગ્રામ પંચાયતો અને તા. ૧૬ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન તાલુકા કક્ષા તથા નગરપાલિકાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રજાપતિ તેમજ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****