આણંદ
આણંદ જિલ્લાના ઉમરેઠમાં એક પત્રકાર પર થયેલ હુમલો અને જાનથી મારી નાખવાની અપાયેલ ધમકીની ઘટનાને ભારતીય પત્રકાર સંઘ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે.અને હુમલો કરનાર શખ્સ સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તેવી બુલંદ માંગ સાથે આવનાર દિવસોમાં આવા વધુ બનાવો ના બને અને સમાજના હિત માટે સતત કામ કરતા પત્રકારોને યોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે તેવો એક સુર સાથે આણંદ જિલ્લાનાં પત્રકારોએ ભારતીય પત્રકાર સંઘ ( B.P.S ) ના નેતૃત્વમાં સોમવારના રોજ આણંદ જિલ્લા કલેકટર અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
ઉમરેઠમાં ચોથી જાગીર સમાન આધારસ્તંભ પર થયેલ હુમલો એ નિંદનીય બાબત છે. એક પત્રકાર પર માનસિક, શારીરિક ત્રાસ ગુજારનાર ભાજપ સાશિત ઉમરેઠ નગરપાલિકાના ભાજપી કાઉન્સિલરના પિતા સામે સખતમાં સખત પગલાં લેવાની માંગ કરતા ભારતીય પત્રકાર સંઘે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ડી.જી ગાંધીનગરને સંબોધીને અપાયેલ આવેદનપત્રમાં વધુમા જણાવ્યું છે કે આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે આવેલ 12-એ આરામ એવન્યુમાં કૌશલ કુમાર હેમંતકુમાર પંડ્યા પોતાના પરિવાર સાથે રહે છે.જેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી નીડર નિષ્પક્ષ રીતે વ્યવસાયે માનદ પત્રકાર તરીકે સેવા આપે છે. તેઓ આણંદ થી પ્રસિદ્ધ થતા સાંધ્ય દૈનિક અખબાર ચરોતરનો અવાજમાં ઉમરેઠ તાલુકા પ્રતિનિધિ તરીકે અને અમદાવાદથી પ્રસિદ્ધ થતા ક્રાઈમ હેલ્પલાઇન સાપ્તાહિકમાં આણંદ જિલ્લા બ્યુરો ચીફ તરીકે માનદ સેવા આપી રહ્યા છે.
ગત.તારીખ 27મી જુલાઈના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યે કૌશલ પંડ્યા તેમના મિત્ર વ્યવસાયે પત્રકાર પંકજભાઇ શ્રીધપ નાઓની ઉમરેઠ સ્થિત પંચવટી ખાતે આવેલ દિવ્ય ભાસ્કરની ઓફિસે ગયેલ અને તેઓ બેઠાબેઠા વાતો કરતા હતા, આ સમય કૌશલકુમાર પંડ્યાના મોબાઇલ ફોન ઉપર શૈલેષભાઇ ગુલાબસિંહ બારોટનાઓનો ફોન આવેલ અને જણાવેલ કે,"તુ કેમ સાચી-ખોટી હકિકતો અમારી છાપે છે?" જેથી કૌશલ પંડ્યાને લાગેલ કે આ શૈલેષભાઇ બારોટ મારી સાથે મગજ મારી કરી ખોટો ઝઘડો કરશે જેથી તેઓ તથા પંકજભાઇ શ્રીધપ બંને ઉમરેઠ એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રકાશભાઇ પટેલના ઘરે રિધ્ધિસિધ્ધિ સોસાયટી સાંઇનાથ ચોકડી ગયેલ અને તેમને આ બનાવની વાત કરીને પ્રકાશભાઇ પટેલ ના ઘરની બહાર ખુરશીમાં બેઠેલ હતા.તે સમયે શૈલેષભાઇ ગુલાબસિંહ બારોટ (રહે. ઉમરેઠ બંસીધર સોસાયટી ઉમરેઠ) સફેદ રંગની સ્વીફ્ટ ગાડીમાં સવાર થઈ ત્યાં આવી ચડ્યા હતા અને કૌશલ પંડ્યાને ગમે તેમ ગંદી ગાળો બોલી લાકડાના ડંડો વડે બરડાના ભાગે તેમજ ગળાના પાછળના ભાગે માર માર્યો હતો.એટલું જ નહીં ગમેતેમ ગાળો બોલી ગળદાપાટુ નો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતા રહેલ બીજી તરફ આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ કૌશલ પંડ્યાને સારવાર માટે તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાદમાં આ બનાવને કૌશલ પંડ્યાએ ઉમરેઠ પોલીસ મથકમાં હુમલાખોર શૈલેષભાઇ ગુલાબસિંહ બારોટ વિરુધ્ધમા કાયદેસર ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકીય સાઠગાંઠ અને માથાભારે શખ્સની છાપ ધરાવતા એવા શૈલેષ બારોટએ પત્રકાર કૌશલ પંડ્યાને સમાચાર પ્રસિદ્ધ કરવા બાબતે માથાકૂટ કરીને તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
ઉમરેઠ નગરમાં પત્રકારને ડરાવવા કે તેમના પર હુમલો કરવાના વધતા જતા બનાવો નીંદનીય અને ચિંતાજનક બાબત છે.પત્રકારો પર થતા આવા હુમલાઓ ચોથી જાગીરની સ્વતંત્રતા પર તરાપ છે. ભવિષ્યમાં કોઇ ચોથી જાગીર પર અર્થાત પત્રકાર પર હુમલો કરવાની હિમ્મત ન કરે તે માટે હુમલાખોર ઇસમ વિરુદ્ધ ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદનપત્રના માધ્યમ દ્વારા માંગણી કરવામાં આવી હતી.
વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પત્રકાર કૌશલ પંડ્યા પર હુમલો કરનાર શૈલેષ બારોટના દીકરી હેમાંગી શૈલેષભાઈ બારોટ હાલ ઉમરેઠ નગરપાલિકામાં વોર્ડ નંબર-૧ માં કાઉન્સિલર છે. જેઓ ના લગ્ન વડોદરા ખાતે થયેલ છે.પોતાની પુત્રી ઉમરેઠ નગરમાં કાઉન્સિલર હોવાથી પિતા શૈલેષ બારોટ પુત્રીના હોદ્દાનો દૂર ઉપયોગ કરીને તેમનો તમામ વહીવટ ખાસ કરીને સાફ-સફાઈના વહીવટ સંભાળીને તેમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાની લોક ફરિયાદો ઉઠી છે.રાજકીય સાંઠગાંઠ અને ઉમરેઠમાં માથાભારે શખ્સની છાપ ધરાવતા શૈલેષ બારોટ મારામારી અને ધાકધમકી આપવા જેવાં ગુનોહિત ઇતિહાસ ધરાવે છે.ઉમરેઠ પોલીસ મથકમાં તેની સામે અત્યાર સુધી બે ગુના નોંધાયેલ છે.આવા સખ્શ સામે તંત્રએ સમાજના હિત માટે તાકીદે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી વ્યક્ત કરાઈ છે.