AnandToday
AnandToday
Sunday, 06 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 7 ઓગસ્ટ : 7 AUGUST 
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર

ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગાનના રચિયતા મહાન સાહિત્યકાર રવીન્દ્રનાથ ટાગોરની આજે પુણ્યતિથિ

નોબેલ પારિતોષિક વિજેતા મહાકવિ તથા પ્રેમ અને પ્રકૃતિનાં મહાન સાહિત્યકાર રવીન્દ્રનાથ ટાગોરનું અવસાન (1941)
તેઓ ગુરુદેવ, કબીગુરુ અને બિસ્વકાબી તરીકે પણ જાણીતા હતાં. તેઓ પોલિમાથ, કવિ, સંગીતકાર, કલાકાર અને આયુર્વેદ-સંશોધનકાર હતાં, કવિ-લેખક ઉપરાંત સારા ગીત-સંગીતકાર પણ હતાં અને રવીન્દ્ર સંગીત એ બાંગ્લા સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, ટાગોરે બાળસાહિત્યનું પણ ખૂબ સર્જન કર્યું હતું
ટાગોર એકમાત્ર એવા કવિ છે જેણે બે દેશોનાં રાષ્ટ્રગીત લખ્યાં છે જેમાં ભારતનું ‘જન-ગણ-મન.....’ અને બાંગ્લાદેશનું ‘આમાર સોનાર બાંગ્લા.....’ 
તેમનાં સાહિત્યસર્જને ભારતની સાંસ્કૃતિક ચેતનામાં પ્રાણ ફૂંક્યો, તેમાં ‘ગીતાંજલિ’, ‘પુરબી’, ‘પ્રવાહિની’, ‘ભોલાનાથ’, ‘મહુઆ’, ‘પરિશેષ’, ‘પૂનશ્ર્વ’, ‘વીથિકા’ અને ‘ચોખેરબાલી’ વગેરે તેમનાં મુખ્ય પુસ્તકો છે, ટાગોરે કુલ 2230 ગીતોની રચના કરી હતી
ટાગોરનાં પુસ્તક ‘ગીતાંજલિ’ને સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું, તે ઈ.સ.1913માં સાહિત્યનું નોબેલ મેળવનાર પ્રથમ નોન-યુરોપિયન અને નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યાં હતા
તેમને નાઇટહૂડ એવોર્ડથી 1915માં નવાજવામાં આવ્યાં હતાં, પરંતુ ઈ.સ.1919માં જલિયાંવાલા બાગનાં હત્યાકાંડનાં વિરોધમાં નાઈટહૂડનો ખિતાબ બ્રિટીશ વાઈસરોય(તે સમયનાં) લોર્ડ ચેલ્મ્સફોર્ડને પરત કર્યો હતો
શાંતિનિકેતન આશ્રમની સ્થાપના 1901માં કરી હતી, જે આજે ટાગોરની મોટી ધરોહર ગણાય છે

પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત અને ભારતની હરિયાળી ક્રાંતિ માટે જાણીતાં પ્રસિધ્ધ કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. (માનકોમ્બુ સંબાસીવન) સ્વામિનાથનનો તમિલનાડુ રાજ્યમાં જન્મ (1925)
સ્વામિનાથનને ભારતમાં ઘઉંની ઉચ્ચ ઉપજ આપતી જાતોનો પરિચય અને વધુ વિકાસ કરવામાં તેમની ભૂમિકા માટે ‘ભારતમાં હરિયાળી ક્રાંતિનાં પિતા’ કહેવામાં આવે છે 

* જીવનચરિત્રકાર અને અમેરિકામાં સેન્ટર ફોર સાઉથ એશિયન એન્ડ મિડલ ઈસ્ટર્ન સ્ટડીઝ ખાતે સંશોધન પ્રોફેસર રહેલ રાજમોહન ગાંધીનો દિલ્હી ખાતે જન્મ (1935)

* રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત ગુજરાતી કવિ અને વિવેચક ચંદ્રકાંત ટોપીવાલાનો વડોદરા ખાતે જન્મ (1936)

* હિન્દી ફિલ્મોના પ્લેબેક ગાયક સુરેશ વાડકરનો કોલ્હાપુર ખાતે જન્મ (1955)

* ભારતીય ચિત્રકલાની પુનઃ પ્રતિષ્ઠા કરાવનાર તથા ‘ઇન્ડિયન સોસાયટી ઑફ ઓરિએન્ટલ આર્ટ’નાં મુખ્ય કલાકાર અને નિર્માતા અબનીન્દ્રનાથ ટાગોરનો જન્મ (1871)
તેઓ ભારતીય કલામાં સ્વદેશી મૂલ્યોનાં પ્રથમ મુખ્ય ઘટક હતાં અને આધુનિક ભારતીય પેઇન્ટિંગનો વિકાસ થયો, એમના પ્રસિદ્ધ કલાચિત્રોમાં ‘કચ-દેવયાની’, ‘ભારતમાતા’, ‘બુદ્ધ જન્મ’ વગેરેનો સમાવેશ થાય છે, તેમની શ્રેષ્ઠ સિદ્ધિ એ 1930માં દોરવામાં આવેલ અરેબિયન નાઈટ્સની શ્રેણી છે, તેમનાં પુસ્તકો રાજકહિની, બુડો અંગલા, નાલાક અને ખીરર પુતુલ બંગાળી ભાષાનાં બાળકોનાં સાહિત્ય અને કલાનાં સીમાચિહ્ન હતાં

* હિન્દી ફિલ્મોના પટકથા લેખક અને શિક્ષક અંજુમ રાજાબલીનો ભાવનગર જિલ્લાના તળાજા ખાતે જન્મ (1958)

* હિન્દી ટીવી એન્કર, થિયેટર વ્યક્તિત્વ, હાસ્ય કલાકાર, કટારલેખક, પોડકાસ્ટર અને લેખક સાયરસ બ્રોચાનો મુંબઈમાં જન્મ (1971)

* હિન્દી ફિલ્મો અને હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં અભિનેત્રી નંદિની સિંહનો જન્મ (1980)

* તેલુગુ સિનેમા અને બોલિવૂડ ફિલ્મ અભિનેતા, નિર્માતા સચિન જે. જોશીનો પુના ખાતે જન્મ (1984)

* ઓડિયા અને બંગાળી ફિલ્મોમાં અભિનેત્રી અને ફેશન મોડલ વર્ષા પ્રિયદર્શિનીનો કટક ખાતે જન્મ (1984)

* બોલિવૂડ ફિલ્મોના પ્લેબેક ગાયિકા આકૃતિ કક્કરનો દિલ્હી ખાતે જન્મ (1986)
આકૃતિ સાથે તેઓ ત્રણેય બહેનો પ્રકૃતિ અને સુકૃતિ પણ ગાયિકા છે