AnandToday
AnandToday
Friday, 04 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

મેરી માટી, મેરા દેશઅભિયાન સંદર્ભે                મંત્રીશ્રી ઋષિકેશ પટેલે પ્રભારી જિલ્લાઓમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી

અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં અભિયાન સંદર્ભેની તૈયારીઓની પ્રભારી મંત્રીશ્રીએ સમીક્ષા કરી

ઉત્સવને મહાઉત્સવ તરીકે મનાવવા અને આ અભિયાનની સાથે અન્ય સમાજ ઉપયોગી કાર્યક્રમ હાથ ધરવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો

મેરી માટી, મેરા દેશ અભિયાન ગ્રામ્ય સ્તરે રાષ્ટ્રભાવના પ્રબળ બનાવશે - મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

જિલ્લાઓને જન ઉપયોગી કાર્યોનું એક પાયલટ મિશન હાથ ધરવા સૂચન કર્યું

આણંદ, શનિવાર 
“મેરી માટી, મેરા દેશ” અભિયાનના સંદર્ભે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે આણંદ સહિતના પ્રભારી જિલ્લાઓમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરીને સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

આ કોન્ફરન્સમાં અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ અભિયાનને વ્યાપક બનાવીને ગ્રામ્ય સ્તરે દેશભક્તિનો લોકજુવાળ ઉદભવે તેવા પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો હતો.

૯ મી ઓગસ્ટથી શરૂ થનાર “મેરી માટી, મેરા દેશ” અભિયાન હેઠળ વિવિધ પાંચ થીમ અંતર્ગત શિલાફલકમનું (પથ્થરની તક્તીનુ) નિર્માણ, પંચપ્રાણ પ્રતિજ્ઞા અને સેલ્ફી, વસુધા વંદન, વિરોને વંદન, ધ્વજવંદન અને  રાષ્ટ્રગાન સંદર્ભેના કાર્યક્રમોના આયોજનની વિગતવાર માહિતી મંત્રીશ્રીએ મેળવી હતી. અમદાવાદ જિલ્લાની ૪૬૭ ગ્રામ પંચાયત, આણંદની ૩૫૧ અને ખેડા જિલ્લાની ૫૫૨ ગ્રામ પંચાયતમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણતાના આરે છે.

મંત્રીશ્રીએ “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત વિવિધ ઉત્સવને મહાઉત્સવ તરીકે ઉજવવા અને તેની સાથે કુપોષણ, ટીબી મુક્તિ માટે જનજાગૃતિની મહાઝુંબેશ હાથ ધરવા અનુરોધ કર્યો કર્યો હતો. જિલ્લાઓને જન ઉપયોગી કાર્યોનું એક પાયલટ મિશન હાથ ધરવા સૂચન કર્યું.

આ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટરશ્રી ડી. એસ. ગઢવીએ જિલ્લામાં “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમ સંદર્ભે થયેલી તૈયારીઓ અને આગળના આયોજનની વિગતવાર માહિતી આપી હતી.

આ વીડિયો કોન્ફરન્સ બાદ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં દંડકશ્રીએ પ્રજા જીવનને જોડીને આ કાર્યક્રમ ઉજવવા આહવાન કર્યું હતું. તેમણે પાંચ થીમ ઉપરાંત લોક જાગૃતિના કાર્યક્રમો યોજવા સુચવ્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણ કુમાર, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, અગ્રણીશ્રી રાજેશભાઈ પટેલ, તાલુકા પંચાયત-નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, સદસ્યશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****