સુરતઃ
રાષ્ટ્રીય અંગદાન દિવસ એટલેકે તા.૩જી ઓગસ્ટના ઉપલક્ષ્યમાં ‘અંગદાન..મહાદાન’ જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવા અને લોકજાગૃત્તિ કેળવવાના હેતુથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશનના ઉપક્રમે તબીબો, નર્સિંગ સ્ટાફ, સિવિલની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકો દ્વારા મહારેલી યોજાઈ હતી. અંગદાન જાગૃત્તિના પ્લેકાર્ડ સાથે અંગદાનના સૂત્રોચ્ચારથી લોકોને જાગૃત્ત કરાયા હતા અને અંગદાનના શપથ લેવાયા હતા. શાંતિના પ્રતિક સમા બલૂન ઉડાડીને અંગદાનનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે તબીબ અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં અંગદાન પ્રત્યે લોકો જાગૃત્ત થઈ રહ્યા છે, ત્યારે સુરત પણ રક્તદાન, નેત્રદાન તેમજ અંગદાનમાં અગ્રેસર થઈ રહ્યું છે. સુરત જિલ્લામાંથી મોટા પ્રમાણમાં અંગદાન પ્રવૃત્તિ થઈ રહી છે. નવી સિવિલ આરોગ્યતંત્રના પ્રયાસોથી છેલ્લા સાત મહિનામાં અંગદાનની કુલ ૩૯ ઘટનામાં ૭૪ કિડની, ૩૫ લિવર, ૧૦ આંખો, ૩ હ્રદય, ૭ હાથ, ૩ આંતરડા અને ૧ પેન્ક્રિયાઝ મળી કુલ ૧૩૩ અંગોનું દાન થયું છે. અંગદાન જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં નવી ઉર્જા લાવે છે.
નર્સિંગ કાઉન્સિલના શ્રી ઈકબાલ કડીવાલાએ કહ્યું કે, હોસ્પિટલોમાં દર્દીઓની સૌથી નજીક તબીબ અને નર્સિંગ સ્ટાફ જ હોય છે. ત્યારે અંગદાન માટે પ્રેરણા આપવામાં તબીબો અને નર્સિંગ સ્ટાફની પણ મહત્વની ભૂમિકા છે. તેમના ઉપયોગી પ્રયાસોથી જરૂરિયાતમંદ દર્દીઓને અંગો મળતા તેમના જીવનમાં ઉજાસ ફેલાયો છે. ઈશ્વર માનવીને જીવન આપે છે અને તબીબ જરૂરીયાતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેને જીવ બચાવીને નવજીવન આપે છે. બ્રેનડેડ વ્યક્તિના મૃત્યુ બાદ પણ તેની આજીવન સ્મૃત્તિ સાચવવા અને તેમના જીવનમાં રંગો પૂરવા અંગદાનનો સંકલ્પ લઈએ એમ તેમણે ઉમેર્યું હતું.
નર્સિંગ એસો. દ્વારા અંગદાનની આ ત્રીજી રેલીનું આયોજન શ્રી ઈકબાલ કડીવાલા દ્વારા કરાયું હતું. જેમાં આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સિવિલની સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો.ઈન્દ્રાવતી રાવ, ટીબી વિભાગના વડા અને યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.પારૂલ વડગામા, નર્સિંગ અધિક્ષક કાંતાબેન પટેલ, TNAIના કિરણ દોમડીયા, અશ્વિન પંડ્યા, નિલેશ લાઠીયા, સહિત વિવિધ કોલેજના હેડ નર્સ, સ્ટાફ નર્સ, નર્સિંગ સ્ટાફ તેમજ સ્વયંસેવકો- જાગૃત્ત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.