AnandToday
AnandToday
Tuesday, 01 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

U.S. ન્યૂજર્સીના રોબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે 75 દિવસ માટે વિરાટ રક્તદાન અભિયાનનો પ્રારંભ

કુલ દસ સપ્તાહમાં 6000 pints એટલે કે આશરે 2840 લિટર કરતાં વધુ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક 

આટલા રક્તથી 18,000 જેટલા લોકોના જીવનને પ્રભાવિત કરવાની અને બચાવવાની ક્ષમતા

ન્યૂ જર્સી
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને રોબિન્સવિલ, ન્યૂ જર્સીના મેયર શ્રી ડેવિડ ફ્રાઈડની ઉપસ્થિતિમાં જુલાઇ ૧૬, ૨૦૨૩ ના દિને રોબિન્સવિલમાં “ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ એટલે કે “પ્રેરણાના મહોત્સવ”નો આરંભ થયો હતો. 

આ મહોત્સવ અંતર્ગત,BAPS ચેરિટીઝ (BAPS Charities) દ્વારા સ્થાનિક હોસ્પિટલો અને સંસ્થાઓના સહયોગથી, ન્યૂજર્સીના રોબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે રક્તદાન અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અભૂતપૂર્વ રકતદાન યજ્ઞ દસ સપ્તાહ સુધી ચાલશે, અને ન્યૂજર્સી રાજ્યમાં અત્યાર સુધી યોજાયેલા વિરાટ રકતદાન અભિયાનોમાંનું એક બની રહેશે. 6,000 પિન્ટ્સ એટલે કે આશરે 2840 લિટર જેટલું રક્ત એકત્ર કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સાથે, આ અભિયાનમાં 18,000 જેટલા લોકોના જીવનને બચાવવાની ક્ષમતા છે.  

આ રકતદાન યજ્ઞમાં સ્થાનિક રોબિન્સવિલ કોમ્યુનિટી અને સમગ્ર ઉત્તર અમેરિકામાં રહેતા લોકોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.  યુએસએ ઉપરાંત કેનેડામાંથી પણ હજારો દાતાઓ આ અભિયાનમાં જોડાશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ રીતે એકત્ર કરાયેલા રક્તને સ્થાનિક હોસ્પિટલો અને સંસ્થાઓમાં પહોંચાડવામાં આવશે. 
જીવન-રક્ષાના આ ઉમદા કાર્યમાં BAPS ચેરિટીઝને મિલર-કીસ્ટોન બ્લડ સેન્ટર, ન્યુ જર્સી બ્લડ સર્વિસ, આર.ડબ્લ્યુ.જે બાર્નાબાસ હેલ્થ, વાઇટલન્ટ અને અમેરિકન રેડ ક્રોસનો ઉમળકાભેર સહયોગ સાંપડી રહ્યો છે. 

રોબિન્સવિલેના મેયર ડેવ ફ્રાઈડ (@mayordavefried) દ્વારા કાઉન્સિલ પ્રેસિડેન્ટ ડેબોરાહ બ્લેકલી અને કાઉન્સિલવૂમન ક્રિસ્ટીન સિઆસિઓ સાથે, બ્લડ ડ્રાઈવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું,  જે મેયર ફ્રાઈડની સ્થાનિક સમુદાય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેઓએ આ અગાઉ તેમની "પે ઇટ ફોરવર્ડ" પહેલ માટે રૂરિયાતમંદ લોકો માટે $4,50,000 થી વધુ એકત્ર કર્યા છે અને અવરોધ-મુક્ત આવાસ માટેની હિમાયત કરેલી છે. તેમણે અક્ષરધામ દ્વારા આયોજિત આ રકતદાન અભિયાનને સ્થાનિક સમુદાય પ્રત્યે સેવાની એક ઉત્તમ તક તરીકે ઝડપી લેવા સૌને જણાવ્યું હતું. અક્ષરધામના સંકુલ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં મેયર ફ્રાઈડે જણાવ્યું,
 “આ સમગ્ર કાર્યનો વ્યાપ અદ્વિતીય છે અને મને તેના એક ભાગરૂપ બનવા માટે રોમાંચની અનુભૂતિ થઈ રહી છે. BAPS નું નિઃસ્વાર્થ મિશન આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. મને આનંદ છે કે તેમણે રૉબિન્સવિલને પસંદ કર્યું.“

રોબિન્સવિલ ટાઉનશીપ દ્વારા આયોજિત અગાઉના રકતદાન અભિયાન સમયે બાપસ ના સ્વયંસેવકોની નિઃસ્વાર્થ સેવાના અનુભવ વિશે મેયરે પુનઃ જણાવ્યું, 
“ અમે એકવાર સ્વયંસેવકોની ખેંચ અનુભવી રહ્યા હતા. અમે BAPSમાં સવારે 10:30 વાગ્યે ફોન કર્યો અને બપોરે 3 વાગ્યા સુધીમાં તો અમારે કહેવું પડ્યું, ‘તમે સ્વયંસેવકો મોકલવાનું બંધ કરી શકો છો!’ અહીં સેવાની ભાવના ખરેખર અજોડ છે.” 2007 થી રોબિન્સવિલ ટાઉનશિપ કાઉન્સિલના આદરણીય સભ્ય, કાઉન્સિલવુમન સિઆસીઓએ પણ મેયરની આ લાગણીઓનો પડઘો પાડ્યો.  

કાઉન્સિલના પ્રમુખ બ્લેકલીએ જણાવ્યું ,
 "રોબિન્સવિલેમાં ઘણી વિવિધતા છે, જે અદ્ભુત છે. જ્યારે એક સમુદાય તરીકે આપણે એકબીજાની નિકટ આવીએ છીએ, ત્યારે એકબીજા પાસેથી શીખી શકીએ છીએ, એકબીજાને સમજી શકીએ છીએ અને વધુ પ્રદાન કરી કરી શકીએ છીએ. હું તમારો આ કાર્ય કરવા માટે આભાર માનું છું."

BAPS ચેરિટીઝ 2006 થી એકલા યુ.એસ.માં લગભગ 500 જેટલાં રકતદાન અભિયાન કરી ચૂક્યું છે. આ પ્રકારના અભૂતપૂર્વ પ્રયાસો દ્વારા આશરે 56,000 અમેરિકન જિંદગીઓને નવજીવન આપી શકાયું છે. રાષ્ટ્રીય સ્તરે આરોગ્ય સેવાઓમાં BAPS ચેરિટીઝ નિરંતર પ્રતિબદ્ધ છે. આવા વિરાટ રકતદાન અભિયાનો અને તેમનો વૈશ્વિક પ્રભાવ  છેલ્લાં ચાર દાયકાઓથી અનુભવી શકાય છે; જ્યારે, 1981 માં BAPS ચેરિટીઝ દ્વારા જેમાં વિશ્વભરમાં મોટા પાયે રક્તદાન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સંસ્થાએ સ્તન કેન્સર માટે જાગૃતિ અને સમર્થન વધારવા માટે સુસાન જી. કોમેન ફાઉન્ડેશન સાથે પણ ભાગીદારી કરી છે. 

સેટન હોલ યુનિવર્સિટીના પ્રી-મેડ વિદ્યાર્થી અને ‘યુનિવર્સિટી બ્લડ ઇનિશિયેટિવ’ના પ્રમુખ સંસ્કૃતિ બ્રહ્મભટ્ટે જણાવ્યું, "BAPSના એક સ્વયંસેવક તરીકે, હું અક્ષરધામ પ્રોજેક્ટને આવકારવા બદલ રોબિન્સવિલ અને મર્સર સમુદાયનો  આભાર માનું છું. અમારી સાથે જોડાવા બદલ આભાર."

આ રક્તદાન અભિયાનની શરૂઆત મેયર ડેવ ફ્રાઈડ અને રોબિન્સવિલ ટાઉનશીપ, BAPS ચેરિટીઝ અને ન્યૂ- જર્સીની રક્તદાન સંસ્થાઓની સામૂહિક શક્તિ અને કરુણા દર્શાવે છે. જેમ જેમ આ અભિયાન આગળ વધશે તેમ-તેમ આ અભિયાન નિઃસ્વાર્થ સેવા અને એકતાના મહત્વને લોકોમાં વધુ દ્રઢ કરાવશે. 

રક્તદાન અભિયાનની વધુ માહિતી માટે: bapscharities.org.