AnandToday
AnandToday
Tuesday, 25 Jul 2023 18:30 pm
AnandToday

AnandToday

સમાજમાં વંચીતોના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી જન ધન યોજના

પી.એમ. જન ધન યોજના હેઠળ આણંદ જિલ્લામાં ૬.૨૮ લાખ લોકોના બેન્ક ખાતા ખોલાયા : રૂપિયા ૨૮૯.૧૧ કરોડની ડીપોઝીટ

યોજનાના કુલ ખાતાધારકોમાં ૫૨.૫૫ ટકા મહિલા લાભાર્થીઓ

આલેખન:: પ્રાંજુલ

આણંદ, બુધવાર

 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી પ્રધાનમંત્રી જન ધન યોજનાના સફળ અમલીકરણને આગામી ૧૫મી ઓગષ્ટના રોજ નવ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે દસમાં વર્ષમાં પ્રવેશવા આગળ વધી રહેલી પ્રધાનમંત્રી જન ધન યોજનાએ દેશમાં આર્થિક અને સામાજિક વિકાસથી વંચીત કરોડો લોકોનું નાણાકિય સમાવેશ દ્વારા સશક્તિકરણ કર્યુ છે. આ યોજના દ્વારા અત્યારસુધીમાં દેશના કરોડો લોકોએ બેન્કિંગ સેવાઓનો લાભ લીધો છે. 

પ્રધાનમંત્રી જન ધન યોજના સરકારની લોક-કેન્દ્રિત આર્થિક પહેલનું તેમજ દેશના વધુમાં વધુ લોકોનો નાણાકિય સમાવેશ થાય તે માટેનો મૂખ્ય આધાર બની ગઈ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વંચિત કે નબળા વર્ગો અને ઓછી આવક ધરાવતા જૂથોમાંથી દરેક પરિવાર માટે ઓછામાં ઓછું એક મૂળભૂત બચત બેંક ખાતાની ઉપલબ્ધતા, જરૂરિયાત આધારિત ક્રેડિટની ઉપલબ્ધતા, રેમિટન્સ સુવિધા, નાણાકીય સાક્ષરતા, ધિરાણ,વીમા અને પેન્શન જેવી વિવિધ નાણાકીય સેવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યને ધ્યાને લઈને પ્રધાનમંત્રી જન-ધન યોજનાની સૌ પ્રથમ જાહેરાત તા. ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) – પોતાના દસમા વર્ષમાં પ્રવેશવા જઈ રહી છે ત્યારે આ યોજનાના પ્રારંભથી અત્યાર સુધીમાં આણંદ જિલ્લામાં ૬,૨૮,૭૪૨ કરતાં વધારે લોકોએ બેન્ક ખાતા ખોલાવીને બેંકિંગ સેવાઓનો લાભ મેળવ્યો છે. આણંદ જિલ્લામાં કુલ સંચાલિત થતાં જન ધન ખાતાઓમાંથી ૫૨.૫૫ ટકા એટલે કે કુલ ૩,૩૦,૩૯૪ મહિલા ખાતાધારકો છે. જિલ્લાની વિવિધ બેંન્ક શાખાઓમાં સંચાલિત જન ધન ખાતાઓમાં રૂ. ૨૮૯.૧૧ કરોડની રકમ જમા થઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪,૩૮,૫૮૩ ખાતાધારકોને “રૂપે” ડેબીટ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. જિલ્લાના ૫,૨૦,૮૬૦ જનધન ખાતાધારકોએ તેમના ખાતા સાથે આધાર લિન્ક કરાવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણની વિવિધ યોજનાઓ હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી આણંદ જિલ્લાના લાખો લોકોએ યોજનાકીય લાભ અને સહાય મેળવી છે.

આ યોજનામાં ખાતાધારકોને તેમણે જમા કરાવેલી થાપણો પર વ્યાજ, રૂપિયા ૧ લાખની રકમનું અકસ્માત વીમા કવચ,  ઝીરો બેલેન્સ સુવિધા, "રૂપે" ડેબિટ કાર્ડ, યોજના હેઠળ લાભાર્થીને સામાન્ય શરતોની ભરપાઈ પર તેના મૃત્યુ પર ૩૦,૦૦૦ રૂપિયાનો જીવન વીમો, સમગ્ર ભારતમાં ગમે તે જગ્યાએ નાણાંનું સરળતાથી ટ્રાન્સફર, સરકારી યોજનાઓના લાભાર્થીઓને આ ખાતામાં ડી.બી.ટી. અંતર્ગત યોજનાઓનો સીધો લાભ, છ મહિના સુધી આ ખાતાઓની સંતોષકારક કામગીરી બાદ ઘર દીઠ એક ખાતામાં તેમાં પણ મહિલા ખાતાધારકો માટે રૂ. ૫,૦૦૦ સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ છે તેમજ પેન્શન અને વીમા સેવાનો એક્સેસ કરવા જેવી વિવિધ સુવિધાઓનો લાભ મળે  છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ સમાજના વંચીત અને આર્થિક રીતે નબળા વર્ગનો કોઇપણ વ્યક્તિ કે જેની પાસે આધાર કાર્ડ કે આધાર નંબર ઉપલબ્ધ હોય તો તેના દ્વારા અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ન હોય તો મતદાર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ અને NREGA કાર્ડ વગેરે કે જેમાં "ઓળખ અને સરનામાના પુરાવા" બંનેની ખાતરી થતી હોય તેવા દસ્તાવેજ રજૂ કરી કોઈપણ બેંક શાખા અથવા બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ (બેંક મિત્ર) આઉટલેટ પરથી ખાતું ખોલાવી શકે છે. જો કોઈ વ્યક્તિ પાસે જરૂરિયાત મુજબના "માન્ય સરકારી દસ્તાવેજો" ન હોય, પરંતુ બેંક દ્વારા તેને 'ઓછા જોખમ' તરીકે વર્ગીકૃત કરવામાં આવે, તો તેવી વ્યક્તિ કેન્દ્ર/રાજ્ય સરકારના વિભાગ, વૈધાનિક/નિયમનકારી સત્તાવાળાઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, અનુસૂચિત વાણિજ્યિક બેંકો અને જાહેર નાણાકીય સંસ્થાઓ દ્વારા જારી કરાયેલ અરજદારના ફોટા સાથેનું ઓળખ કાર્ડમાંથી કોઈપણ એક દસ્તાવેજની સાથે વ્યક્તિના યોગ્ય પ્રમાણિત ફોટા સાથે રાજપત્રિત અધિકારી દ્વારા જારી કરાયેલ પત્ર જમા કરાવીને બેંક ખાતું ખોલાવી શકે છે. 

ખરેખર, આગામી તા.૧૫મી ઓગષ્ટ, ૨૦૨૩ના રોજ તેના દસમા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહેલ પ્રધાનમંત્રી જન ધન યોજનાએ સમાજમાં વંચિતોના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરી તેમને સમાવેશી વૃદ્ધિમાં સામેલ કરી સરકારના નાણાકિય સમાવેશના રાષ્ટ્રીય મિશનને પૂર ઝડપે આગળ વધાર્યુ છે. 

********