આણંદ ટુડે I નડિયાદ,
નડિયાદ યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા મણિપુરમાં ન્યાય અને શાંતિ માટે વિશાળ મૌન શાંતિ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપી મણિપુરમાં કુકી આદિવાસી અને અન્ય ભોગ બનનાર સમુદાયની સલામતી,ન્યાય અને પુનર્વસન માટે રજૂઆત કરવામાં આવી. વરસતા વરસાદમાં 7 હજારથી વધુ લોકો સ્વયંભુ રેલીમાં જોડાયા હતા.જેમાં મોટા પ્રમાણમાં બહેનો રેલીમાં જોડાઈ હતી.
મણિપુરમાં વ્યાપક પ્રમાણમાં હિંસામાં અથડામણ થઇ છે.જેમાં હિંસા અને સતામણી ખાસ કરીને કુકી આદિજાતિ ઉપર વિશેષ થઇ રહી છે.બળાત્કાર-છેડતી,લુંટ,આગચંપી,મહિલાઓ સાથે ગેંગ રેપ જેવી ઘટનાઓ છેલ્લા અઢી મહિનાથી અવિરત ચાલુ હોય નડિયાદ યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા વિશાળ રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.શહેરના સી.એન.આઈ ચર્ચથી સવારે ૧૦ કલાકે રેલી શાંતિપૂર્ણ નીકળી હતી.જેમાં કેથોલિક ચર્ચ,સાલ્વેશન આર્મી,મેથોડીસ્ટ ચર્ચ,ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સહિતના ચર્ચના ધર્મગુરુઓ સાથે મોટી સંખ્યામાં નાગરીકો સફેદ વસ્ત્રો અને સૂચક બેનર સાથે જોડાયા હતા.
આ રેલી બાલ્કન જી બારી થઇ મિશન રોડ માર્ગે કલેકટર કચેરી પહોચી હતી.જેમાં નાગરિકોએ “મણિપુરમાં શાંતિ પ્રવર્તો,ન્યાય આપો,સહુ પ્રેમથી રહો,પીડિતોને સહારો આપો”જેવા સૂચક બેનર સાથે જોડાયા હતા.
આ અંગે કેથોલિક સભાપુરોહિત ફાધર જોસેફ અપ્પાઉએ જણાવ્યું હતું કે,અમે આવેદનપત્ર દ્વારા કલેકટર અને રાષ્ટ્રપતિને રજૂઆત કરી છે કે,છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી હિંસાના કારણે હજારો કુકી આદિવાસી તેમજ અન્ય બોગ બનનાર સ્થાનિકો સ્થળાંતર કરી ચૂક્યા છે.મણિપુરમાં રાજધાની ઈમ્ફાલથી લગભગ ૩૫ કિમી દુર કાંગપોક જીલ્લામાં કુકી મહિલાઓને નગ્ન કરી અમાનવીય વર્તન અને દુષ્કર્મ એ ખૂબ દુ:ખદ અને કાળજુંકંપાવી નાખનાર ઘટના છે.આ ઘટનાને અંજામ આપનાર તમામને ઝડપી પાડી કડકમાં કડક સજા થવી જોઈએ અને પીડિતોને સત્વરે ન્યાય મળવો જોઈએ.
મહિલા અગ્રણી નીલાબેન અને કમુબેને જણાવ્યું કે, આભ તૂટી પડે તો પણ અમે ન્યાયની મૌન રેલી પૂર્ણ કરીશું. અમારી બહેનો, દીકરીઓ ઉપર અમાનુષ અત્યાચાર થાય, બળાત્કાર થાય અને અમે ઘરમાં રહીયે? દોષીઓને સજા થવી જ જોઈએ.
મેથોડીસ્ટ ચર્ચના ધર્મગુરુ રેવ.ડૉ.ઈમાનયેલ કાન્તે જણાવ્યું હતું કે,મણિપુરમાં અસંખ્ય નાગરિકોએ પોતાનું ઘર,ધંધા-વ્યવસાય,મિલ્કતો અને જમીન સહીત સર્વસ્વ ગુમાવી દીધું છે.ઘાતકી હુમલાઓ,સામુહિક બળાત્કાર અને હત્યાઓને કારણે આદીજાતીમાં ડરનો માહોલ સર્જાયો છે.તેઓએ હાલમાં રાહત છાવણીઓમાં આશ્રય લીધો છે.મણિપુરમાં વિશેષ ગ્રામ્ય અને પહાડી વિસ્તારોમાં અસંખ્ય મકાનો,દુકાનો,વાહનો,ઘર,સંસ્થાઓ તેમજ 200 થી વધુ ચર્ચ સળગાવાયા છે,આ હિંસામાં લગભગ 150 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે.હાલમાં મણિપુરમાં લોકશાહી માળખું પડી ભાંગ્યું છે ત્યારે આપ વિશેષ રસ દાખવી રાજ્ય અને કેન્દ્ર સરકારને આદેશ કરી અત્યાચાર સત્વરે રોકી લોકશાહીને જીવંત રાખી શકો તેમ છો.
સભાપુરોહિત ફાધર આમ્બ્રોસે જણાવ્યું હતું કે,મણિપુરમાં કુકી આદિવાસીઓ વિરૂદ્ધ હિંસા અને અમાનવીય વ્યવહારની ઘટના દયનીય,નિંદનીય અને માનવતા વિરુદ્ધ અપરાધ કહેવાય છે.આવા સંજોગોમાં નડિયાદ યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ શાંતિ રેલી યોજી આવેદનપત્ર આપી નમ્ર વિનતી કરે છે કે, મણિપુરમાં રહેતા કુકી આદિવાસી સમુદાય અને અન્ય ભોગ બનનાર લોકો-સમુદાય પર જીવલેણ હુમલા બંધ થવા જોઈએ અને ઘણાં મામલામાં કુકી પીડિતોને આરોપી બનાવાઇ રહ્યાં છે તેમની સામે ખોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.તે બંધ થવી જોઈએ,ભોગ બનનાર મહિલાઓને ન્યાય મળવો જોઈએ.
નોર્થ ઇન્ડિયા ચર્ચના ધર્મગુરુ ક્લાયમેન્ટે જણાવ્યું હતું કે,અમે સહુ શાંતિપૂર્ણ રેલી દ્વારા મણિપુરમાં પ્રેમ,શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ ઝંખીએ છે.મણિપુરમાં તાત્કાલિક શાંતિની પુનઃ સ્થાપના અને તમામ આદિવાસીઓ કે જેઓને તેમની જમીનો અને મિલ્કતોમાંથી ભગાડી મુકવામાં આવ્યા છે અને કેટલાક લોકોએ હક્ક જમાવી દીધો છે ત્યારે તેમને પરત ફરવા સંપૂર્ણ મદદ આપવામાં આવે, તેમના મકાનો,સંસ્થાઓ,ઘર,ચર્ચ,મિલકતો વગેરેના પુનઃ નિર્માણ માટે પર્યાપ્ત નાણાંકીય વળતર પૂરું પાડવું જોઇએ.
રેલી કલેકટર કચેરી પહોચી હતી જ્યાં ફાધર જોસેફ અપ્પાઉ,રેવ.ડૉ.ઇમાનુએલ કાન્ત,ફાધર આમ્રોસ ડાભી, નોર્થ ઇન્ડિયા ચર્ચના ધર્મગુરુ ક્લાયમેન્ટે અને સાલ્વેશન આર્મીના ધર્મગુરુ,વડીલોએ આવેદનપત્ર આપ્યું હતું.જેમાં માંગ કરવામાં આવી હતી કે,
- મણિપુરમાં કાંગપોક જીલ્લામાં કુકી મહિલાઓને નગ્ન કરી અમાનવીય વર્તન અને સામુહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપનાર તમામને ઝડપી પાડી કડકમાં કડક સજા થવી જોઈએ અને પીડિતોને સત્વરે ન્યાય મળવો જોઈએ.
-જુદા જુદા વિસ્તારોમાં જે ઘટનાઓ બની છે તે ઘટનાઓના તમામ દોષિતો સામે FIR નોધી કડક કાર્યવાહી થવી જોઈએ.
-સમગ્ર ઘટના અંગે તટસ્થ અને ન્યાયિક તપાસ તપાસ થવી જોઈએ અને દોષિતો સામે સત્વરે કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર સ્વીકારી તત્કાલ ગૃહ વિભાગ દિલ્હી અને રાષ્ટ્રપતિની આવેદનપત્ર પહોંચતું કરી ન્યાય યોગ્ય કાર્યવાહી કરવા ખાત્રી આપી હતી