AnandToday
AnandToday
Tuesday, 11 Jul 2023 18:30 pm
AnandToday

AnandToday

નડિયાદમાં તસ્કર  ટોળકીને મીઠાઈ બહુ વ્હાલી,મીઠાઈના શોખીન તસ્કરોની એક જ દુકાનમાં નવમી ચોરી

ચોકલેટ, ડ્રાયફુટ, કાજુકતરીની સાથે ડીવીઆર પણ લઇ જાય છે.

નડિયાદ
આપણે એમ સાંભળતા આવ્યા છીએ કે,તસ્કરોએ કિંમતી વસ્તુઓની ચોરી કરી. રોકડ અને દાગીના ઉપર હાથ અજમાવતા તસ્કરોની જગ્યાએ હવે નડિયાદમાં મીઠાઈ ઉપર મોહી ગયા છે. એ પણ એકનહીં.. બે નહીં... નવ નવ વખત ચોકલેટ, ડ્રાયફુટ, કાજુકતરી ચોરી. મહત્વનું તો એ છે કે, સમજદાર ડ્રાયફ્રુટ શોખીન તસ્કરો હવે, ડીવીઆર લઈને જાય છે.

નડિયાદના પીપળાતા રોડ પરની ક્રિષ્ના ડેરીમાં પાછળની બારીના સળિયા આરી વડે કાપી પ્રવેશેલા તસ્કરોએ ખાદ્ય ચીજવસ્તુઓ જેવી કે, મીઠાઈ, ચોકલેટ અને ડ્રાયફુટ ચોરી ફરાર થયા છે. એટલું જ નહીં ચોરી કરતે વખતે પોલીસના હાથે ન લાગી જવાય તે માટે ડેરીમાં લગાવેલા CCTVનું ડિવીઆર હાર્ડડીસ્ક સાથે તસ્કરો ઉઠાવી ગયા છે. હાલતો પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરી છે.

નડિયાદમાં તસ્કરરાજ છે તેમાં કોઈ બેમત નથી. જોકે, તસ્કરો દાગીના, રૂપીયા , મોબાઈલ ફોન સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર થતા હોય છે. પરંતુ ચોકલેટ, મીઠાઈ અને ડ્રાયફુટની પણ ચોરી થાય ત્યારે સૌ કોઈને નવાઈ લાગે. જોકે આવી જ ઘટના નડિયાદના પીપળાતા રોડ પરની ક્રિષ્ના ડેરીમાં બની છે. જેમા તસ્કરો જાણે મીઠાઈ, ચોકલેટ, ડ્રાયફુટ, કોલ્ડ ડ્રીંકની બોટલો, કાજુકતરીના ભૂખ્યા હોય એમ બે પતરા સફાચટ કરી ચોરી કરી લેતાં ચકચાર મચી છે. આજે સવારે જ્યારે દુકાનદાર નડિયાદના કિશન સમોસાના ખાંચામાં રહેતા મુકેશભાઈ હરિશંકર પંડીત પોતાની પીપળાતા ગામની સીમમાં પીપળાતા જવાના રોડ પર ક્રિષ્ના કે જેમા ડેરી પ્રોડક્ટનું ઉત્પાદન કરી વેચાણ કરે છે.

આજે સવારે મુકેશભાઈ પોતાની ડેરી ખાતે આવતાં ડેરીના પાછળના ભાગે લોખંડની બારીના સળિયા તૂટેલી હાલતમાં જોઈ ચોંકી ગયા હતા. આ સળિયા કોઈ આરી પાનાથી કાપવામાં આવ્યા હોવાનું જણાઈ આવતું હતું. જેને લઈ મુકેશભાઈએ ડેરીમા તપાસ કરતાં ડેરીમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેમાં ખાદ્ય ચીજોની ચોરી થઈ છે. જેમાં મીઠાઈ અને ચોકલેટ, ડ્રાયફુટ, કોલ્ડ ડ્રીંક, કાજુકતરીની ચોરી થઇ છે. એટલું જ નહીં ડેરીમાં મુકેલા CCTVનું ડિવીઆર પણ હાર્ડડીસ્ક સાથે તસ્કરો ઉઠાવી ગયા કે જેથી પોતે પકડાઈ ન જાય.વારંવાર એક જ મોડ્સ ઓપરેન્ડીથી તસ્કરો ચોરી કરતા હોય દુકાનદાર પણ ત્રસ્ત બન્યા છે. 

તસ્કરોએ જે ખાદ્ય પદાર્થની ચોરી કરી છે તેની રકમ કુલ રકમ 57 હજાર રૂપીયા જેટલી થાય છે. જેમાં ચોકલેટ તથા કોલ્ડ ડ્રીંક મળી કુલ રૂપીયા 35 હજાર, ચાંદીના વરખના 12 જેટલા બંડલ કિંમત રૂપીયા 12 હજાર, ડ્રાયફુટ કિંમત રૂપીયા 3500, તો રોકડ રકમ 500 રૂપીયા, અને સીસીટીવીનું ડીવીઆર 27 હજાર રૂપીયા મળી કુલ રૂપિયા 84 હજાર 500નો મુદ્દામાલ ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા. ચોરીની આ ઘટના અંગે ડેરીના માલિકે તુરંત નડિયાદ પશ્ચિમ પોલીસમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી, ડેરી માલીક મુકેશભાઈ હરિશંકર પંડીતની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે, આ ડેરીમાં આ પ્રકારે પ્રથમ વખત ચોરી નથી થઈ, વર્ષ 2019માં આ જ ડેરીમાં આવી જ રીતે ચોરી થઈ હતી. ત્યારે તસ્કરોએ ખાદ્ય પદાર્થની ચોરી કરી હતી. આ ડેરીમા અવાર નવાર ચોરીની ઘટના બની છે.

આ અંગે ડેરીના માલીક મુકેશભાઈ પંડીતે  જણાવ્યું કે," અમારા વિસ્તારમા અવારનવાર ચોરીની ઘટના બને છે. મારી જ ડેરી મા અત્યાર સુધી 9 વખત ચોરી થઈ છે. પણ બે જ ચોરીની ઘટનામા પોલીસ ફરીયાદ નોંધાઈ છે. અને દરેક વખતે તસ્કરો સીસીટીવી નુ ડીવીઆર ચોરી કરીને લઈ જાય છે. જેને લઈ પોલીસમા રજૂઆત કરતા જીઆરબી જવાનનો પોઈન્ટ પણ મારી ડેરી બહાર આપવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી પોઈન્ટ છે. તે બાદ પણ ચોરીની ઘટના અટકી નથી. મારી ડેરીમાં ચોરી થઈ એ વખતે પણ જીઆરબી જવાન પોઈન્ટ પર હાજર હતા તેવું તે લોકો કહી રહ્યા છે. તો દુકાનની બારીના સળિયા કટર વડે કાપીને આટલો બધો મુદ્દામાલ ચોરી કરીને તસ્કરો જાય છે તો જીઆરબી જવાન શું કરતા હતા?? અત્યાર સુધી 9 વખત ચોરી થઈ એમા એક વખત પોલીસે ચોરને પકડ્યો હતો. પરંતુ મારા નુકસાનની કોઈ ભરપાઈ થઈ જ નથી. ગયેલો મુદ્દામાલ પાછો આયો જ નથી. હજી તો કાલે જ બધી મોંઘી ચોકલેટનો માલ ભર્યો હતો. આજે જ ચોરીની ઘટના બનતા આજે પશ્ચિમ પોલીસને જાણ કરતા જાતે પી.આઈ ઝાલા સ્થળ પર આવ્યા અને તપાસ હાથ ધરી છે. અને તસ્કરોને જલ્દી શોધી કાઢશે તેવું પણ જણાવ્યું છે. પણ ત્યાં સુધી ખાદ્ય પદાર્થ તો સગેવગે થઈ જાય. હવે ચોરીની ઘટનાથી કંટાળી ગયો છું. ના છુટકે મારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવી પડશે.."