આણંદ ટુડે I આણંદ,
મત્સ્યપાલન થકી દેશને આર્થિક રીતે સધ્ધર થવામાં સહયોગ આપતા મત્સ્યપાલકોની મહેનત અને કાર્યને બિરદાવવા દર વર્ષે ૧૦ મી જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આજે વાત કરીએ મત્સ્યપાલનની થકી આત્મ નિર્ભર બનેલા આણંદ જિલ્લાના બોરસદના ૩૫ વર્ષીય તહેજીબ ખાન પઠાણની ...
તહેજીબ ખાન પઠાણ વર્ષ ૨૦૧૪ સુધી સાઉદી અરેબિયામાં રહેતા હતા અને મહિને રૂપિયા ૫૦,૦૦૦ જેવી આવક મેળવતા હતા. સાઉદી અરેબિયામાં તેમને પાંચ વર્ષ જેટલો સમય પણ થઈ ગયો હતો એટલે તેઓ ત્યાં સેટ પણ થઈ ગયા હતા, પરંતુ જ્યારે કુટુંબની વાત આવે ત્યારે તેમને એવા વિચાર આવતા કે હું મારા કુટુંબ સાથે ઘરે જઈને ત્યાં કોઈપણ સારો બિઝનેસ કરીશ, તેમનો આ વતન પ્રેમ તેમને પાછો બોરસદ ખાતે લઈ આવ્યો.
બોરસદ આવ્યા બાદ ઘણું લાંબુ વિચાર્યા બાદ તેમણે તેમના કાકા કે જેઓ છેલ્લા ૪૦ વર્ષથી માછલી ઉછેરનો ધંધો કરે છે તેમની પાસે જઇ મત્સ્યપાલનના ધંધા વિશેની જાણકારી મેળવી. જાણકારી મેળવ્યા બાદ તેમને લાગ્યું કે આ ધંધો ઘણો સારો છે અને આ ધંધાનું ભવિષ્ય ઉજળું છે. આ ધંધામાં મહેનત તો છે પણ સરકાર તરફથી પ્રોત્સાહન પણ મળે છે.
તહેજીબ ખાન પઠાણે મત્સ્ય ઉદ્યોગ ખાતાનો સંપર્ક કરતા તેમને જાણવા મળ્યું કે, મત્સ્ય ઉદ્યોગ ખાતા દ્વારા મત્સ્ય પાલનનો ધંધો શરૂ કરવા ઇચ્છતા લોકોને રહેવા-જમવાની વ્યવસ્થા સાથેની તાલીમ ઉપરાંત સ્ટાઈપેન્ડ અને સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે. આથી તેમણે મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા આપવામાં આવતી તાલીમ મેળવીને મત્સ્યપાલનાના ધંધામાં ઝંપલાવ્યું.
તહેજીબ ખાન પઠાણે જણાવ્યું કે, મને માછલી ઉછેરના વ્યવસાય માટે મારા કાકાએ ઘણું માર્ગદર્શન આપ્યું અને મેં અત્યાર સુધીમાં ૧૫ વખત મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા આપવામાં આવતી તાલીમ મેળવી છે અને હું હાલમાં બોરસદ ખાતે મારી પ્રાઇવેટ નર્સરી પણ ચલાવું છું, જેમાં દોઢ વીઘામાં મચ્છીના બીજનું ઉત્પાદન કરું છું. જેના થકી મને રૂ. ત્રણ લાખ જેટલી આવક થાય છે. આ ઉપરાંત મેં મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા મને ઇજારા પર મળેલ બોરસદ તાલુકાના સિંગલાવ અને પામોલ ગામ ખાતેના બે તળાવો કે જે બે હેક્ટરના છે તેમાંથી ચાર ટન જેટલી માછલીનું ઉત્પાદન થાય છે. એક ટનના અંદાજિત રૂપિયા એક લાખની આવક થાય છે. આમ, મત્સ્ય પાલન કરવા માટે મને ઇજારા પર મળેલા આ બે તળાવમાંથી હું વર્ષે પાંચ થી છ લાખ જેટલી આવક મેળવું છું.
તહેજીબ ખાન તેમના સંઘર્ષ વિશે જણાવતા કહે છે કે, હું ફક્ત એસ.એસ.સી. પાસ છું, પરંતુ સખત મહેનત કરવામાં માનું છું. તેથી મને આ વ્યવસાય ખૂબ જ સારો લાગ્યો. આ બિઝનેસ કરવા માટે સરકાર તરફથી એટલી બધી સહાય આપવામાં આવે છે કે, કોઈપણ વ્યક્તિ જો જાતે મહેનત કરે તો કદાપી ખોટ જાય નહીં. હું જ્યારે ગલ્ફ કન્ટ્રીમાંથી આવ્યો ત્યારે હું કામ ધંધો શોધતો હતો ત્યારે મારું મન છેલ્લે આ વ્યવસાય પર વળ્યું. આ વ્યવસાયમાં ઘણો ફાયદો થયો છે. મત્સ્યપાલન માટે સરકાર તરફથી પૂરતી તાલીમની સાથે ૫૦ % થી વધુ સહાય પણ આપવામાં આવે છે, જેથી આ વ્યવસાયમાં કદી ખોટ જાય નહીં. હું હાલ આ વ્યવસાય સાથે પૂર્ણ સમય સંકળાયેલો છું, તેમજ હું મારા મમ્મી, પપ્પા, મારો ભાઈ, મારી પત્ની અને ત્રણ બાળકો શાંતિથી રહીએ છીએ અને ખૂબ મજાથી જીવન જીવીએ છીએ. કારણકે સાઉદી અરેબિયાથી વતન આવ્યા પછી મારે કામ કરવું હતું અને તેમાં પણ સરકારે મને ખૂબ સહાય કરી તેથી મારો વતન પ્રેમ અને કુટુંબની સાથે રહેવાનું સપનું સાકાર થયું.
તહેજીબ ખાન સરકારનો આભાર વ્યક્ત કરતા કહે છે કે, સરકારના મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા મળતી વિવિધ સહાય અને વિવિધ તાલીમ દ્વારા આજે હું આત્મનિર્ભર બન્યો છું, એટલે ખરેખર સરકાર અને મત્સ્યોદ્યોગ વિભાગનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું.
*****