આલેખન - જનક ઠેસિયા
આણંદ, રવિવાર
રાજયમાં વસતા પ્રત્યેક પરિવારો આર્થિક રીતે સમૃધ્ધ બની રાજયના વિકાસમાં સહભાગી બને તે માટે ગુજરાત સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. શહેરોથી લઈને ગામડાઓ સુધી અને તેનાથી પણ આગળ જઈએ તો અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતાં, દરિયા કાંઠાના વિસ્તારોમાં વસતા પરિવારોની પણ ચિંતા કરી સરકારે તેના માટે, તેના પરિવારના જીવન નિર્વાહ માટે તે રોજીરોટી મેળવી શકે તે માટે યોજનાઓ બનાવી છે. એટલું જ નહી પરંતુ આ યોજનાઓના સચોટ અમલીકરણના ફળસ્વરૂપે આજે દરિયાકાંઠા વિસ્તારમાં વસતા સાગર ખેડૂ પરિવારો અને મત્સ્યપાલનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા અનેકવિધ પરિવારો આર્થિક રીતે સમૃધ્ધ બન્યા છે.
આણંદ જિલ્લાની વાત કરીએ તો, આ જિલ્લામાં અનેક બારમાસી તળાવો આવેલા છે, જેમાં મત્સ્યપાલનની વિપુલ તકો રહેલી છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ તળાવોમાં મત્સ્યપાલનની પ્રવૃત્તિ કરવામાં આણંદ જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે. જિલ્લામાં મત્સ્યપાલનની વિપુલ તકોને ધ્યાને લઈ મત્સ્ય ખેડૂત વિકાસ સંસ્થાના ચેરમેનશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની મંજૂરીથી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી દ્વારા મત્સ્યપાલકોને મત્સ્યપાલનની પ્રવૃત્તિ કરવા માટે સરકાર દ્વારા નિર્ધારિત કરેલા નિયમોનુસારની રકમ મુજબ પાંચ વર્ષ માટે આ તળાવો ઇજારા ઉપર આપવામાં આવે છે. એટલું જ નહી પરંતુ આ તળાવોમાં ઈજારેદારની કામગીરી યોગ્ય જણાય તો તેનો ઈજારો વધારાના પાંચ વર્ષ માટે રીન્યુ પણ કરી આપવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપાના દ્વારા હાલમાં જ આણંદ જિલ્લાના ૪૭ જેટલા તળાવોને બીજા તબક્કાના પાંચ વર્ષ માટે રિન્યુ કરી આપવામાં આવ્યા છે.
ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીએ આણંદ જિલ્લામાં બારમાસી તળાવોની સંખ્યા વધારે હોવાથી આ તળાવો મત્સ્યપાલનની પ્રવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી છે. જેને ધ્યાને લઈ મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ ગામો ખાતે આવેલ આ તળાવોને જો ગ્રામ પંચાયતની સહમતી હોય તો મત્સ્યપાલનની પ્રવૃત્તિ માટે ઈજારા ઉપર આપવામાં આવે છે. અને આ ઈજારાની રકમની ૯૦ ટકા રકમ સબંધિત ગ્રામ પંચાયતોને વિકાસ કામો માટે ચૂકવવામાં આવે છે.
આણંદ જિલ્લામાં આવેલ આ બારમાસી તળાવો પૈકી ગ્રામ પંચાયતોની સહમતીથી ૪૦૦ થી વધુ ગામ તળાવોને મત્સ્ય પાલન માટે ઇજારા પર આપવામાં આવ્યા છે, જેમાં આણંદ તાલુકાના ૯૬, ઉમરેઠ તાલુકાના ૩૯, બોરસદ તાલુકાના ૯૩, આંકલાવ તાલુકાના ૨૬, સોજિત્રા તાલુકો ૪૪, તારાપુર તાલુકાના ૧૨, પેટલાદ તાલુકાના ૭૧ અને ખંભાત તાલુકાના ૪૮ તળાવો મળી જિલ્લામાં ૪૨૯ તળાવોને મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ માટે ઇજારા પેટે આપવામાં આવ્યા છે.
જિલ્લામાં ઈજારા ઉપર આપવામાં આવેલ આ તળાવોના ઇજારા પેટે આવેલ રકમ પૈકી ૯૦ ટકા રકમ સબંધિત ગ્રામ પંચાયતોને આપવામાં આવે છે, જે મુજબ જોઈએ તો આ ૪૨૯ તળાવોના ઈજારાની રકમની ૯૦ ટકા રકમ એટલે કે, અંદાજીત રૂપિયા ૪ કરોડ જેટલી રકમ નિયમોનુસાર સંબંધિત ગ્રામ પંચાયતને ફાળવવામાં આવે છે. આ રકમનો જિલ્લાની ગ્રામ પંચાયતો ગામના વિકાસ કામો માટે ઉપયોગ કરે છે. આમ, ગ્રામ્ય વિસ્તારો તળાવોમાં મત્સ્યપાલન પ્રવૃત્તિના કારણે ઉભી થતી આવકના પરિણામે સમૃધ્ધિની દિશામાં ઝડપભેર આગળ વધી રહયાં છે.
જિલ્લામાં મત્સ્યપાલનની પ્રવૃત્તિને વેગ આપવા માટે જિલ્લા કલેકટર શ્રી ડી.એસ. ગઢવી દ્વારા વડગામ પાસેના નવાગામ બારા ખાતે મત્સ્યોદ્યોગ માટે વ્યક્તિગત લાભાર્થીઓને ૫-૫ હેક્ટરના કુલ ૪૫ પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જ્યારે મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓને ૧૫-૧૫ હેક્ટરના કુલ ૭ પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેના થકી મત્સ્ય પાલકો ઝીંગા ઉછેર કરીને આર્થિક રીતે પગભર થવાની સાથે દેશ માટે વિદેશી હુંડિયામણ લાવવામાં પણ સહભાગી બનશે તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી આર.પી. સખરેલીયાએ જણાવ્યું છે.
*****