આણંદ -રવિવાર
સમગ્ર વિશ્વમાં વસતા કેથોલિક ક્રિશ્ચિયનોના વડા ધર્મગુરુ એટલે પોપ. જેઓ ઇટાલી ખાતે આવેલ રોમ -વેટીકન સીટી ખાતે રહે છે. વડા ધર્મગુરુ યોહાન પાઉલ બીજા ૧૯૭૮ થી વર્ષ ૨૦૦૫ સુધી પોપ તરીકે રહ્યા હતા. ૨ જી એપ્રિલ ૨૦૦૫ ના રોજ તેઓ મૃત્યુ પામ્યા હતા. સૌથી નાની વયે પોપ બનનાર વડા ધર્મગુરુ યોહાન પાઉલ હતા તેમણે ૨૭ વર્ષ સુધી સમગ્ર વિશ્વના કેથોલિક સંપ્રદાયના વડા તરીકે કામ કર્યું. તેઓ મૃત્યુ પામ્યા બાદ ૧૯ ડિસેમ્બર ૨૦૦૯ ના રોજ તેમને સુધન્ય જાહેર કરવામાં આવ્યા. સુધન્ય એટલે કે સંત.. તેઓ જ્યારે વડા ધર્મગુરુ હતા તે ૨૭ વર્ષ દરમિયાન તેમણે વિશ્વના ૧૨૯ દેશોની મુલાકાત લઈને વિશ્વ ભાવના દ્રઢ કરવા પ્રયાસ કર્યો હતો. તેઓ મૂળ પોલેન્ડ દેશના વતની હતા, ઇટાલી દેશના ના હોય તેવા બીજા પોપ હતા. તેમનું મૃત્યુ થયું અને ત્યારબાદ તેમના અનુગામી બેનેદીકત ૧૬ માં એ તેમને સંત જાહેર કર્યા બાદ તેમના અવશેષો એટલે કે તેઓ તેમની પાસે જે પ્રભુ ઈસુનો ક્રોસ રાખતા હતા તે જાહેર દર્શનાર્થે લાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જિસસ યુથ દ્વારા ગુજરાત રાજ્યના કેથોલિક સંપ્રદાયના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ ધમૅ પ્રાંતના અલગ અલગ તાંબાઓ ખાતે આ પવિત્ર અવશેષો લઈ જઈને જાહેર દર્શન કરાવવા માટે સ્વર્ગસ્થ વડા ધર્મગુરુ સંત યોહન પાઉલ બીજાના પવિત્ર ક્રોસ- અવશેષ આજે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા- જીટોડીયા ખાતે લાવવામાં આવ્યા હતા. આ પહેલા સવારે સેન્ટ ઝેવિયર્સ ચર્ચ ગામડી ખાતે પણ પ્રાર્થના આરાધના કરવામાં આવી હતી, ત્યારબાદ ચાવડાપુરા-જીટોડીયા ચર્ચ ખાતે, ત્યારબાદ સેન્ટ મેરી ચર્ચ,નડિયાદ ખાતે અને ત્યારબાદ વડોદરા ધર્મ પ્રાંત ખાતે જાહેર દર્શન નો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ખ્રિસ્તી બંધુઓએ હાજર રહીને સ્વર્ગસ્થ વડા ધર્મગુરુ સંત યોહાન પાઉલ બીજાના ક્રોસ ને નમન કરીને પૂજા અર્ચના કરી હતી. ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ ફાધર પ્રદીપ અરોરા, ફાધર વિજય અને ફાધર ઝેવિઅર દ્વારા ગામડી ચર્ચ ખાતેથી આવેલ પવિત્ર ક્રોસ અવશેષને સ્વીકારી નમન કરી ચાવડાપુરા ચર્ચ ખાતે લઈ જઈને ધર્મબંધુઓના જાહેર દર્શન માટે મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને જણાવ્યું કે તેઓ જ્યારે વડા ધર્મ ગુરુ હતા ત્યારે તેમણે સમગ્ર વિશ્વમાં પ્રવાસ કરીને યહૂદી ધર્મ, ઇસ્લામ ધર્મ અને પૂર્વીય ઓર્થોડોક્સ ચર્ચ સાથે કેથોલિક ચર્ચના સંબંધો પ્રેમ ભર્યા રહે તે માટેના પ્રયત્નો કર્યા હતા. તેમણે પ્રેમ, શાંતિ અને ભાઈચારો જીવનમાં અપનાવવા અપીલ કરી હતી.
સ્વર્ગસ્થ વડા ધર્મગુરુ સંત યોહાન પાઉલ બીજાના અવશેષો ભારતના બીજા રાજ્યોમાં પણ લઈ જવામાં આવનાર છે, આ સમગ્ર કાર્યક્રમ જિસસ યુથ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આજે ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને સ્વર્ગસ્થ પોપ યોહાન પાઉલ બીજાના જીવનમાંથી પ્રેરણા લઈને પોતાનું જીવન શ્રેષ્ઠ કઈ રીતે જીવી શકાય અને એક ખ્રિસ્તી તરીકે કેવી રીતે પ્રેમ શાંતિ અને ભાઈચારો કેળવી શકાય તે શીખ લેવા માટે પણ ધર્મબંધુઓને ઉપદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં ફાધર, સિસ્ટર ઉપરાંત ધર્મજનો મોટી સંખ્યામાં હાજર રહીને પવિત્ર ક્રોસ- અવશેષોનું નમન કરીને દર્શનનો લાભ અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
********