AnandToday
AnandToday
Sunday, 02 Jul 2023 18:30 pm
AnandToday

AnandToday

ગામના લોકોને માત્ર રૂપિયામાં મળી રહ્યું છે ૨૦ લીટર RO નું શુદ્ધ પાણી...

‘વિલેજ’ માંથી ‘સ્માર્ટ વિલેજ’ બન્યું નાર ગામ

નાર : આધુનિક ભારતના ગામડાંઓની બદલાતી તસવીર

આણંદ, 
જ્યાં રૂપિયા એકાદ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયું છે, બાલમંદિરનું આધુનિક ભવન... જ્યાં રૂપિયા ૪ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે, સંપૂર્ણ વાતાનુકુલીન વૃંદાવન વાડી... જ્યાં રૂપિયા ૩૦ લાખથી વધુના ખર્ચે ઊભું કરવામાં આવ્યું છે, આધુનિક ગેસી ફાયર સ્મશાન ગૃહ... જ્યાં આવેલી છે, ૩ નેશનલાઈઝ અને ૧ સહકારી બેંક તથા બે કો-ઓપરેટિવ સોસાયટીઓ... જ્યાંના લોકોને માત્ર ૩ રૂપિયામાં મળી રહ્યું છે ૨૦ લીટર RO નું શુદ્ધ પાણી... જ્યાં ઉપલબ્ધ છે, મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ વાંચનાલયની વિશેષ સુવિધા... જ્યાં લોકોની આરોગ્ય સુખાકારી માટે ઉભા કરાયા છે, આરોગ્ય કેન્દ્રના આધુનિક મકાન....

કરોડો રૂપિયાના ખર્ચે લોકસુખાકારી અર્થે ઉભી કરવામાં આવેલી ઉપરોકત માળખાકીય સુવિધાની વિગતો વાંચતા જ આપણા મનો:ચક્ષુ સમક્ષ ૨૧મી સદીના કોઈ આધુનિક શહેરનું દ્રશ્ય ઊભું થાય તે સ્વાભાવિક છે. પરંતુ ના, આ કોઈ આધુનિક શહેરની વાત નથી. આ વાત છે, આજના વિકસિત ભારત રાષ્ટ્રના ગૌરવવંતા ગુજરાતના આધુનિકતા સાથે કદમ મિલાવતા અને ગાંધીજીની પરિકલ્પનાને સાકાર કરતા આણંદ જિલ્લાના નાર ગામની.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ગામોને શહેરો સમકક્ષ સ્માર્ટ, સસ્ટેઈનેબલ અને સુવિધાયુક્ત બનાવવાની નેમ સાથે આપેલા "રૂર્બન- આત્મા ગામનો સુવિધા શહેરની" વિચારને સાચા અર્થમાં સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં સ્માર્ટ વિલેજ યોજનાને વધુ વ્યાપક સ્વરૂપે વિસ્તારી છે. જેના પરિણામ સ્વરૂપ મુખ્યમંત્રીશ્રીના દિશા દર્શનમાં તૈયાર થયેલ સ્માર્ટ વિલેજ યોજનામાં ગુજરાતના અન્ય ગામોની સાથે આણંદ જિલ્લાના આ નાર ગામની પસંદગી કરવામાં આવી છે, ત્યારે આવો જાણીએ નાર ગામની ‘ગામડા’માંથી ‘સ્માર્ટ વીલેજ’ બનવા સુધીની વિકાસયાત્રાને....

આણંદ જિલ્લાના વાસદ-તારાપુર હાઇવેથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલ આ આધુનિક ગામમાં દાખલ થતા જ સ્વચ્છતાની સાથે પાકા રસ્તાથી જોડાયેલા તેના વિસ્તારો સવિશેષ ધ્યાન ખેંચે છે. ગામમાં દાતાના સહયોગથી ઊભા કરવામાં આવેલા ભવ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશતાની સાથે જ લોકોની આરોગ્ય સુખાકારી માટે સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલ આરોગ્ય સુવિધા અને તેમાં મળેલા દાતાના સહયોગના સાક્ષીરૂપ ભવનમાં આરોગ્યની ચકાસણી અર્થે આવેલા લોકોને જ જોઈને ખ્યાલ આવી જાય કે, આ સરકારી આરોગ્ય કેન્દ્ર લોકો માટે કેટલું અસરકારક સાબિત થઈ રહ્યું છે. એટલું જ નહી પરંતુ નારના લોકોને સારા-નરસા પ્રસંગોની સાથે સરકારની યોજનાના લાભો માટે જ્યાં સતત જવું પડતું હોય છે, તેવા ગ્રામ પંચાયતના આધુનિક વાતાનુકુલીન ભવનને જોઈને શહેરોમાં જોવા મળતા આધુનિક જીવનશૈલીને અનુરૂપ મકાનોની યાદ તાજી થયા વિના ન રહે.

અંદાજે ૬ હજારની વસ્તી ધરાવતા નાર ગામની છેલ્લા બે દાયકાની વિકાસયાત્રાને વર્ણવતા ગામના તલાટી મેહુલભાઈ વાઘેલા કહે છે કે, આ ગામમાં છેલ્લા ૨૦ વર્ષોમાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા ૮ કરોડથી વધુના ખર્ચે લોક સુખાકારીના કામો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આ ગામના ૧૮૦૦ થી વધુ પરિવારો આજે વિદેશમાં વસે છે. ગામમાં છેલ્લા બે દાયકામાં થયેલા માળખાકીય વિકાસના કાર્યોના પરિણામે વર્ષોથી પોતાના વતનથી દૂર રહેલા આ લોકો પણ હવે નાર ગામમાં આવતા થયા છે. તેમના સામાજિક પ્રસંગો ગામમાં આવેલ આધુનિક વૃંદાવન વાડીમાં યોજીને ગામના વિકાસમાં યથાયોગ્ય દાન-ફાળો આપી સહભાગી બની રહ્યા છે.

નારના વિકાસની વાત કરીએ તો આ ગામના તમામ વિસ્તારો સી.સી. રોડ તેમજ પેવર બ્લોકથી જોડાયેલા છે. ગામની સફાઈ અને પીવાના પાણીના કાર્યને પ્રાથમિકતા આપી દરરોજ રાત્રે નિયમિત ગામની સફાઈ કરવાની સાથે લોકોના ઘરના કચરાનું પણ ડોર ટુ ડોર જઈ કલેક્શન કરી નિયત ડમ્પ સાઈટ ઉપર તેનો નિકાલ કરવામાં આવે છે. ગામમાં ૪ જાહેર શૌચાલયોની સાથે ભૂગર્ભ ગટર યોજના પણ કાર્યરત છે. ગામની સ્વચ્છતાને ધ્યાને લઈ આ ગામને ૨૦૦૮ ના વર્ષમાં નિર્મળ ગ્રામ પુરસ્કાર પણ મળ્યો છે. ગ્રામજનોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાંચ વોટરવકર્સ અને ઊંચી ટાંકીના માધ્યમથી પ્રત્યેક ઘરને નલ સે જલ પૂરું પાડવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ ગ્રામજનોને પાણીજન્ય રોગોથી બચાવવા માટે ગ્રામ પંચાયતે નારમાં બે આર.ઓ. પ્લાન્ટ પણ ઉભા કર્યા છે. આ બંને આર. ઓ. પ્લાન્ટમાંથી લોકોને પીવા માટે નજીવી કિંમતે મિનરલ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હવે રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ યોજનામાં નાર ગામનો સમાવેશ થતા આ યોજના અંતર્ગત મળનાર પાંચ લાખની ધન રાશીમાંથી ગ્રામ પંચાયતના જુના રેકોર્ડ સારી રીતે સચવાય તે માટે આધુનિક રેકોર્ડરૂમ ઊભા કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

નારમાં શૈક્ષણિક સુવિધાઓ પણ ખૂબ સારી ઉપલબ્ધ બની છે. ગામમાં ત્રણ સરકારી પ્રાથમિક શાળા ઉપરાંત બે ખાનગી શાળાઓ પણ આવેલી છે. આ ઉપરાંત એક સરકારી માધ્યમિક શાળા અને વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળા પણ આવેલી છે. ગામમાં જ ધોરણ ૧૨ સાયન્સ સુધીની શિક્ષણ સુવિધા ઉપલબ્ધ બનતા હવે આ ગામના દીકરા - દીકરીઓને બહાર ભણવા માટે જવું નથી પડતું.

ગામના વિકાસની સાથે ગ્રામજનોના જીવન ધોરણમાં આવેલો બદલાવ પણ ઉડીને આંખે વળગે તેવો છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ગામમાં એક દૂધ મંડળી આવેલી છે. આ દૂધ મંડળીના અંદાજિત ૩૫૦ જેટલા સભ્યો દ્વારા રોજનું અંદાજિત ૨ હજાર લીટર દૂધ ભરવામાં આવે છે. જેની સામે દૂધ મંડળી દ્વારા દર ૧૦ દિવસે અંદાજિત ૧૦ થી ૧૧ લાખ રૂપિયાનું ચુકવણું પશુપાલકોને દૂધની રકમ પેટે કરવામાં આવે છે. ગ્રામજનોના જીવનમાં આવેલા આર્થિક બદલાવના પરિણામ સ્વરૂપ આ ગામમાં આજે ૩ નેશનલાઈઝ અને ૧ સહકારી બેંક તથા બે કો-ઓપરેટીવ સોસાયટીઓ કાર્ય કરી રહી છે.

નાર ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય નિલેશભાઈ પટેલ કહે છે કે, ગામના લોકોની સમસ્યાઓના નિરાકરણની સાથે તેમને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો મળી રહે તે માટે પંચાયતના સભ્યો સતત જાગૃત રહી કાર્ય કરે છે. આ ઉપરાંત ગામમાં દર ત્રણ વર્ષે નાર ડે ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં નારના જે લોકો વિદેશ સ્થાયી થયા છે તે અહીં આવે છે, સૌ સાથે મળી ગામના વિકાસ માટે આયોજન કરીએ છીએ, ગામના વિકાસ માટે જરૂર જણાય તો વિદેશ વસતા નારના દાતાઓ તરફથી દાન પણ પ્રાપ્ત થાય છે. આવી જ કઈંક વાત નારના રહેવાસી હિતેન્દ્રભાઈ પટેલ જણાવે છે. તેમના મતે ગામની અંદર વિકાસના જે કામ થયા છે કે થઈ રહ્યા છે, તેમાં સરકારની સાથે નાર ગામના વિદેશ વસતા દાતાઓ પણ સહભાગી બન્યા છે. જેના કારણે અહીં આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ સારું કાર્ય થયું છે. ગામમાં આજે સારામાં સારી સુવિધાઓ ઉપલબ્ધ બની છે.

નાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. મનીષ શાહ કહે છે કે, નાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તેની નીચે આવતા ૧૦ ગામોમાં સારામાં સારી આરોગ્ય લક્ષી સેવા પૂરી પાડવામાં આવે છે. ગામમાં આ સરકારી આરોગ્ય કેન્દ્ર ઉપરાંત બે ખાનગી દવાખાના પણ આવેલા છે.

નાર ગામને અડીને આવેલી ગોકુલધામ - નાર સંસ્થાના સંચાલક સુકદેવપ્રસાદદાસે જણાવ્યું હતું કે, નાર સંસ્થામાં નાર ગામના લોકોને રોજગારી આપવાની સાથે તેમની આરોગ્ય - શૈક્ષણિક જરૂરિયાતોની પૂર્તીનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે.

આમ જોવા જઈએ તો, નાર ગામની ‘વિલેજ’ માંથી ‘સ્માર્ટ વિલેજ’ બનવા સુધીની સફરમાં સરકારની સાથે દાતાઓ અને સંસ્થાનો ફાળો જેટલો મહત્વપૂર્ણ રહ્યો છે, તેટલો જ મહત્વપૂર્ણ ફાળો ગ્રામજનોનો પણ રહ્યો છે. નાર ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ સેન્ટરના માધ્યમથી ગ્રામજનોને તમામ પ્રકારની સુવિધાઓની સાથે ગ્રામ પંચાયત દ્વારા લોકોના કામ સમયસર થાય તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેનાથી ગ્રામજનોને સંતોષ છે. જેના કારણે ગ્રામજનો પણ સમયસર વેરા ભરી ગામના વિકાસમાં સહભાગી બની રહ્યા છે. આજ છે, આધુનિક ભારતના ગામડાઓની બદલાતી તસવીર.
*****