AnandToday
AnandToday
Sunday, 25 Jun 2023 18:30 pm
AnandToday

AnandToday

ચાલુ વરસાદે પણ પશુ સેવાની ઉત્તમ કામગીરી કરતું આણંદ જિલ્લાનું ફરતું પશુ દવાખાનું

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત પશુ પાલન વિભાગના સહયોગથી ચાલતી નિઃશુલ્ક પશુસેવા

જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૮૧,૪૨૬ પશુઓની સારવાર કરવામા આવી

આણંદ,

આણંદ જિલ્લામાં ૧૦ ગામ દિઠ એક ફરતું પશુ દવાખાનું કાર્યરત છે, જે નિર્ધારિત કરેલ ગામમાં પશુ સારવારની નિઃશુલ્ક સેવા આપે છે. આ ફરતા પશુ દવાખાનાઓમાનું એક એવું ઉમરેઠ તાલુકાના પણાસોરા ખાતેનું ફરતું પશુ દવાખાનું. આ ફરતા પશુ દવાખાના દ્વારા ધોધમાર વરસાદ વચ્ચે એક ભેંસની સારવાર કરીને નવજીવન આપવામાં આવ્યું છે. 

ઉમરેઠ તાલુકાના ઝાલાબોરડી ગામના સિમ વિસ્તારમાં એક પશુપાલકની ભેંસને શીંગડામાં ખુબ ઇજા પહોંચી હતી. આ સમયે ફરતા પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ એજ ગામમાં શિડ્યૂલ સમય મુજબ ગામની દૂધ ડેરી પાસે હતી, આથી ભેંસના માલિકે જાણ કરતા એમ્બ્યુલન્સની ટીમે ચાલુ વરસાદે ભેંસની સારવાર કરીને નવજીવન આપ્યું હતું.

નોંધનીય છે કે, આણંદ તાલુકાના મોગર અને નાપાડ (તળપદ), આંકલાવ તાલુકાના બામણગામ, ઉમરેઠ તાલુકાના પણસોરા, ખંભાત તાલુકાના રાલજ તથા જીણજ તેમજ પેટલાદ તાલુકામાં પાળજ ખાતે એમ કુલ સાત ફરતા પશુ દવાખાના જિલ્લામાં કાર્યરત છે. જેના થકી  જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૮૧,૪૨૬ પશુઓની સારવાર કરવામા આવી છે. સારવાર કરવામાં આવેલ આ પશુઓ પૈકી ઇમરજન્સીમાં ૯,૧૬૪ જ્યારે ૧૦ ગામના શિડ્યુલ દરમિયાન ૭૨,૨૬૬ પશુઓને જરૂરી સારવાર અપાઈ છે.
*****