આણંદ ટુડે I આણંદ
આણંદ જિલ્લામાં વરસાદના પ્રારંભની સાથે જ જિલ્લાના ખેડૂતો દ્વારા ડાંગરના ધરુંના વાવેતરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દર વર્ષે સરેરાશ ૧.૧૬ લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે.
જિલ્લામાં વાવેતર થયેલ ડાંગર પૈકી અત્યાર સુધીમાં પેટલાદ તાલુકામાં ૫૫ હેક્ટરમાં ડાંગરના ધરૂનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય તાલુકાઓમાં પણ ડાંગરનું ધરું નાખવાનું અને ડાંગરનું વાવેતર હાલ શરૂ કરવામાં આવ્યું છે જે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થશે.
સારા વરસાદ બાદ ખેડૂતો વાવણીનો પ્રારંભ કરતા હોય છે. પેટલાદ તાલુકાના પીપળાવ ગામે રહેતા આવા જ એક ખેડૂત હર્ષદભાઈ પટેલ કહે છે કે, સારો વરસાદ થતાં મેં વાવણીનો પ્રારંભ કર્યો છે. હું મારી ૩૦ વીઘા જમીન પૈકી હું ૨૦ વીઘામાં ડાંગરનું વાવેતર કરવાનો છું. જ્યારે અન્ય જમીનમાં વરસાદ બંધ થયા બાદ બાજરીનું વાવેતર કરીશ. ઉલ્લેખનીય છે કે હર્ષદભાઈ ૨૦૦૨ના વર્ષથી પ્રાકૃતિક ખેતી- ગાય આધારિત ખેતી કરે છે, શાકભાજીમાં તેઓ ટામેટી, મરચી, દૂધી, કાકડી જેવા શાકભાજી ઉગાડે છે.
આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચિંતન પટેલના જણાવ્યા અનુસાર સમગ્ર જિલ્લામાં ચોમાસામાં અંદાજિત સરેરાશ ૧.૭૦ લાખ હેક્ટરમાં શાકભાજી, ડાંગર, કપાસ દિવેલા, બાજરી, ઘાસચારાના પાકોનું વાવેતર થાય છે, દિવેલાનું વાવેતર ૧૫ જુલાઈ પછી શરૂ કરવામાં આવે છે અને બાગાયતી પાક કેળનું વાવેતર પણ જુલાઈ માસના અંત સુધીમાં કરવામાં આવે છે.
*****