આવતીકાલે વિશ્વ યોગ દિવસ છે. ગ્રામ્ય સ્તરથી વિશ્વ સ્તર સુધી આ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવશે. પરંતુ, વડોદરા શહેરમાં એક ૮૪ વર્ષના વયોવૃદ્ધ એવા છે, જેમના અઘરા યોગાસનથી ભલભલા યુવા યોગ નિષ્ણાતો પર વિચારતા થઈ જાય છે.
વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતા ૮૪ વર્ષીય નટવરલાલ મિસ્ત્રીની યોગ સાધના કાબિલે તારીફ છે. તેઓ જ્યારે ૧૩ વર્ષના હતા, ત્યારે યોગ પ્રત્યે રુચિ વધતા શીર્ષાસનથી ચાલુ કરી હતી. તેમની યોગ સાધનાની આ યાત્રા છેલ્લા ૭૧ વર્ષથી અવિરત છે, અને હજુ પણ ચાલી રહી છે. વાત એટલી જ નથી, શરીરમાં બાયપાસ અને એન્જોપ્લાસ્ટી એમ બે-બે સર્જરી કરાવી હોય તો પણ યોગના સૌથી અઘરા મયુર આસન અને લોલાસન તેઓ એટલી સરળતાથી કરે છે કે યુવા યોગસાધકો પણ ભોંઠા પડે !
દરરોજ વહેલી સવારે પાંચ વાગ્યે એક કલાક યોગાભ્યાસ કર્યા બાદ તેઓ સાંજે નજીકના યોગ ક્લાસમાં જઈને લોકોને નિ:શુલ્ક યોગાસનો શીખવાડે છે. નટવરલાલ તો નિયમિત યોગ કરે જ છે, પરંતુ તેઓ તેમના પરિવારના તમામ સભ્યોને પણ યોગાભ્યાસ કરવા પ્રેરે છે. નિયમિત યોગથી થતા શરીરને અનેક લાભોથી આકર્ષિત થઈને તેમના સ્વજનો પણ નિયમિત યોગાસનો કરવા લાગ્યા છે.
સાંસદ યોગ સ્પર્ધા-૨૦૨૩ માં ૬૦+ વયજૂથમાં દ્વિતીય ક્રમાંક લાવીને એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત નટવરલાલ મિસ્ત્રીએ યોગને માનવીના જીવનની મુખ્ય ધરોહર ગણાવતા યોગની મહત્તા અને તેનાથી શરીર અને મનને થતા દુર્લભ લાભો વર્ણવ્યા હતા. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન યોગને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરાવવા બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, યોગ તન, મન અને શ્વાસને જોડી આપીને અનેક લાભ કરાવે છે. તેમણે યોગને જીવન જીવવાની કળા કહી અન્ય લોકોને યોગને જીવનનો અતૂટ ભાગ બનાવવા અને વિશ્વ યોગ દિવસ નિમિત્તે આયોજિત યોગિક કાર્યક્રમોમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.
00000