આણંદ,
આ વર્ષે સમગ્ર દેશમાં જી-૨૦ ગ્લોબલ સમિટની થીમ 'એક વિશ્વ, એક સ્વાસ્થ્ય' આધારિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે. સમગ્ર રાજ્યમાં પણ હર્ષોલ્લાસ સાથે 'વસુધૈવ કુટુમ્બકમ, હર ઘરના આંગણે યોગ'ના નારા સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ ઉજવાશે.
“૨૧ જુન વિશ્વ યોગ દિવસ” “वसुधैव कुटुम्बकम”ની થીમ આધારિત વૈશ્વિક ઉજવણી થઈ રહી છે ત્યારે આ કડીના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાએ અને જિલ્લાના આઈકોનિક સ્થળોએ થનારી ઉજવણીના સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી ડી. એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વલ્લભ વિદ્યાનગર ખાતેના શાસ્ત્રી મેદાનમાં થશે. આ કાર્યક્રમમાં અંદાજે ૩,૦૦૦ લોકો યોગાસન કરશે. આ ઉપરાંત જિલ્લાના આઈકોનિક સ્થળો ખાતે પણ આ કાર્યક્રમ યોજાશે. જિલ્લામાં ૧૧ નગરપાલિકા અને ૦૮ તાલુકાઓમાં પ્રાથમિક શાળા, હાઇસ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત નગરજનો આ કાર્યક્રમમાં સહભાગી બનશે. વિવિધ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, દિવ્યાંગજનો અને જનભાગીદારી થકી જિલ્લામાં ૧.૨૫ લાખ લોકોને આ કાર્યક્રમમાં જોડવાનું આયોજન છે. લોકો સ્વયંભૂ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાય અને 'એક વિશ્વ એક સ્વાસ્થ્ય'ના સંકલ્પ સાથે યોગ કરે.
આ કાર્યક્રમ તા.૨૧ જૂન, ૨૦૨૩ને બુધવારના રોજ વહેલી સવારે ૫-૪૫ વાગ્યાથી શરૂ થશે. જેમાં રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કાર્યક્રમનું પ્રસારણ અને યોગાભ્યાસ તેમજ મહાનુભાવોની હાજરીમાં યોગ કાર્યક્રમ યોજાશે સવારે ૬-૩૦ કલાક થી ૬- ૪૦ કલાક દરમિયાન મુખ્યમંત્રીશ્રીનું લાઈવ ઉદ્દબોધન, ત્યારબાદ ૬-૪૦ કલાકથી ૭-૦૦ કલાક દરમિયાન વડાપ્રધાનશ્રીનું લાઈવ ઉદ્દબોધન થશે અને સવારના ૭-૦૦ કલાકથી ૭-૪૫ કલાક સુધી યોગ શિક્ષક દ્વારા કોમન યોગા પ્રોટોકલ અભ્યાસ કરાવવામાં આવશે.
આ ઉપરાંત જિલ્લાના નાગરિકોને આ કાર્યક્રમમાં સહભાગી થવાની અપીલ કરતા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતુ કે, સમગ્ર જિલ્લામાં યોજાનાર આ કાર્યક્રમમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસે અને ત્યારબાદ નિત્યક્રમમાં લોકો યોગ અપનાવી અને નિરામય રહે તેવો પણ તેમણે અનુરોધ કર્યો છે.
*****