AnandToday
AnandToday
Saturday, 17 Jun 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની  કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ કરી સમીક્ષા 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં છેલ્લા નવ વર્ષમાં કેન્દ્ર સરકારની વિવિધ ગરીબ કલ્યાણ લક્ષી યોજનાઓના લાભો જન જન સુધી પહોંચ્યા છે- કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રીશ્રી ડૉ. ભાગવત કરાડે

આણંદ ટુડે I આણંદ
કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રીશ્રી ડૉ. ભાગવત કરાડે જણાવ્યું છે  કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં છેલ્લા નવ વર્ષમાં કેન્દ્ર સરકારની વિવિધ ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓના લાભો જન જન સુધી પહોંચ્યા છે. જેને પરિણામે ગરીબોનું જીવનધોરણ સુધરવાની સાથે તેઓ સમાજમાં સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે.

કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રીશ્રી ડૉ. ભાગવત કરાડે સરકીટ હાઉસ, આણંદ ખાતે આણંદ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી હતી.

કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રીશ્રી ડૉ. ભાગવત કરાડે કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવા અનુરોધ કરી પાત્રતા ધરાવતો એકપણ લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહે તે જોવા જણાવ્યું હતું. 

આણંદ જિલ્લામાં નવીન નિર્માણ પામનાર સિવિલ હોસ્પિટલ અંગે સિવિલ સર્જન શ્રી ડો. અમર પંડ્યાએ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ થનાર સેવાઓની મંત્રીશ્રીને જાણકારી આપી હતી. 

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો.પૂર્વી નાયકે પોષણ અભિયાનની વિગતો આપી હતી. લીડ બેંક મેનેજરે જિલ્લામાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના, સ્વનિધિ યોજના, જન ધન યોજના અંગે થયેલ કામગીરીની મંત્રીશ્રીને જાણકારી આપી, જિલ્લાની બેંકો દ્વારા આપવામાં આવતી લોન અંગેની પણ વિગતો આપી હતી. 

મુખ્ય જિલ્લા આરોગ્ય  અધિકારી ડો. કાપડિયાએ જિલ્લામાં આયુષ્માન ભારત કાર્ડની વિગતો આપતા તેના લાભાર્થી અને અત્યાર સુધીમા  ચૂકવવામાં આવેલ રકમ, આ ઉપરાંત પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજનાઓની પણ વિસ્તૃત વિગતો આપી હતી. 

પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન સ્કીમ અંગે પણ કલેક્ટરશ્રીએ મંત્રીશ્રીને પ્રેઝન્ટેશન દ્વારા વિગતો આપી હતી. 

પ્રારંભમાં  જિલ્લા કલેકટરશ્રી ડી.એસ.ગઢવીએ મંત્રીશ્રીને આવકારી આણંદ જિલ્લામાં ભારત સરકારની વિવિધ યોજનાઓની થયેલ પ્રગતિ અંગે મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. 

આ બેઠકમાં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, ધારાસભ્ય સર્વ શ્રી વિપુલભાઈ પટેલ અને શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રવિણકુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. વી. દેસાઈ, સિવિલ સર્જન શ્રી ડૉ. અમર પંડ્યા,  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. આર.બી.  કાપડિયા, લીડ બેંક મેનેજર શ્રી સહિત વિવિધ અમલીકરણ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.
*****