AnandToday
AnandToday
Friday, 16 Jun 2023 18:30 pm
AnandToday

AnandToday

ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગની સતર્કતાના કારણે જિલ્લાના વિદ્યાર્થીઓ સુરક્ષિત

વાવાઝોડામાં ૮ તાલુકાની ૧૭ જેટલી પ્રાથમિક શાળાઓની છતનાં નુકશાનનો સર્વે હાથ ધરી હકીકતલક્ષી અહેવાલ અને ખર્ચ અંગે વડી કચેરીને જાણ કરવામાં આવી

પ્રાથમિક શાળાઓમાં રજા હોવાના કારણે કોઈ જાનહાની ન થઈ

ખેડા

બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ખેડા જિલ્લામાં ૦૮ તાલુકાની ૧૭ જેટલી પ્રાથમિક શાળામાં છતને નુકશાન થયું હતું. પરંતુ જિલ્લા વહીવટી તંત્ર અને  જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ અગમચેતીના પગલાં રૂપે શાળાઓમાં રજા જાહેર કરેલ હોવાથી કોઈ જાનહાનિ થવા પામી નથી. 

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે નુકસાન પામેલ તમામ શાળાઓનો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી હકીકતલક્ષી અહેવાલ તથા અંદાજિત ખર્ચ અંગે પ્રાથમિક શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવેલ છે. 

ઉલ્લેખનીય છે કે બિપરજોય વાવાઝોડાની ખેડા જિલ્લામાં સંભવિત અસરને ધ્યાને લેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા તા. ૧૬ અને ૧૭ જૂનના રોજ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.  તા. ૧૯ જૂન, ૨૦૨૩ને સોમવારથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણમાં કાર્ય શરૂ કરવામાં આવશે.

000