AnandToday
AnandToday
Friday, 16 Jun 2023 18:30 pm
AnandToday

AnandToday

૬૧ વર્ષની ઢળતી ઉંમરમાં જીવનસાથીનો સાથ ગુમાવવાનો સતત ડર રહેવા લાગ્યો અને પછી શું થયું જાણો...

આણંદ ખાતેના મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલરે ૪૫ વર્ષીય લગ્નજીવનને તુટતા બચાવ્યું

આણંદ, 
આણંદ જિલ્લાના એક ગામમાં સંયુક્ત કુટુંબમાં રહેતા દંપતીના લગ્નજીવનને ૪૫ વર્ષ થયા છે. દંપતિએ પોતાના બાળકોના ભરણ પોષણ અને ઘરનું ગુજરાન ચલાવવા માટે ફેક્ટરીમાં મશીન પર કામ કરવું પડતું હતું. એક દિવસ ફેક્ટરીમાં કામ દરમિયાન મહિલાનો હાથ મશીનમાં આવી જતા મહિલાને પોતાના હાથ પર બે ઓપરેશન થયા. તેમનો દીકરો મોટો થતાં તેના લગ્ન કરાવ્યાં, પરંતુ ઘરમાં વહુ આવતા આ મહિલા સાથે ઘરમાં વર્તન બદલાવા લાગ્યું. ધીરે ધીરે પતિ સાથે ઝઘડા શરૂ થયા અને પીડિત મહિલાને ગાળો બોલી અપમાનિત કરવામાં આવતી હતી. દિવસેને દિવસે શારીરિક-માનસિક ત્રાસ વધતા, ઘરે સમજાવવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ ત્રાસ વધતાં મહિલાને મનમાં જીવનસાથીનો સાથ ગુમાવવાનો ડર સતત રહેવા લાગ્યો હતો. અંતે આ મહિલાએ કંટાળીને મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી કરતા મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર શ્રી ઈન્દીરાબેન પરમારે મહિલાની વાત સાંભળી કાઉન્સેલિંગ કર્યું હતું. 

આ મહિલાની ઉંમર ૬૧ વર્ષ છે. ઢળતી ઉંમરમાં જીવનસાથીનો સાથ ગુમાવવાનો ડર લાગતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશન સ્થિત મહિલા અને બાળ વિભાગ દ્વારા સંચાલિત પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટર ખાતે અરજી કરી હતી. અરજદાર મહિલાની અરજીને ધ્યાને લઈ મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલરે મહિલાના પતિ સાથે વ્યક્તિગત મીટિંગ કરીને અરજીને લગતી બાબતોની ચર્ચા કરી હતી, તેમજ તેમના દીકરાને પણ મહિલા સહાયતા કેન્દ્રએ બોલાવી માતાની સાર સંભાળ રાખવા સમજ આપી હતી. ત્યાર બાદ પતિ પત્ની સાથે ત્રણ વાર મીટિંગ કરીને પતિ પત્ની વચ્ચે ઊભી થયેલી અણસમજને દૂર કરવામાં આવી હતી. આ કાઉન્સેલિંગના પરિણામે મહિલાના પતિએ મારઝૂડ, ઝઘડો કરશે નહીં, મેણાટોણા મારેશ નહીં તેમજ પોતાની પત્નીને સારી રીતે સાચવશે તેમ જણાવ્યું હતું, તેથી બંને વચ્ચે સમાધાન થયું હતું.

આમ, વયોવૃદ્ધ ઉંમરે પહોચતા પતિનો સાથ સહકાર મળશે કે કેમ? આ પ્રશ્નથી માનસિક મૂંઝવણ અનુભવતા બહેનનું મહિલા સહાયતા કેન્દ્ર (પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર) ની મદદથી સુખદ સમાધાન થતાં અરજદાર મહિલાએ સેન્ટરનો આભાર માન્યો હતો. આ અરજદારનું ટેલિફોનિક ફોલોઅપ લેતા હાલ પતિ-પત્ની શાંતિથી રહે છે તેમજ તેમનો દીકરો પણ મકાનનું ભાડું ભરે છે અને સારી રીતે રાખે છે તેમ આ દંપતિએ જણાવ્યું હતું. 
*****