આણંદ,
બિપરજોય વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતની સાથે સાથે આણંદ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વાવાઝોડાને ધ્યાને લઈ આણંદ જિલ્લાના ખાસ કરીને ખંભાત અને તારાપુર તાલુકાના ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોના સ્થળાંતરની પરિસ્થિતિ ઉભી થાય તો તેવા સંજોગોમાં તેમને સલામત આશરો મળી રહે તે માટે શેલ્ટર હોમ પણ ઊભા કરવામાં આવ્યા હતા.
આણંદ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રમાંથી મળેલ વિગતો મુજબ બિપરજોય વાવાઝોડાના કારણે જિલ્લામાં થયેલ નુકશાનીના પ્રાથમિક અહેવાલો પ્રમાણે તા. ૧૬ મી જૂનના રોજ બપોરના ૧૨ કલાક સુધીમાં ભારે પવનના કારણે ખંભાત તાલુકામાં વીજ કરંટના કારણે ૧ માનવ મૃત્યુ અને બે વ્યક્તિને ઈજા થવા પામી છે, જ્યારે બોરસદ તાલુકામાં ૧ અને સોજીત્રા તાલુકામાં ૧ વ્યક્તિને ઈજા થવા પામી છે. જિલ્લાના ૨૭ જેટલા કાચા - પાકા મકાનોને નુકશાની થવા પામી છે.
*****