આણંદ,
લોકોને તેમના પ્રશ્નોનું ગામમાં જ નિરાકરણ મળી રહે તે માટે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલની સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટની કચેરી, આણંદને કરવામાં આવેલી રજુઆત થકી વાસદ ગ્રામ પંચાયત ખાતે સીટી સર્વે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ગામના લોકોને સીટી સર્વેને લગતા પ્રશ્નોનું ગામમાં જ નિરાકરણ મળી રહે તેમજ ગ્રામજનોના સમય અને શક્તિનો બચાવ થાય તે માટે વહીવટી તંત્રના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લામાં આ પ્રકારે યોજનાર આ પ્રથમ કેમ્પ છે, જેના માધ્યમથી ગામના લોકોને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન મળવાની સાથે અપીલ કરવાની થતી હોય તો તે અંગે પણ માર્ગદર્શન મળશે તેમ જણાવી, ઉપસ્થિત અધિકારીઓને લોકોના પ્રશ્નોનો સત્વરે નિકાલ થાય તે જોવા અનુરોધ કર્યો હતો.
આ કેમ્પ અંતર્ગત જે અરજદારોની અરજીનો નિકાલ થયો હતો, તેવા અરજદારોને સાંસદશ્રીના હસ્તે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી એકતાબેન, સીટી સર્વે કચેરીનો સ્ટાફ, ગામના વહીવટદાર, તલાટી કમ મંત્રી તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
*****