AnandToday
AnandToday
Monday, 12 Jun 2023 18:30 pm
AnandToday

AnandToday

કન્યા કેળવણી મહોત્સવ - શાળા પ્રવેશોત્સવ 

ભૂલકાઓને શાળા પ્રવેશ આપીને આજે જે બીજ રોપ્યું  છે, તેનું શાળા પરિવાર જતન કરે - નાયબ સચિવ શ્રી અંજનાબેન રાઠોડ

આઈ.બી. પટેલ વિદ્યાનગર અને સજના તલાવડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

આણંદ,
સમગ્ર રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ થયો છે, જે અંતર્ગત આજે પહેલા દિવસે આણંદ જિલ્લામાં શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મ.કી.વિદ્યાનગર, આઇ.બી.પટેલ, વિદ્યાનગર અને સજના તલાવડી પ્રાથમિક શાળાઓ ખાતે બાલવાટિકાના ૬૮ અને ધોરણ-૧ ના ૨૭ મળીને કુલ ૯૫ ભૂલકાઓને માર્ગ અને મકાન વિભાગના નાયબ સચિવ શ્રી અંજનાબેન રાઠોડએ શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે નાયબ સચિવ શ્રી અંજનાબેન રાઠોડએ જણાવ્યું હતું કે, આજે મારા હસ્તે જે ભૂલકાઓને બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવ્યો છે, તે બીજ મેં રોપ્યું છે, તેનું જતન કરવાની જવાબદારી હવે શાળાના શિક્ષકો અને તેમના વાલીઓની છે. જો સમાજ તેની યોગ્ય ભૂમિકા ભજવે તો બાળકોને આદર્શ બાળકો બનાવી શકાશે, તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે ગુણવત્તા સભર પ્રાથમિક શિક્ષણ આપવા માટે રાજ્ય સરકાર હંમેશા કટિબધ્ધ છે, જેના કારણે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, બાળકોને સ્વસ્થ રાખવા માટે સારો ખોરાક આપીને સારા સંસ્કાર આપીને અને સારું શિક્ષણ આપીને સારા વિદ્યાર્થી બને અને પોતાનું, પોતાના કુટુંબનું, રાજ્યનું અને દેશનું ગૌરવ બને તે જરૂરી છે. તેમ જણાવી તેમણે દરેક વ્યક્તિઓ પોતાનો રોલ યોગ્ય રીતે ભજવે તો આજનું બાળક દેશનું ઉજ્જવળ ભવિષ્ય બની શકશે તેમ પણ ઉમેર્યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં આઈ. બી. પટેલ વિદ્યાનગર પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ સૌનો આવકાર કર્યો હતો. આ તકે શાળાના બાળકોએ મનુષ્ય તુ બડા મહાન હૈ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. ધો.૧ થી ૫ માં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓનું પુસ્તકો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે દાતા શ્રી જગદીશભાઈ અને નયનાબેનનું શાલ ઓલાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધોરણ-૬ ની વિદ્યાર્થીની અંકિતાએ સ્વચ્છતા અંગે, ધોરણ-૫ ની વિદ્યાર્થીની ભૂમિકા રાવલએ બેટી બચાવો અંગે, ધોરણ-૫ ની વિદ્યાર્થીની આયુષીએ જળ એ જીવન વિશે, ધોરણ-૮ ની વિદ્યાર્થીની દીપિકાએ વૃક્ષારોપણ અંગે અને વિદ્યાર્થી ઓમ સોલંકી એ સ્વચ્છતાનું મહત્વ અને ગંદકી રાષ્ટ્રીય રોગ છે તે વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

નાયબ સચિવ શ્રી અંજનાબેન રાઠોડ એ ૩ પ્રજ્ઞા વર્ગ અને ૧ સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરી શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ ગઢવી, વન અને પર્યાવરણ વિભાગ, ગાંધીનગરના નાયબ સેક્શન ઓફિસર શ્રી કમલેશભાઈ પટેલ, સી.આર.સી., પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, દાતાઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****