AnandToday
AnandToday
Monday, 12 Jun 2023 18:30 pm
AnandToday

AnandToday

બાળકોને રમતા-રમતા ભણવા, અને ભણવાની સાથે આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ.-આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવિણ કુમાર

આણંદ જિલ્લાની માધવપુરા, મોગર કન્યા શાળા અને રામનગરની શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવતાં આણંદ જિલ્લા પોલીસ વડાશ્રી પ્રવિણ કુમાર

આણંદ, 
આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ - કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવિણ કુમારે આણંદ જિલ્લાની માધવપુરા પ્રાથમિક શાળા, મોગર કન્યા શાળા અને રામનગરની શાળામાં જઈને પ્રવેશપાત્ર ભૂલકાઓને શૈક્ષણિક કીટ્સ આપી આંગણવાડી, બાલવાટિકા અને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ પ્રવેશ મેળવેલ ભૂલકાઓ સારૂ શિક્ષણ મેળવી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે બાળકો સાથે આત્મીયતાસભર સંવાદ કરતાં જણાવ્યું હતુ કે, શિખવાની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં ભૂલ થાય તો નિરાશ થવાની જરૂર નથી. તમારી આ ઉંમર એ ભણવાની સાથે રમવાની છે. અને તેથી જ રમતા-રમતા ભણવા અને ભણવાની સાથે આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ.

જિલ્લા પોલીસ વડાએ શાળામાં આવેલ સ્માર્ટ કલાસની મુલાકાત લઈ આ કલાસના માધ્યમથી બાળકો કેવી રીતે શિક્ષણ મેળવી રહયાં છે ? તથા સ્માર્ટ કલાસથી તેમના અભ્યાસમાં કેટલો સુધારો આવ્યો ? વગેરે બાબતે બાળકો અને તેમના શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો હતો. 

તેમણે બાળકોના અભ્યાસમાં શિક્ષકોની સાથે તેમના વાલીઓ પણ કેટલો રસ દાખવે છે અને શાળામાં અપાતા શિક્ષણથી ગામના લોકો તથા શાળામાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ કેટલા અવગત છે? તે જાણવા વાલી મીટીંગ યોજી ઉપસ્થિત વાલીઓ સાથે ચર્ચા – વિચારણા કરી તેમના બાળકોના અભ્યાસ માટે તેમના મોબાઈલમાં જી શાળાની એપ્લીકેશન ઈન્સ્ટોલ કરી તેનો ઉપયોગ કરવા તથા તેમના દિકરાની સાથે દિકરીઓ પણ સારૂ શિક્ષણ મેળવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવાની સાથે દિકરીઓ અધવચ્ચેથી શાળા છોડી ન જાય અને ભણી ગણીને તે આત્મનિર્ભર બને તે જોવા જણાવ્યું હતુ. 

શાળા પ્રવેશત્સોવના બીજા દિવસે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે માધવપુરા શાળા ખાતે ૨ (બે) બાળકોને આંગણવાડીમાં, ૬ બાળકોને બાલવાટિકામાં અને ૧ બાળકને ધોરણ - ૧ માં પ્રવેશ અપાયો હતો, તેવી જ રીતે મોગર કન્યા શાળા ખાતે ૪ બાળકોને આંગણવાડીમાં અને ૨૯ બાળકોનું બાલવાટિકામાં નામાંકન કરવામાં આવ્યું હતુ. જ્યારે રામનગર પ્રાથમિક શાળા ખાતે ૭ બાળકોને આંગણવાડીમાં, ૩૬ બાળકોને બાલવાટિકામાં અને ૪ બાળકોને ધોરણ - ૧ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ તથા તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓને સન્માનમાં આવ્યા હતા, તેમજ બાળકોની આરોગ્ય ચકાસણી કરીને આરોગ્ય કાર્ડ આપવામાં આવ્યા હતા.  

આ પ્રસંગે બી.આર.સી. કોર્ડીનેટર જલદીપ પટેલ, સી.આર.સી કોર્ડીનેટર અનિષબાનુ, સંબંધિત શાળાના આચાર્ય-શિક્ષકો, એસ.એમ.સી.ના અધ્યક્ષ-સભ્યો, ગ્રામજનો, વાલીઓ, વિદ્યાર્થિઓ, દાતાઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 
*****