નડિયાદ
સમગ્ર ગુજરાત રાજયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૩ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. આજે શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે નગર પ્રાથમિક શાળા નંબર ૧,૬,૭,૧૮,૨૩ ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩નો કાર્યક્રમ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સંતરામ ગર્લ્સ સ્કૂલ ખાતે યોજાયો હતો.
સાથેસાથે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના ડેપ્યુટી સેક્રેટરી શ્રી સુબોધ ડી.જોશીની અધ્યક્ષતામાં નડિયાદની મિશન રોડ ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર ૨૨માં શાળા પ્રવેશોત્સવ -૨૦૨૩ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના ગુજરાતના મુખ્મંત્રી તરીકેના સુવર્ણ કાર્યકાળને યાદ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવને આજે ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.ત્યારે ચાલુ વર્ષે બાળકોનું આંગણવાડી, બાલવાટિકા અને તથા ધોરણ-૦૧ના નામાંકન કરવામાં આવ્યું છે. શિક્ષણની નવી નીતિ અનુસાર બાળકો માટે આ વર્ષથી બાલવાટિકા શરૂઆત કરવામાં આવી છે. કેટલાક વિધાર્થીઓ ધોરણ 1 પ્રવેશ મેળવ્યો છે અને જે વિદ્યાર્થીઓ બાલવાટિકામાં પ્રવેશ મેળવ્યો છે તેમના માટે ભણતર ખૂબ રસપ્રદ રહે તે રીતે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. શ્રી દેસાઈએ વધુમાં જણાવ્યું કે બાળકોનું ભણતર ભાર વગરનું હોવું જોઈએ. બાળકને શાળામાં આવવાની ઉતાવળ હોય અને જવાની ઉતાવળ ન હોય તે રીતે ગમ્મત સાથે જ્ઞાન વિદ્યાર્થીઓને શિક્ષકોએ જ્ઞાન આપવું જોઈએ.
વધુમાં શ્રી પંકજભાઈ દેસાઈએ ઉમેર્યું કે નડિયાદ પ્રાથમિક શાળામાં વધુ નામાંકન આવે અને નડિયાદના નાગરિકો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવે એ દિશામાં શિક્ષકોએ પ્રયત્નો કરવા જોઈએ. સાથોસાથ ભણવામાં કમજોર બાળકો કેવી રીતે આગળ વધી પોતાનું અને દેશનું નામ રોશન કરી શકે છે તે માટે શાળાના શિક્ષકો અને આચાર્યોને સૂચનો આપ્યા હતા
આ સાથે કાર્યક્રમમાં નડિયાદ તાલુકા આર.બી.એસ.કે ટીમ દ્વારા વિદ્યાર્થીના આરોગ્યની તપાસ કરી તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યું હતું અને જો કોઈ વિદ્યાર્થી કુપોષિત હોય તો તેના મધ્યાન ભોજન પાર ધ્યાન આપી તેનો માસિક આરોગ્ય અહેવાલ રજુ કરવા શ્રી પંકજભાઈ દેસાઈ એ શાળાના શિક્ષકોને જણાવાયું હતું.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર -૨૨ માં સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના ડેપ્યુટી સેક્રેટરી શ્રી સુબોધ.ડી.જોશીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડેપ્યુટી સેક્રેટરીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શિક્ષણનું મહત્વ સમજાવતા શ્રી જોશીએ બાળકોના વાલીઓને જણાવ્યું કે આ બાળકે આજે આંગણવાડી,બાલવાટિકા અને ધોરણ -1માં પ્રવેશ મેળવ્યો છે આ બાળકો આવનારા સમયમાં ભારતના ઉચ્ચ સ્થાને જશે અને ભારતનું નામ રોશન કરશે. તેઓશ્રીએ શિક્ષકોને જણાવ્યું કે બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસવું બાળકને રસ જાગે તે રીતે અવનવી કળા દ્વારા શિક્ષણ આપવું અને સાથોસાથ મધ્યાન ભોજન જે સરકારી શાળાના બાળકો માટે આપવામાં આવે છે એમાં કોઈ બાળક વંચિત ન રહે તેની જવાબદારી આપ સૌ શિક્ષકોની છે.સાથોસાથ તેમને જણાવ્યું કે સંત,સાક્ષર,અને સરદારની ભૂમિમાં કોઈ પણ બાળક અધૂરી શિક્ષા ન મેળવે તેની ખાસ કાળજી લેવી આપ સૌ શિક્ષકોની જવાબદારી છે.
નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નંબર ૨૨ માં આજે આંગણવાડીમાં ૧૮, બાળવાટિકામાં ૦૯ અને ધો. ૦૧માં ૦૨ બાળકોએ મેળવ્યો પ્રવેશ અને ન.પ્રા.શાળા નં. ૧, ૧૬ અને ૨૪, માં આંગણવાડીમાં ૨૧ બાળકોએ પ્રવેશ લીધો અને બાલવાટિકામાં – ૩૨ બાળકો અને ધો.૧ માં – ૧૧ બાળકોએ પ્રવેશ લીધો.
કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓ આંગણવાડી,બાળવાટિકા, અને ધોરણ -૧માં પ્રવેશ મેળવ્યો હોય તેમને ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના ડેપ્યુટી સેક્રેટરી શ્રી સુબોધ.ડી.જોશીએ સ્કૂલ કીટ આપી બાળકોમાં નવી ઉર્જાનો સંચાર કર્યું હતું તેમજ જે વિધાર્થીઓ ભણવામાં અને શાળામાં સો ટકા હાજરી ધરાવતા બાળકોને ઇનામ આપી સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી રંજનબેન વાઘેલા, સાશનાધિકરી શ્રી, તેમજ શાળાના દાતાશ્રીઓ, શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા.