AnandToday
AnandToday
Sunday, 11 Jun 2023 18:30 pm
AnandToday

AnandToday

શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૩ પ્રથમ દિવસ 

રાષ્ટ્રનિર્માણ માટેનું પહેલું પગથિયું શિક્ષણ અને શિક્ષણ માટેનું પ્રથમ પગથિયું એટલે શાળા પ્રવેશોત્સવ - શિક્ષણ વિભાગના નાયબ સચિવ શ્રી હિતેશ ગોહેલ

ડભાસી, બોચાસણ અને હરિપુરા પ્રાથમિક શાળાના બાળકોનો આંગણવાડી-બાલવાટિકા-શાળા પ્રવેશ કરાવતા શિક્ષણ વિભાગના નાયબ સચિવશ્રી

આણંદ,
 "સૌ ભણે સૌ આગળ વધે" અને ભણવા માટે બાળકો પ્રોત્સાહિત થાય તે હેતુથી ૨૦ વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી, જેના ફળસ્વરૂપે આજે સરકારી શાળાઓમાં એનરોલમેન્ટ વધવાની સાથે ડ્રોપઆઉટ રેટ ઘટ્યો છે. સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવના તબક્કાની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ શ્રી હિતેશ ગોહેલ ઉપસ્થિત રહી ડભાસી, બોચાસણ અને હરીપુરા પ્રાથમિક શાળાના બાળકોનો આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ- ૧ માં પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે નાયબ સચિવ શ્રી હિતેશ ગોહેલ એ જણાવ્યું હતું કે, કોઈ પણ દેશના વિકાસમાં શિક્ષણ અને સહભાગીતા મહત્વનો ભાગ ભજવે છે. રાષ્ટ્રનિર્માણ માટેનું પહેલું પગથિયું શિક્ષણ છે અને શિક્ષણ માટેનું પ્રથમ પગથિયું શાળા પ્રવેશોત્સવ. શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર આણંદ જિલ્લો સહભાગીતા ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે. આણંદવાસીઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના "સૌનો સાથ સૌનો વિકાસ" વાક્યને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે.

નાયબ સચિવશ્રીએ શાળાના બાળકો સાથે સહજ સંવાદ કરી બાળકોનું પ્રોત્સાહન વધાર્યું હતું. તેમજ વાલીઓને તેમના બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃત બને તે જોવા અનુરોધ કર્યો હતો.

શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે શિક્ષણ વિભાગના નાયબ સચિવ શ્રી હિતેશ ગોહેલએ બોરસદ તાલુકાની ડભાસી, બોચાસણ અને હરીપુરા પ્રાથમિક શાળામાં બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ અને રમકડા આપીને આંગણવાડી, બાલવાટિકા અને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

આ તકે નાયબ સચિવ શ્રી એ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે શિક્ષણનું સ્તર વધુ ઊંચું લાવવા ચર્ચા-વિચારણા કરી હતી. કાર્યક્રમમાં અંતે શાળામાં સો ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ, તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓનું સન્માન, આધાર કાર્ડ અને આરોગ્ય કાર્ડનું વિતરણ, તેમજ મહાનુભાવના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ડભાસી પ્રાથમિક શાળામાં ૧૩ બાળકોને આંગણવાડીમાં, ૩૮ બાળકોને બાલવાટિકામાં અને ૪ બાળકોને ધોરણ-૧ માં પ્રવેશ અપાયો હતો. તેવી જ રીતે બોચાસણ પ્રાથમિક શાળામાં ૧૩ બાળકોને આંગણવાડીમાં, ૩૫ બાળકોને બાલવાટિકામાં અને ૧ બાળકને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં હતો. જ્યારે હરીપુરા પ્રાથમિક શાળામાં ૧૮બાળકોને બાલવાટિકામાં અને ૧ બાળકને ધોરણ-૧ માં પ્રવેશ અપાયો હતો.

આ પ્રસંગે બી.આર.સી-સી.આ.સી કોર્ડીનેટર, સંબંધિત શાળાના આચાર્ય-શિક્ષકો, એસ.એમ.સીના સભ્યો, દાતાશ્રી સહિતના મહાનુભાવો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
*****