AnandToday
AnandToday
Friday, 09 Jun 2023 18:30 pm
AnandToday

AnandToday

એક શિક્ષક ધારે તો શું કરી શકે ! તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોજીત્રા તાલુકાની ડાલી પ્રાથમિક શાળા


◆ અહીં દાતાઓના સહયોગથી છેલ્લા છ વર્ષથી શાળાના વિદ્યાર્થીઓને દરરોજ અમૂલ દૂધનું વિતરણ કરવામાં આવે છે.

◆ જિલ્લાની પ્રથમ એવી સ્કૂલ જેમાં તમામ વર્ગખંડોમાં ડિજિટલ માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે.

◆ દાતાઓના સહયોગથી બાળકોને ફળફળાદી અને કઠોળનો નાસ્તો આપવામાં આવે છે.

◆ હાજરી સુધારણા પ્રોજેક્ટ અંતર્ગત સો ટકા હાજરી ધરાવતા બાળકોનું દર મહિને સન્માન કરવામાં આવે છે.

◆ સી.સી.ટી.વી., બોર, આર. ઓ. અને કુલર, કન્યાઓ, કુમારો અને વિકલાંગો માટે અલગ અલગ સેનિટેશન, મધ્યાહન ભોજન રૂમ, કોમ્પ્યુટર લેબ વગેરે સુવિધાઓ સાથેનું અધ્યતન કેમ્પસ

આણંદ, 
"શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ દોનો ઉસકી ગોદમે પલતે હૈ" આચાર્ય ચાણક્યના આ વાક્ય પરથી શિક્ષકની અસાધારણ વિશેષતાનો અંદાજો લગાવી શકાય છે. શિક્ષક થકી જ ભાવિ પેઢીનું નિર્માણ થતું હોય છે. આવા ભવિષ્યના ઘડવૈયાઓ ધારે તો શું ના કરી શકે? એક શિક્ષક ધારે તો શાળાની કાયાપલટ કરવાની સાથે એવા વાતાવરણનું નિર્માણ કરી શકે જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક અભ્યાસ કરવા આવે. આજે વાત કરવી છે આવા જ એક શિક્ષક અને શાળાની.

સોજીત્રા તાલુકાની ડાલી પ્રાથમિક શાળામાં છ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા જીગ્નેશભાઈ પ્રજાપતિની શાળા પ્રત્યેની લાગણી અને આગવી કાર્યશૈલીની જિલ્લાકક્ષામાં જ નહીં, પરંતુ રાજ્યકક્ષાએ નોંધ લેવાઈ છે. જે બદલ તેમને વર્ષ ૨૦૧૯-૨૦ માં તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, વર્ષ ૨૦૨૦-૨૧ માં જિલ્લા શ્રેષ્ઠ
શિક્ષક પારિતોષિક, વર્ષ ૨૦૨૧-૨૨ માં 'રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' સહિત અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.

જીગ્નેશભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે હું આ શાળામાં આચાર્ય તરીકે જોડાયો ત્યારે, શાળામાં વિદ્યાર્થીઓને બેસાડવા માટે પૂરતા ઓરડા પણ નહોતા, નાનું ગામ અને સો વર્ષ કરતાં પણ વધુ જૂનું શાળાનું મકાન જેમાં વિદ્યાર્થીઓ માટે પૂરતી ભૌતિક સુવિધાઓ પણ નહોતી. પરંતુ આ નાના એવા ગામડાના વિદ્યાર્થીઓને શહેરો જેવું જ ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે દાતાઓના સહયોગથી શાળા માટે જમીનની વ્યવસ્થા કરી. જેમાં સરકાર દ્વારા ખૂબ જ સુંદર બાંધકામ કરી આપવામાં આવ્યું છે. અન્ય દાતાઓના સહયોગથી શાળામાં ધીરે ધીરે અનેક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આજે શાળામાં સી.સી.ટી.વી., બોર, આર. ઓ. અને કુલર, કન્યાઓ, કુમારો અને દિવ્યાંગો માટે અલગ અલગ સેનિટેશન, મધ્યાહન ભોજન રૂમ, કોમ્પ્યુટર લેબ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ આગામી સમયમાં પાણીની પરબ બનાવવાનું પણ આયોજન છે.

શિક્ષણમાં આવેલ બદલાવ વિશે વાત કરતા જીજ્ઞેશભાઈએ જણાવ્યું હતું કે, એક સમયે વિદ્યાર્થીઓને બેસવા માટે પણ પૂરતી વ્યવસ્થા ન હતી પરંતુ હવે ડાલી પ્રાથમિક શાળા જિલ્લાની પ્રથમ એવી સરકારી પ્રાથમિક શાળા છે, જ્યાં ધોરણ દીઠ ડિજિટલ વર્ગખંડો છે, જેમાં વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમથી મનોરંજનની સાથે અભ્યાસ કરાવવામાં આવે છે. આ ઉપરાંત હાજરી સુધારણા પ્રોજેક્ટ, વાંચન ગણન લેખન પ્રોજેક્ટ, પ્રકૃતિ દ્વારા શિક્ષણ, મારા અક્ષર મારી ઓળખ, મારી શાળા સ્વચ્છ શાળા, મારું પુસ્તક પ્રોજેક્ટ, મારું ભણતર મારુ ગણતર પ્રોજેક્ટ, ચાલો અંગ્રેજી શીખીએ પ્રોજેક્ટ જેવી વિવિધ પ્રવૃતિઓથી વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે છે. છ વર્ષના નિરંતર પ્રયત્નો થકી ગામનું સાક્ષરતા પ્રમાણ વધવાની સાથે શાળાનો ડ્રોપ આઉટ શૂન્ય થયો છે.
તેમજ શાળામાં શિક્ષણ અને સારી સુવિધાઓ હોવાથી ખાનગી શાળામાંથી પણ વિદ્યાર્થીઓ અમારી સરકારી શાળામાં આવે છે.

જીગ્નેશ ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં સામાજિક મૂલ્યોનું સિંચન થાય તે માટે રામહાટ ચલાવવામાં આવે છે, જેમાં હોલસેલ ભાવે સ્ટેશનરીનો સામાન લાવી વિદ્યાર્થીઓને વેચાણ કરવામાં આવે છે, જેનું સંપૂર્ણ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત સ્કૂલમાં એક અક્ષય પાત્ર મૂકવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ તેમના ઘરેથી વિવિધ પ્રકારના અનાજ લાવી તેમાં સંગ્રહ કરે છે ત્યારબાદ તેમાંથી પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. 

વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહેવા પ્રેરાય તે માટે હાજરી સુધારણા પ્રોજેક્ટ અંતર્ગત સો ટકા હાજરી ધરાવતા બાળકોનું દર મહિને સન્માન કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓના પોષણની ચિંતા કરતા જીગ્નેશભાઈએ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી છે. જે અંતર્ગત ઓલ્ટક બાયોટેકનોલોજી લિમિટેડ, અમુલ ડેરી અને ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના સહયોગથી છ વર્ષથી શાળાના વિદ્યાર્થીઓને દરરોજ અમુલનું ૧૫૦ મી.લી. દૂધ આપવામાં આવે છે, દાતાઓના સહયોગથી ફળફળાદી અને કઠોળનો નાસ્તો આપવામાં આવે છે, તેમજ શાળામાં મધ્યાહન ભોજનની પણ ખુબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

આ શાળાને વર્ષ ૨૦૧૭-૧૮ નો શાળા સ્વચ્છતા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે, તેમજ ગુણોત્સવમાં A ગ્રેડ સાથે તાલુકા કક્ષાએ બે વખત પ્રથમ રહી છે. હાલ શાળામાં ધો-૧ થી ૮ માં ૧૦૯ કુમાર અને ૮૬ કન્યાઓ મળી કુલ ૧૯૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

એક શિક્ષક ધારે તો કઈ રીતે શાળાની કાયાપલટ કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ ડાલી પ્રાથમિક શાળા પૂરું પાડી રહી છે.
*****