આણંદ
રાજ્યના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યમાં શરુ કરેલા શાળા પ્રવેશોત્સવનો ૨૦ મો તબક્કો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં આગામી ૧૨ મી જુનથી સમગ્ર ગુજરાતમાં યોજાનાર છે. ગુજરાતભરમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ એ શિક્ષણનો મહાયજ્ઞ છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્યની એ ઉજવણી છે.
આણંદ જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી થવાની છે. શિક્ષણના ક્ષેત્રમાં સર્જનાત્મકતા સાથે નવીનતા લાવનારા આણંદ થી માત્ર ત્રણ કિલોમીટર દૂર હાડગુડ ગામની શાળાના શિક્ષકશ્રી હિરેનભાઈ મેકવાનની કામગીરી જાણવા જેવી છે. તેમની શ્રેષ્ઠ કામગીરીને કારણે રાજ્ય સરકાર દ્વારા વર્ષ - ૨૦૧૮ માં તેમને રાજ્યના શ્રેષ્ઠ મુખ્ય શિક્ષક તરીકેનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
ઈ.સ. ૧૮૯૩ ના ઓગસ્ટ મહિનાની ૭ મી તારીખે શરૂ થયેલી ૧૩૧ વર્ષ જૂની હાડગુઙ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા અને શાળામાં બાળકોની હાજરી વધારવાના ઉમદા હેતુથી હિરેનભાઈએ અનોખા પ્રયોગ શરુ કર્યા. આ શાળા સ્માર્ટ શાળા છે. શાળાના દરેક વર્ગ માં પ્રોજેક્ટર અથવા ટીવીના માધ્યમથી પણ શિક્ષણ આપવામાં આવે છે. જેમાં આઠ વર્ગમાં ટીવી સેટ અને સાત વર્ગમાં પ્રોજેક્ટર લગાવવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ માટે ખાસ લાઇબ્રેરી પણ ઉભી કરવામાં આવી છે. જેમાં ૧૦૦૦ જેટલા પુસ્તકો ગોઠવવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પાંચ લાખના ખર્ચે સાયન્સ લેબ માટેના સાધનો પણ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું જ્ઞાન મળી રહે તે માટે ૨૦ કોમ્પ્યુટર અને ૦૯ લેપટોપ સાથેની કોમ્પ્યુટર લેબ ઇન્ટરનેટની સુવિધા સાથે ઉપલબ્ધ છે.
હાડગુડ પ્રાથમિક શાળા ખાતે ૮૬૧ બાળકોને ભણાવવા માટે ૨૪ વર્ગ ખંડની સાથે દીકરા અને દીકરીઓ માટે શૌચાલયની અલગ અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ૨૪ શિક્ષકો અને એક મુખ્ય શિક્ષક મળીને કુલ ૨૫ નો સ્ટાફ ધરાવતી જિલ્લાની એકમાત્ર પ્રાથમિક શાળા છે. આમ જોવા જઈએ તો ૨૫ નો સ્ટાફ અને ૮૬૧ વિદ્યાર્થીઓ હાઈસ્કૂલમાં જોઈ શકાય. પણ આ વાત છે પ્રાથમિક શાળાની.
હાડગુડ પ્રાથમિક શાળા પોતાની સ્કૂલનું facebook પેજ, youtube ચેનલ, whatsapp ગ્રુપ સહિત ઓનલાઈન ક્લાસીસ જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ ચલાવે છે. હાડગુડ શાળાની youtube ચેનલ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ જ સમાચાર પ્રકાશિત કરે છે અને સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને માહિતગાર કરે છે. શિક્ષણમાં સોશિયલ મીડિયાના ભરપૂર ઉપયોગ દ્વારા શાળાના આચાર્ય દ્વારા સ્કૂલના તમામ શિક્ષકો સાથે રહીને વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સ્તરમાં સુધારો કરવા અમલી કરાયેલ કાર્યક્રમ ગુણોત્સવમાં પણ આ શાળાએ ઉત્તરોત્તર પ્રગતિ કરેલી છે. વર્ષ-૨૦૦૯ માં ડી ગ્રેડ મેળવેલ શાળામાં આચાર્ય તરીકે હિરેનભાઈ મેકવાને વર્ષ -૨૦૧૨ માં ચાર્જ સંભાળ્યો ત્યારબાદથી એટલે કે વર્ષ-૨૦૧૩ થી આ શાળાના શૈક્ષણિક સ્તરમાં ઉત્તરોત્તર સુધારો થતો ગયો છે. જેના કારણે આ શાળા એ પ્લસ ગ્રેડ એટલે કે ગ્રીનમાં શાળા આવી ગઈ છે. જે ગ્રેડ તેમણે આજ દિન સુધી જાળવી રાખ્યો છે.
પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પાણીનો સ્વતંત્ર બોર, પીવાના પાણી માટે આર.ઓ. સિસ્ટમ તથા કુલર સાથેની વ્યવસ્થા, રમતના સાધનો, મેદાનમાં પેવર બ્લોક, કમ્પાઉન્ડમા નાના બગીચામાં ૨૦૦ થી વધુ ફુલ છોડ, ૨૦ થી વધુ વૃક્ષો, ૫૦ થી વધુ કુંડાઓ મૂકીને શાળાનું વાતાવરણ હરિયાળું બનાવવામાં આવ્યું છે.
હાલમાં જ ભારત સરકાર દ્વારા પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થીઓ હવે ધોરણ ૯ માં જવાના હોય તેમના માટે એન.એમ.એમ.એસ. ની પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં સ્કૂલના ૮ વિદ્યાર્થીઓ મેરીટમાં પસંદગી પામ્યા છે તેમને ધોરણ ૯,૧૦,૧૧ અને ૧૨ ચાર વર્ષ સુધી રૂપિયા ૧૨ હજારની સ્કોલરશીપ પણ મળશે.હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧.૫ કરોડના ખર્ચે હાડગૂડ પ્રાથમિક શાળાનું નવીન મકાન કે જે અદ્યતન બનાવવામાં આવનાર છે તેની કામગીરી ચાલુ કરવામાં આવી છે શાળાના આચાર્ય દ્વારા બાળકોને જ્ઞાન સાથે શિક્ષણ અને સાંસ્કૃતિક તથા બૌદ્ધિક વિકાસની પ્રવૃત્તિઓ સાથે જોડી તેઓ અભ્યાસ અને ઇત્તર પ્રવૃત્તિઓમાં નાવિન્ય લાવ્યા છે. બાળકોને જીવનલક્ષી પાઠ ભણાવીને તેમને વિવિધ રીતે તૈયાર કરી તેમની કલ્પના શકિતને પાંખો આપી રહ્યા છે. બાળકોની સુષુપ્ત શક્તિઓને વિકસવાની તક મળી રહે તેવો તેમનો અભિગમ છે.
બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલા પ્રયાસથી હાડગુડ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોની અભ્યાસની સાથે ઇત્તર પ્રવૃત્તિઓમાં રુચિ વધી છે અને બાળકોની શાળામાં હાજરી પણ વધી છે. તેમની આ પ્રવૃત્તિઓને લીધે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. તે સાથે જ રાજ્ય સરકારના શિક્ષણ મહાયજ્ઞનો એક ઉદ્દેશ્ય સાર્થક થઈ રહ્યો છે.
બાળકોને શિક્ષણ સાથે ઇત્તર પ્રવૃત્તિઓ થકી માનવ સંસાધન વિકાસનો અભિગમ સાથે વિવિધલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા સમય સાથે એવું પરિણામ મળ્યું કે, ખાનગી શાળામાં અભ્યાસે જતા હતા તે વિદ્યાર્થીઓ પણ આ ગામની સરકારી શાળામાં ભણવા માટે આવ્યા. છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦૦ કરતાં વધારે બાળકો ખાનગી શાળાઓ છોડીને હાડગુડની જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળામાં એડમિશન લઈ અને ભણી રહ્યા છે.
કોરોના કાળ દરમિયાન શ્રી હિરેનભાઈ પોતાના વાહન પર આજુબાજુના ગામડે રહેતા બાળકોના ઘરે જઈને તેમના ઘર આંગણે કોરોનાના નિયમોનું પાલન કરીને ભણાવતા હતા. તેમની હરતી ફરતી શાળાની એ સમયે વિશેષ નોંધ લેવામાં આવી હતી.
હિરેનભાઈએ જણાવ્યું કે શાળાના સર્વાંગી વિકાસ માટે અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે એસએમસી સમિતિના સભ્યો, ગામના સરપંચ, પંચાયતના સભ્યશ્રીઓ અને ગામની મૂડી સમાન એવા સૌનિષ્ઠ શિક્ષકોના સાથ સહકારથી હાડગુડ ગામની પ્રાથમિક શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને દિવસ અને દિવસે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે.
અગત્યની વાત તો એ છે કે હાડગુડ ગામ ખાતે પ્રાથમિક ઉર્દુ શાળા અને ખાનગી નોન ગ્રાન્ટેડ શાળા પણ ઉપલબ્ધ છે અને બાજુના જ ગામ જહાંગીરપુરામાં જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળા હોવા છતાં આ શાળા ખાતે વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.
રાજ્યમાં જ્યારે શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે શાળામાં અભ્યાસ માટે આવતા બાળકોને કાયમી શિક્ષણ સાથે જોડી રાખવા અને ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવા માટે કરવામાં આવેલી આ પ્રવૃત્તિ અસરકારક છે.
********