આણંદ
આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ આગામી તા.૦૯/૦૬/૨૦૨૩ અને તા. ૧૦/૦૬/૨૦૨૩ના બે દિવસો દરમિયાન અનંતશ્રી વિભુષિત દ્વારકા પિઠાધિશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીની વિદ્યાનગરના પ્રવાસ દરમિયાન યોજાનાર શોભાયાત્રાને ધ્યાને લઈ વિદ્યાનગરના કેટલાંક રૂટ પર આવતા વાહનોને ડાયવર્ઝન આપવાનો હુકમ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામા મુજબ શંકરાચાર્ય સ્વામીજીની આ શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે તા.૦૯/૦૬/૨૦૨૩ અને તા. ૧૦/૦૬/૨૦૨૩ના રોજના બે દિવસ દરમિયાન સાંજના ૧૮.૦૦ કલાકથી ૨૨.૦૦ કલાક સુધી ટર્મીનલ ચાર રસ્તાથી ડી.પી.એસ. જુનીયર સ્કુલ થઈ, સુજન ફ્લેટના પાટીયા થઈ, સ્પંદન રાજદિપ સોસાયટીના નાકા પાસે થઈ, આત્મીય પ્રોજેક્ટ ઈશા બંગલો થઈ, બળીયાદેવ ચોક્ડી સુધીના રસ્તા પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ વાહનો માટે ટર્મીનલ ચાર રસ્તાથી વિદ્યાનગર પ્રોફેસર સોસાયટી થઈ, હેલીપેડ થઈ, સાહેબ બંગલો થઈ, મેપલ ટાવર થઈ, ગણપતિજી મંદિર થઈ, બળીયાદેવ ચોકડી તરફની અવર જવર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
આ જાહેરનામું સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયરબ્રીગેડના વાહનો તથા ઈમરજન્સી સેવાઓ સાથે સંલગ્ન વાહનોને લાગુ પડશે નહી.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
******