AnandToday
AnandToday
Monday, 05 Jun 2023 18:30 pm
AnandToday

AnandToday

આગામી ખરીફ સીઝનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને ગુજરાતને ઝેરમુક્ત કરવા ક્રાંતિ કરીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ગુજરાતમાં ૫.૩૭ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

મે મહિનામાં જ ૪,૨૬,૦૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ લીધી : ક્લસ્ટર્સમાં ખેડૂતોને ઘરઆંગણે અપાતી તાલીમ પદ્ધતિની સફળતા

રાજભવનમાં આયોજિત સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની સ્થિતિની સમીક્ષા કરી

ગાંધીનગર
ગુજરાતમાં મે-૨૦૨૩ સુધીમાં ૫ લાખ, ૩૭ હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઘર આંગણે જઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીના પ્રણેતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ ખરીફ સીઝનમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે. આવો, આપણે ગુજરાતને ઝેરમુક્ત કરવા ક્રાંતિ કરીએ.

પ્રાકૃતિક ખેતી માટે સતત પ્રયત્નશીલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં આયોજિત સમીક્ષા બેઠકમાં કૃષિ વિભાગ અને આત્માના અધિકારીઓ સાથે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય અનિવાર્ય છે. આ માટે ચાર-પાંચ ખેડૂતો ભેગા થઈને ગાય રાખે. રાજ્યની પાંજરાપોળ અને ગૌશાળાઓ પણ સારી ગુણવત્તાવાળું જીવામૃત અને ઘનજીવામૃત પૂરતા પ્રમાણમાં તૈયાર કરીને ખેડૂતોને ઉપલબ્ધ કરાવે એ માટે પણ તેમણે આહવાન કર્યું હતું. તાલીમ આપી રહેલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ બનાવે અને વધુને વધુ ખેડૂતોને પ્રેક્ટીકલ તાલીમ આપે એવું સૂચન પણ તેમણે કહ્યું હતું. પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે રાજ્યમાં અત્યારે ૧૮૫ કામચલાઉ બજાર છે, અને ૨૪ કાયમી વ્યવસ્થા છે. વેચાણ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો.

મે-૨૦૨૩ થી સમગ્ર રાજ્યમાં ૧૦-૧૦ ગામોના ક્લસ્ટર્સ બનાવીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા નિષ્ણાત ખેડૂતો દ્વારા જ ઘરઆંગણે તાલીમ આપવામાં આવી રહી છે. સાવ ઓછા ખર્ચે અસરકારક તાલીમ આપતી આ ઝુંબેશથી સારા પરિણામો મળ્યા છે. માત્ર મે મહિનામાં જ આ રીતે ૪ લાખ, ૨૬ હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ લીધી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૭ લાખ, ૭૧ હજાર ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી છે.

ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા-ગાંધીનગર, દેથલી-ખેડા અને અંભેટી-વલસાડ સહિત મુન્દ્રા-કચ્છ અને સણોસરા-ભાવનગરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવા માટે કિસાન માસ્ટર ટ્રેનર અને કૃષિ વિભાગ-આત્માના ટેકનીકલ માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવામાં આવી રહી છે. મે-૨૦૨૩ સુધીમાં ૧૬,૨૭૪ કિસાન અને ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવામાં આવી છે.

આ બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ, 'આત્મા'ના ખાસ ફરજ પરના અધિકારી શ્રી દિનેશ પટેલ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડી. એચ. શાહ, કૃષિ નિયામક શ્રી એસ. જે. સોલંકી, 'આત્મા'ના નિયામક શ્રી પ્રકાશ રબારી, વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હિમાચલ પ્રદેશમાં ૯૯.૮ % પંચાયતોમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

હિમાચલ પ્રદેશમાં અત્યારે ૯૯.૮ % પંચાયતોમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી લીધી છે. શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત પહેલાં હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ હતા, ત્યારે તેમણે ત્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા જનજાગૃતિ અભિયાન આદર્યું હતું.

એકેડેમી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, લખનૌ અને રાષ્ટ્રીય કૃષિ વિસ્તાર પ્રબંધન સંસ્થાન, હૈદરાબાદના તાજેતરના એક સર્વેક્ષણ રિપોર્ટમાં જણાવાયું છે કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી હિમાચલ પ્રદેશના ખેડૂતોના કૃષિ ઉત્પાદન ખર્ચમાં ૩૬ ટકાનો ઘટાડો થયો છે અને ઉત્પાદનમાં ૮ ટકાની વૃદ્ધિ થઈ છે. ખેડૂતોને રાસાયણિક ખેતીની તુલનામાં ૨૮.૬  ટકા વધારે ફાયદો થઈ રહ્યો છે. ૭૫ % ખેડૂતો રાસાયણિક ખેતી કરતાં પ્રાકૃતિક ખેતીને વધારે મહત્વ આપી રહ્યા છે.

હિમાચલ પ્રદેશમાં બાગાયતી ખેતીમાં ફળ ઉત્પાદન કરતા ખેડૂતોનો પ્રાકૃતિક ખેતીથી ૨૧.૪૪ ટકા ચોખ્ખો નફો વધ્યો છે. ઉત્પાદન ખર્ચમાં પણ ૧૪.૩૪ ટકા થી લઈને ૪૫.૫૫  ટકા જેટલો ઘટાડો થયો છે. ફળોનો સ્વાદ વધુ સારો થયો છે, એટલું જ નહીં ઉત્પાદન પણ વધ્યું છે.

નીતિ આયોગે પણ દેશભરમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે હિમાચલ પ્રદેશના મોડેલને આધાર બનાવ્યું છે. ભારતમાં ગુજરાત ઉપરાંત હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ પણ મોટા પાયે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે.
----------------------