આણંદ,
પૃથ્વી ઉપર વધતા જતા પ્રદુષણને પરિણામે આજે ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ સર્જાઇ રહી છે. છેલ્લા થોડા સમયથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધી રહી છે, જેને પરિણામે લોકો પરિવહન ક્ષેત્રે પણ પરંપરાગત ઈંધણના બદલે સ્વચ્છ ઈંધણ તરફ વળી રહ્યા છે. ઇલેક્ટ્રીક વાહનો પર્યાવરણની જાળવણીમાં મદદ કરે છે, તેનો જાળવણી ખર્ચ ઓછો આવે છે, તે પેટ્રોલ-ડીઝલ સંચાલિત વાહનોની સરખામણીમાં ઓછું કાર્બન ઉત્સર્જન કરે છે, તેમજ દેશની તેલ આયાતની નિર્ભરતા પણ ઓછી કરે છે. આથી સરકાર પણ વધુમાં વધુ લોકો ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરે તે માટે પ્રયત્ન કરી રહી છે. સરકારની ઇલેક્ટ્રીક વાહનો પ્રત્યેની ઉદાર નીતિના પરિણામે આજે સમગ્ર દેશમાં હજારો ઇલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જેમ ફેમ યોજના અંતર્ગત ઇ.વી. વાહનોની ખરીદી માટે સબસીડી આપવામાં આવે છે, તેવી રીતે રાજ્ય સરકાર દ્વારા પણ ઇ.વી. વાહનોની ખરીદી બાદ વધારાની સહાય ચૂકવવામાં આવે છે જેના પરિણામે લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે.
ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ લોકોનો ઈલેક્ટ્રીક વાહનો લેવા પ્રત્યેનો જોક વધી રહ્યો છે. આણંદ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં ઇ.વી. વાહનોની ખરીદીમાં ધરખમ વધારો થયો છે. જિલ્લામાં નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૧૫ મોટરસાયકલ અને ૨ મોટરકાર મળી ફક્ત ૧૭ ઇલેક્ટ્રીક વાહનો હતા. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રીક વ્હિકલ પોલિસી ૨૦૨૧ લાગુ કરાતા લોકોમાં ઇ.વી. વાહનોની ખરીદી બાબતે જાગૃતતા આવી. જેના પરિણામે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૧૫૨ મોટરસાયકલ, ૮ મોપેડ અને ૨૭ મોટરકાર મળી કુલ ૧૮૭ વાહનો નોંધાયા હતા, જે પૈકી ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રીક વ્હિકલ પોલિસી ૨૦૨૧ ના માપદંડો મુજબ યોગ્યતા ધરાવતા ૮૨ ઇ.વી. વાહનો માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૭,૮૬,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવી હતી. તેવી જ રીતે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૨,૨૫૮ મોટરસાયકલ, ૪૧ મોપેડ અને ૭૨ મોટરકાર મળી કુલ ૨,૩૭૧ વાહનો નોંધાયા હતા. જે પૈકી માપદંડો મુજબ યોગ્યતા ધરાવતા ૪,૪૩૯ ઇ.વી. વાહનો માટે રાજ્ય સરકાર દ્વારા ૨,૯૯,૫૫,૪૦૦ ની સહાય ચૂકવવામાં આવી છે. આમ જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ૧,૫૨૧ ઇલેક્ટ્રીક વાહનો માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૩,૨૭,૪૧,૪૦૦ ની સહાય ચુકવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રીક વ્હિકલ પોલિસી ૨૦૨૧ અંતર્ગત રાજ્યમાં વાહનોની બેટરીના પ્રતિ કિલો વોટ દીઠ ₹૧૦,૦૦૦ લેખે સહાય ચૂકવવામાં આવે છે. જેમાં ટુ-વ્હીલર વાહન માટે મહત્તમ રૂ. ૨૦,૦૦૦, થ્રીવ્હીલર વાહનો માટે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ અને ફોર વ્હીલર વાહનો માટે મહત્તમ રૂ.૧,૫૦,૦૦૦ ની સહાય સીધી લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે. સરકારની આવી ઉદાર નીતિના પરિણામે છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ઈલેક્ટ્રીક વાહનોના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે.
(તસવીર સોર્સ બાય google)
**********