આણંદ
૦૩- જૂન વિશ્વ સાયકલિંગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. સાયકલ ચલાવવાથી બમણો ફાયદો થાય છે, લોકોના સ્વાસ્થ્યને તો લાભ થાય જ છે પરંતુ પર્યાવરણનું રક્ષણ પણ થાય છે. સાયકલ વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે તેને ચલાવવા માટે કોઈ બળતણની જરૂર રહેતી નથી. શહેરોમાં વધતા ઈંધણનાં ઉત્સર્જન અને હવાની ગુણવત્તા તેમજ માર્ગ સલામતીમાં સુધારો કરવા માટે સાઇકલ ઉત્તમ માધ્યમ છે.
વિદ્યાર્થીઓને શિક્ષણ સુવિધા ઉપલબ્ધ બને અને સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રાજ્ય સરકારશ્રી દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલની સુવિધા પુરી પાડવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં રૂ.૩૨.૭૩ કરોડના ખર્ચે ૭૪,૨૯૯ વિદ્યાર્થીનીઓને સાયકલ પૂરી પાડવામાં આવી છે.
આણંદ જિલ્લાની વાત કરીએ તો સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી શાળાઓ ખાતે ધો.-૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વર્ષ ૨૦૧૮-૧૯ માં ૯૨૬૧, વર્ષ ૨૦૧૯-૨૦ માં ૯૪૫૭ વર્ષ ૨૦૨૦-૨૧ માં ૯૪૩૦ વર્ષ ૨૦૨૧-૨૨ માં ૯૯૦૦ અને વર્ષ ૨૦૨૨-૨૩ માં ૯૧૧૯ મળીને કુલ -૪૭,૧૬૭ સાયકલ સમાજ કલ્યાણ અધિકારીની કચેરી, વિકસતી જાતિ, આણંદ દ્વારા આપવામાં આવી છે.
આવી જ રીતે અનુસૂચિત જાતિની જે વિદ્યાર્થીની ધો.-૯ માં અભ્યાસ કરે છે તેવી વિદ્યાર્થીનીઓને પણ નાયબ નિયામક અનુસૂચિત જાતિની કચેરી દ્વારા સાયકલ વિતરણ વિનામૂલ્ય કરવામાં આવે છે જેમાં જે વિદ્યાર્થીનીની વાર્ષિક આવક ₹.૬.૦૦ લાખ કરતાં ઓછી હોય તેવી વિદ્યાર્થીઓને સાયકલ વિનામૂલ્યે આપવામાં આવે છે આમ વર્ષ ૧૮-૧૯ દરમ્યાન ૬૩૮, વર્ષ ૧૯-૨૦ દરમ્યાન ૪૯૮, વર્ષ ૨૦-૨૧ દરમિયાન ૪૧૫, વર્ષ ૨૧-૨૨ દરમિયાન ૩૮૧ અને વર્ષ ૨૨-૨૩ દરમિયાન ૩૨૪ સાયકલો મળીને કુલ - ૨૨૫૬ સાયકલો અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓને આપવામાં આવી છે
દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા જે તે જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીઓ પાસે તેમના જિલ્લામાં કેટલી સાયકલો જોઈશે તેની દરખાસ્ત મંગાવવામાં આવે છે અને રાજ્ય સરકાર ગ્રીમકો પાસેથી ખરીદ કરીને જે તે જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીઓને આ સાયકલો આપે છે. દરેક સ્કૂલ દ્વારા તેમની સ્કૂલ ખાતે અભ્યાસ કરતી ધો.-૯ માં દાખલ થયેલી બિન અનામત વર્ગ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓની સાઇકલ મેળવવા માટેની દરખાસ્ત ઓનલાઇન કરે છે તેના અનુસંધાનમાં આ સાયકલો આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં જે વાલીની વાર્ષિક આવક રૂ. ૧.૨૦ લાખ અને શહેરી વિસ્તારમાં રૂ.૧.૫૦ લાખ હોય તેવા વાલીઓની દીકરીઓને સાયકલ આપવામાં આવતી હતી પરંતુ હવેથી રાજ્ય સરકારે તેમાં સુધારો કરીને વાર્ષિક ₹.૬.૦૦ લાખ આવક હોય તેવા તમામ વાલીઓની દીકરીઓ કે જે ધો.-૯ માં ભણતી હોય તેવી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે.
આરોગ્ય અને પર્યાવરણનું રક્ષણ કરતી સાયકલ એ આપણી તંદુરસ્તી માટે ફાયદાકારક છે. સાયકલ ચલાવવાના લાભ જોઈએ તો વજન ઘટે છે. હ્રદય રોગ, બ્રેઈન સ્ટ્રોક, કેન્સર અને ડાયાબીટીસ જેવા રોગો થવાની સંભાવના ઓછી થાય છે. રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ મળે છે, સ્નાયુઓ મજબુત બને છે, કમર અને ઘુંટણના દર્દ ઓછા થાય છે. યાદશક્તિ વધે છે, ભોજન સરળતાથી પચે છે. એસીડીટી અને કબજિયાતથી છુટકારો મળે છે.
સાયકલ પ્રદુષણ નથી ફેલાવતી તેથી તે પર્યાવરણ માટે પણ અનુકુળ છે. આજની યુવા પેઢી ભાગદોડના સમયમાં સાયકલીંગ તરફ વળી પર્યાવરણના સંરક્ષણ માટે પોતાનું યોગદાન આપી શકે છે. માત્ર ફેશન માટે નહીં પરંતુ આરોગ્યના રક્ષણ માટે રોજ સાયકલ ચલાવવી જરૂરી છે એટલુ જ નહીં, બાળકોને પણ સાયકલીંગ માટે પ્રોત્સાહન આપતા રહેવું જોઈએ.
********